ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
09, ડિસેમ્બર 2024
રાજકોટમાંથી ચોરાયેલી કાર બોડકદેવમાંથી મળી પોલીસે તપાસ કરતા અંદરથી દારૂ મળ્યો

અમદાવાદ ચાંદખેડામાં રહેતા યુવકના સસરાની રાજકોટમાં ગાડી ચોરાઇ હતી જે તેને બોડકદેવ પાસેના ગાર્ડન પાસે બીનવારસી હાલતમાં મળી આવતા યુવકે તરતજ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી. જેથી બોડકદેવ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યા દારૂની ખેપનો પર્દાફાશ થયો હતો. યુવકે પોતાના સસરાની જે ગાડી બતાવી હતી તે દારૂ ભરેલી હતી. આ સિવાય ગાડીની બાજુમાં પડેલા એક પીકઅપ જીપમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ગાડી અને પીકઅપ જીપના ડ્રાઇવરની ધરપકડ કરીને લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીકઅપ જીપમાં ચોરખાનુ બનાવીને દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી અને દારૂનો જથ્થો મોજામાં વીંટાળેલો હતો જેનો ઘટસ્ફોટ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં આવેલા પંચસ્લોક રેસીડેન્સીમાં રહેતા પાર્થ કોરડીયા નામના યુવકે ગઇકાલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો કે, મારા સસરાની ગાડી રાજકોટથી ચોરાઇ હતી, જે બોડકદેવ ગાર્ડન પાસે પડી છે. પાર્થની ફરિયાદના આધારે કંટ્રોલરુમની ટીમે બોડકદેવ પોલીસને જાણ કરી હતી. બોડકદેવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પાર્થનો સંપર્ક કર્યો હતો. પાર્થે દૂરથી પોલીસને તેના સસરાની બલેનો ગાડી બતાવી હતી. પાર્થે પોલીસને જણાવ્યું હતું કે, બલેનો ગાડી મારા સસરાની છે જે રાજકોટ ખાતેથી ચોરી થઇ હતી. પોલીસે ગાડી પાસે જઇને તપાસ કરી તો તેમાં ત્રણ થેલા પડ્યા હતા અને ડ્રાઇવરની સીટની બાજુમાં એક દારૂની બોટલ પડી હતી. પોલીસે આસપાસમાં ચેક કર્યું તો કોઇ ગાડીચાલક મળી આવ્યો નહી, પરંતુ બલેનો ગાડીની પાસે એક પીકઅપ જીપ હતી જેનો પણ ડ્રાઇવર હાજર હતો નહીં. બન્ને ગાડીઓ શંકાસ્પદ હોવાથી પોલીસની ટીમે ડ્રાઇવર આવે ત્યાં સુધી રાહ જાેઇ હતી. થોડા સમય બાદ બે યુવકો આવ્યા હતા જેમાં એક યુવક બલેનોમાં આવીને બેઠો હતો જ્યારે બીજાે યુવક પીકઅપમાં આવીને બેઠો હતો. પોલીસે બન્ને ગાડીઓને કોર્ડન કરીને બન્ને યુવકોને ઝડપી લીધા હતા. એક યુવકનું નામ છત્રપાલસિંગ સિસોદીયા અને બીજાનું નામ જીતેન્દ્રસિંઘ ચૌહાણ જે બંને રાજસ્થાનના રહેવાસી હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ પોલીસે બલેનો ગાડી ચેક કરતા પગમાં પહેરવાના મોજામાં દારૂની બોટલો વિંટાડેલી મળી આવી હતી. બાદમાં પોલીસે જીતેન્દ્રની પીકઅપ જીપ ચેક કરી હતી જેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, પરંતુ પોલીસને શંકા હોવાથી પીકઅપની જીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, જીતેન્દ્રએ પોતાના વાહનમાં ચોરખાનું બનાવ્યું હતું. ચોરખાનું જાેતા તેમાં મોજામાં વીંટાળેલી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસની ટીમ બન્નેની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા જ્યાં તેમની આગવી ઢબથી પુછપરછ કરી હતી. પોલીસે બલેનો અને પીકઅપ જીપમાંથી ૩.૩૪ લાખ રૂપિયાની કિંમતની ૩૪૯ દારૂની બોટલો મળી આવી હતી. જ્યારે ૪૬૦૮ રૂપિયાની કિંમતના ૪૮ બીયરના ટીન મળી આવ્યા હતા.


08, ડિસેમ્બર 2024
પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને મોટી રાહત  કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર

પોરબંદર  પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને ગુજરાતની એક કોર્ટમાંથી મોટી રાહત મળી છે. પોરબંદરની કોર્ટે તેને ૧૯૯૭ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ ‘વાજબી શંકાથી પરેનો કેસ સાબિત કરી શક્યું નથી’. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે પોરબંદરના તત્કાલિન પોલીસ અધિક્ષક (એસપી) ભટ્ટને આઈપીસીની કલમો હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.આરોપીની કબૂલાત મેળવવા માટે ગંભીર ઇજા પહોંચાડતી કલમો અને અન્ય જાેગવાઈઓ હેઠળ ભૂતપૂર્વ આઇપીએસ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.ભટ્ટને અગાઉ ૧૯૯૦માં જામનગરમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રાજસ્થાનના વકીલને ૧૯૯૬માં પાલનપુરમાં ડ્રગ્સ રાખવાના કેસમાં ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે.૧૯૯૭ના કેસમાં, કોર્ટે એવું માન્યું હતું કે ફરિયાદી ‘વાજબી શંકાથી આગળ’ સાબિત કરી શક્યું નથી કે ફરિયાદીને ગુનો કબૂલ કરવાની ફરજ પડી હતી. તેને ખતરનાક હથિયારો અને ધમકીઓનો ઉપયોગ કરીને સ્વેચ્છાએ શરણાગતિ કરવાની ફરજ પડી હતી.આદેશ જાહેર કરતી વખતે, કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં જાહેર સેવક તરીકે ફરજ બજાવતા આરોપી સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નથી. ભટ્ટ અને કોન્સ્ટેબલ વજુભાઈ ચૌ, જેમની સામે કેસ તેમના મૃત્યુ પછી પડતો મૂકવામાં આવ્યો હતો, તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૩૦ (કબૂલાત મેળવવા માટે ઈજા પહોંચાડવી) અને ૩૨૪ (ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.આ આરોપો નારણ જાધવ નામના વ્યક્તિએ લગાવ્યા હતા. તેણે કહ્યું કે આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૮૭ (ટાડા) અને આર્મ્સ એક્ટના કેસમાં, પોલીસ કસ્ટડીમાં શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા પછી તેની કબૂલાત મેળવવામાં આવી હતી.૬ જુલાઈ, ૧૯૯૭ના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જાધવની ફરિયાદ પર કોર્ટના નિર્દેશ બાદ, ૧૫ એપ્રિલ, ૨૦૧૩ના રોજ પોરબંદર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભટ્ટ અને ચૌ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જાધવ ૧૯૯૪ના આર્મ્સ લેન્ડિંગ કેસમાં ૨૨ આરોપીઓમાંનો એક હતો.


06, ડિસેમ્બર 2024
શહેરના ૧૦૦ વાહનચાલકો ટ્રાફિક પોલીસના રડાર પર!

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો સામે સ્પેશ્યિલ ડ્રાઇવ ચાલી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરનાર વાહન ચાલકોનુ હિટલીસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમા ૧૦૦ જેટલા વાહન ચાલકો ટ્રાફિક પોલીસની રડાર પર છે. તેમનુ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તે તમામને પકડીને સ્થળ પર જ દંડ ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં આરીટીઓ વિભાગ પણ શહેર ટ્રાફિક વિભાગ સાથે જાેડાયુ હતું.શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધારો જાેવા મળી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ શહેરના રાજમાર્ગો પર વધી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. વાહન ચાલકો દ્વારા સરેઆમ ટ્રાફિકના નિયમોને ભંગ વારંવાર કરવામાં આવતો હોય છે. ત્યારે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરનાર વાહન ચાલકોને ઇ ચલણ ફટકારવામાં આવાતા હોય છે. પરંતુ ઘણા ખરા વાહન ચાલકો દ્વારા ઇ ચલણ ભરવામાં આવતા નથી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુકત રીતે વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કામગીરી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ૧૦૦ જેટલા વાહન ચાલકોને આઇડેન્ટી ફાય કરવામાં આવ્યા છે. જેમાં એક વાહન ચાલક સામે સૌથી વધુ ૭૨ ઇ-ચલણ અને સૌથી ઓછા ૧૪ ઇ-ચલણ ટ્રાફિક પોલીસ દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. છતા આ ૧૦૦ જેટલા વાહન ચાલકો તેમના બાકી ઇ-ચલણની ભરપાઇ કરતા નથી. આજથી ટ્રાફિક પોલીસ અને આરટીઓના અધિકારીઓ દ્વારા ૧૦૦ વાહન ચાલકોને રડારમાં લીધા છે. તેમના બાકી ઇચલણની વસૂલાત સ્થળ પર જ કરવા સુધીની કામગીરી કરવાના છે તેમજ પ્રોપર ડોક્યુમેન્ટસ નહીં હોય તો લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ દંડ નહી ભરે તો તેમના વાહનો પણ ડીટેઇન કરવામાં આવશે. એક જ વાહન ચાલકને ૭૨ ઇ-ચલણ જનરેટ થયા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૧૦૦ જેટલા વાહન ચાલકોને આઇડેન્ટી ફાય કરવામાં આવ્યા છે જે વાહન ચાલકો વારંવાર ટ્રફિક નિયમોના ભંગ કરવાની ટેવ વાળા હોય છે. જે તમામ વાહન ચાલકો શહેર ટ્રાફિક પોલીસની રડારમાં છે. ટ્રાફિક પોલીસ દ્વારા તેવા ૧૦૦ વાહનચાલકો પૈકી એક વાહન ચાલકને સૌથી વધુ ૭૨ ઇ-ચલણ આપવામાં આવ્યા છે, જયારે સૌથી ઓછા ૧૪ ઇ-ચલણ જનરેટર કરવામાં આવ્યા છે. લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં ભરાશે ટ્રાફિક ડીસીપી આજથી ટ્રાફિક પોલીસ અને આરટીઓને સાથે રાખીને શહેરના ૧૦૦ વાહન ચાલકો, જે વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરે છે તેની સામે પગલા લેવાની કામગીરીની શરૂઆત કરી છે. વાહનચાલકો પાસે પૂરતા ડોક્યુમેન્ટસ નહીં હોય કે પછી ઇ-ચલણ સ્થળ પર નહીં ભરી શકે તેવા વાહનો ડીટેઇન કરીશું. દંડની ભરપાઇ કરશે તો વાહન પરત આપીશું, પરંતુ જાે ડોક્યુમેન્ટસનો અભવા હશે તો તે વાહનચાલકનું લાઇસન્સ રદ્દ કરવા સુધીના પગલા ભરીશું. જ્યોતિ પટેલ, શહેરી ટ્રાફિક ડીસીપી


06, ડિસેમ્બર 2024
ભૂજ-નખત્રાણા સુધીના ૪૫ કિમી માર્ગને ફોરલેન હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે

ગાંધીનગર, રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જાેડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અંગેનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે. જેના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીના ૪૫ કિલો મીટર રોડને ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે, એટલું જ નહીં, મુખ્યમંત્રી દ્વારા આ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવા માટે રૂ. ૯૩૭ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. હાલની સ્થિતિએ ૧૦ મીટર પહોળાઈનો આ માર્ગ હાઈસ્પિડ કોરીડોર બનવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જાેડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જાેડતો રસ્તો પણ છે. આમ, ૪૫ કિ.મી.નો આ ભૂજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુકત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે.


28, નવેમ્બર 2024
મહુવામાં વહેલ માછલીની ૧૨ કિલો જેટલી ઊલટી સાથે બે શખ્સની ધરપકડ

ભાવનગર, ભાવનગર જિલ્લામાં વ્હેલ માછલીની ઉલટી ઉર્ફે એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મહુવા પોલીસને સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસની તસ્કરીની બાતમી મળી હતી. ત્યારબાદ મહુવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે ૧૨ કિલોગ્રામ જેટલાં એમ્બરગ્રીસના જથ્થા સાથે જયદીપ શિયાળ અને રામજી શિયાળ નામના બંને વ્યક્તિને ઝડપી પાડીને ધરપકડ કરી હતી. માર્કેટમાં આ જથ્થાની કિંમત આશરે ૧૨ કરોડ જેટલી છે. જ્યારે પોલીસની આ કાર્યવાહી બાદ ભાવનગર વાઈલ્ડ લાઈફ વિભાગની કામગીરી અને પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત ૧થી ૨ કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્‌યમ બનાવવામાં કરવામાં આવે છે. જાે કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે. એમ્બરગ્રીસ લગભગ ૪૦ દેશોમાં પ્રતિબંધિત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં તેને રાખવી અને તેનો વ્યાપાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. ભારતમાં સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેનાથી બનનારા તમામ ઉત્પાદનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જાે કે ભારતના તટીય રાજ્યો, ખાસ કરીને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેનો વ્યાપાર વધ્યો છે.


મધ્ય ગુજરાત વધુ વાંચો
13, ડિસેમ્બર 2024
ખાખીની નિષ્કાળજીએ એન્જિ. યુવતીનો જીવ લીધો

વડોદરા શહેરમાં પૂરઝડપે વાહનો હંકારીને અકસ્માતો સર્જવાની ઘટનાઓની વણઝાર જાેવા મળી રહી છે. વડોદરા પોલીસ ચોપડે નોંધાયેલા અકસ્માતની સંખ્યા ઉપર નજર કરીએ તો છેલ્લા ૬ મહિનામાં કુલ ૯૦ ફેટલ અકસ્માત નોંધાયા છે. ૬ મહિનામાં ૯૦ લોકોએ અક્સ્માતમાં જીવ ગુમાવ્યાં છે એટલે કે દર ૪ કલાકે એક વ્યક્તિ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યો છે. ગઈકાલે ફરી હરણી રોડ પર અજાણ્યાં ચાલકે પૂરઝડપે વાહન હંકારીને છાણી વિસ્તારમાં રહેતી ડિપ્લોમાં એન્જિનિયર દીકરીને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.હરણી રોડ પર થયેલાં અકસ્માતની ઘટનામાં છાણી વિસ્તારમાં રહેતા રમેશભાઇ બેચરભાઇ મકવાણાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આજ રોજ મારી દીકરી જાગૃતિ રમેશભાઇ મકવાણા (રહે, છાણી) ઘરેથી મારી મોટી દીકરી શઇવાનીના નામની એક્ટિવા લઈને નોકરી પર ગઈ હતી. નોકરી ઉપરથી સાંજના ૬ વાગે છૂટીને કંપનીની બસમાં બેસી વાઘોડિયા ચોકડી સુધી આવી હતી અને ત્યાંથી તેની એક્ટિવા લઇને ઘરે જવા માટે રૂટિન મુજબ નીકળી હતી. તેઓએ આગળ જણાવ્યું હતું કે, સાંજના સમયે મેં મારાં ઘરેથી પોન કરીને પૂછ્યું ત્યારે દીકરી જાગૃતિએ કહ્યું કે, હું વાઘોડિયા ચોકડી આવી ગઈ છું અને એક્ટિવા લઇને ઘરે આવવા નીકળી ગઈ છું. ત્યારબાદ મારી મોટી સાળાવેલી નામે વૈશાલીબેનનો મારા ઉપર ફોન આવેલ અને જાગૃતિને ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડી વચ્ચે અમદાવાદથી સુરત તરફ જતાં રોડ ઉપર અકસ્માત થયો છે. તે વાતની જાણ થતાં હું મારા બીજા સંબંધીઓ સાથે એસએસજી હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં સાળા રજનીકાંતભાઇથી મને જાણવા મળ્યું કે મારી દીકરી જાગૃતિને કોઇ અજાણ્યા વાહ ચાલકે અડફેટે લેતાં તેના માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર મોત નીપજયું છે. માતા દીકરીની ૧૫ મિનિટની રાહ જાેતી રહી દીકરી કંપનીમાથી છુટીને કંપનીમાં બેસીને વાઘોડિયા ચોકડી પર આવી હતી તે સમયે દિકરીએ માતાને જણાવ્યું હતુ કે મમ્મી હું ૧૫ મીનીટમાં ઘરે આવુ છુ વાઘોડિયા ચોકડી સુધી આવી ગઇ છું. માતા તે ૧૫ મીનીટની રહા જાેઇ રહી છે પરંતુ દિકરી પાછી આવી નથી. પપ્પાનો એક દિવસ સાયો હટ્યો અને દીકરીને યમરાજ લઇ ગયો જાગૃતિ મકવાણા અને તેના પિતા રમેશભાઇ મકવાણા બંન્ને એક જ કંપનીના બે અલગ અલગ ગૃપોમાં કામ કરે છે. પિતા અને દિકરી બંન્ને રોજે રોજ સાથે કંપનીમાં જતા અને આવતા હતા, પરંતુ પિતાની તબીયત ગઇકાલે સારી ન હોવાથી પિતાને દિકરીએ રજા પડાવી હતી અને દિકરી એકલી ગાડી લઇને વાઘોડિયા ચોકડી સુધીગઇ હતીં. ત્યારબાદ ત્યાંથી કંપનીની બસમાં કંપનીમાં ગઇ હતી. સાંજના સમયે પરંત તે વાઘોડિયા ચોકડી સુધી આવી હતી અને ઘરે પરત જતા સમયે તેનુ અક્સ્માત થતા તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું. પિતા -પુત્રી એક જ કંપનીમાં નોકરી કરતા હતા પિતા અને દિકરી બંન્ને એક જ કંપનીના અલગ અલગ ગૃપમાં નોકરી કરે છે પિતા ડ્રાફ્ટ મેકેનીકલ તરીકે વાઘોડિયાની કાઇઝન સ્વિચ ગીયર નામની કંપનીમાં ફરજ બજાવે છે જયારે દિકરી જાગૃતિ ડિપ્લોમાં ઇલે. એન્જીનીયર તરીકે અભ્યાસ કરેલો છે જેથી તે ઇલેક્ટ્રીક કંટ્રોલ એન્ડ સીસ્ટમ કંપનીમાં ફરજ બજાવે છે. પાદરામાં ટ્રકે ટક્કર મારતા આધેડનું મોત વડોદરના પાદરા જંબુસર હાઇવે પર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. જેમા ટ્રકચાલકની બેદરકારીના કારણે ૫૦ વર્ષીય કૌશિક લક્ષ્મણરાવ ભુસાળનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતું. મૃતક વ્યક્તિ વડોદરા શહેરના સોમાતળાવ પાસે આવેલી રૂદ્રાક્ષ રેસિડેન્સી પાસે રૂદ્રાક્ષ હાઇટમાં રહેતો હતો. આ ઘટનાને અંજામ આપનાર ટ્રક ચાલકને વડુ પોલીસે ગણતરીના કલાકમોમાં ઝડપી પાડી વધઉ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમા ૫૦ વર્ષે કૌશિકભાઇ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં તે સમયે એકાએક ટ્રક તેઓની ઉપર આવી જાય છે અને તેઓ અચાનક નીચે પટકાઇ પડે છે. જયાં ટ્રકના આગળના ટાયરના પૈડા ફરી વળે છે અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજે છે. આબનાવ બાદ આરોપી ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર થઇ જાય છે. આ સમગ્ર બનાવીને લઇ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા વડુ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વ્યક્તિના મૃતદેહનો કબજાે લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત નોતરનાર ફરાર ટ્રક ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. મિ. પોલીસ કમિશનર, ટ્રાફિક વિભાગની ઉદાસીનતા કયાં સુધી લોકોનો ભોગ લેશે? પોલીસ કમિશનરના જાહેરનામાંને ભારદારી વાહનો પોલીસ કર્મચારીઓની રહેમનજર હેઠળ કચળી રહ્યા છે. ભારદારી વાહનો પોલીસ કમિશનરના જાહેરનામાં ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરીને નિર્દોષ રાહદારીઓને તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાંને કચડી રહ્યા છે. છતા પણ પોલીસ મુક પ્રેક્ષકની જેમ તમાશો જાેઇ રહ્યા હોય તેમ ભારદારી વાહનો એક બાદ એક વડોદરા શહેરમાં અકસ્માત કરી રહ્યા છે. તેવામાં આજ રોજ મોડી સાંજે સમા છાણી કેનાલ રોડ પર એક ડમ્પર ચાલકે એક માસૂમનો જીવ લીધો હતો . આ માસૂમ બાળક પોતાની બાઇક લઇને ત્યાંથી પસાર થતો હતો તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલ ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. અકસ્માત થતાની સાથે જ લોકોટોળા પણ એકત્રીત થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ પોલીસને કરાતા સમા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતીં. કમભાગી ઘટનાઓ ૦૭-૦૮-૨૦૨૩નો બનાવ ઃ જલારામનગરના બ્રિજેશકુમાર કુશવાહની ચાર વર્ષની દિકરી નેન્સી ઘર આંગણી રમતી હતી. તે સમયે ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે મારી ચાર વર્ષની દીકરી નેન્સીને ટક્કર મારી છે અને દીકરી નેન્સીના ડાબા હાથ પરથી કચરાની ગાડીનું ટાયર ફરી વળ્યું હતું જેમાં તેનું મોત નીપજયુ હતું. ૧૩-૦૮-૨૦૨૪નો બનાવ ઃ કારેલીબાગમાં શોપિંગ કરીને ઘરે પરત ફરી રહેલી બે બહેનોની એક્ટીવાને આઇસર ટેમ્પાએ ટકકર મારી હતી. જેમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય, કેયા પટેલનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ૦૯-૦૯-૨૦૨૪નો બનાવ ઃ નીલાંબર સર્કલ પાસે પ્રિયા શ્રીમાળી નામની યુવતી પોતાની નાની દીકરીને લઇને ઉભી હતી. પુરપાટ ઝડપે ડમ્પર ચાલકે મહિલા અને તેની દિકરીને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. ૦૪-૧૨-૨૦૨૪નો બનાવ ઃ ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર જયંત રાઠવા સોમાતળાવ ખાતે મિત્ર સાથે ઝેરોક્ષ કઢાવવા માટે ગયો હતો. તે સમયે સોમાતળાવ રોડ પરથી કૃત્રિમ તળાવવાળા રોડ પરથી કોનસ્ટેબલનો પુત્ર જયંત અને તેનો મિત્ર જતા હતા તે સમયે ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું. ૦૭-૧૨-૨૦૨૪નો બનાવઃ છાણીમાં આવેલા અભયનગર સોસાયટીમાં ચાર વર્ષના દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો તે સમયે કચરાની ગાડીના ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો હતો. દેવાંશને ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું.


13, ડિસેમ્બર 2024
શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના રાંધણગેસ બોટલોમાંથી ગેસની ચોરી કરતાં૧૦ ઝડપાયાં

શહેર નજીક રણોલી જીઆઇડીસીમાં આવેલી શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૧૦ કર્મચારીઓને ૭.૨૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, રણોલી જીઆઇડીસીમાં આવેલ રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નં.૪માં ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દીવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ અને ટેમ્પાઓના ડ્રાઇવરો તથા હેલ્પરો તેના મળતીયા માણસો સાથે ભેગા મળી ટેમ્પોમાં ભરેલા ભારત ગેસના ઘરેલુ બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડીયન ગેસ એજન્સીના કોર્મશીયલ ખાલી બોટલમાં થોડો થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરે છે. બોટલોને ફરી સીલ કરી રિ-પેકિંગ કરી ગ્રાહકોને બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ ચોરી કરી રહ્યા છે. જે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક, સુપરવાઇઝર, ડ્રાઇવરો તથા હેલ્પરોએ પોત પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજીત કારવતરૂ રચ્યુ હતું. ગ્રાહકોને ડિલિવરી ઘરેલુ વપરાશ માટે ના ભરેલા ગેસના બોટલો ડિલિવર ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલા લોખંડની પાઇપ વડે ઘરેલુ ઉપયોગના ભરેલા ગેસના બોટલોના સીલ ખોલી, કોર્મોશીયલ ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી લેતા હતાં. આ કોર્મોશિયલ બોટલો છુટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથઈ સીલ કરી રિ-ફિલિંગ રિ પેકિંગ કરતા હતા. આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરીને ગ્રાહકોને ગેસ ભરેલ બોટોલો નિયત સ્ટોક મુજબના છે, તેવો વિશ્વાસ ભરોસો આપી, ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃતિ કરતા રેઇડ દરમિયાન ૧૦ ઇસમને કુલ ૭.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ગેસ રિફિલિંગ કરતાં આરોપીઓ મયુદ્દીન નસરૂદ્દીન બેલીમ (રહે, કાલોલ), ધર્મેશ રાજુભાઇ રાવળ (રહે, કિશનવાડી), અરવિંદભાઇ રમેશભાઇ રાવળ (રહે, કિશનવાડી), મેહબુબ મહોમદભાઇ મલેક (રહે, તરસાલી સોમાતળાવ રોડ), ઇમરાન બરકતભાઇ શેખ (રહે, માણેજા), નિલેશ ભીખાભાઇ સોમવંશી (રહે, કિશનવાડી), સોહીલ અજબસિંહ પરમાર (રહે, આણંદ), શબ્બીરમીયા મોહંમદમીયા મલેક (રહે, વુડાના મકાન ડભોઇ રોડ), સલમાન મીરસાબભાઇ ચૌહાઅ (રહે, આણંદ), લતીફમીયા હનીફમીયા મલેક (રહે, કાલોલ) અગાઉ પણ કરોડિયા રોડ પરથી ગેસ રીફિલિંગનું કૌભાડ ઝડપી પાડ્યું હતું અગાઉ ૨૮ જુલાઇ ૨૪ના રોજ એસઓજી દ્વારા જવાહરનગર, કરોડિયા રોડ ઉપર આવેલા ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના ૬ કર્મચારીઓને ૨.૯૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


13, ડિસેમ્બર 2024
ભાજપના નવા કાર્યાલયનું અચાનક વાસ્તુપૂજન કરાયું, કેટલાક લોકો હાજર તો કેટલાક નારાજ

વડોદરા શહેર ભાજપ દ્વારા નવા કાર્યાલયનું અચાનક વાસ્તુપૂજન ગોઠવી દેવામાં આવ્યું હતું જેનાકારને કેટલાય કાર્યકરોમાં તેમજ આગેવાનોમાં નારાજગી જાેવા મળી હતું. સંગઠન દ્વારા અચાનક ગોઠવી દેવાયેલી પૂજાવિધિમાં કેટલાકને અંતિમ ક્ષણે જાણ કરવામાં આવી હતી તો કેટલાકને જાણ જ કરવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના કારણે કાર્યકરોમાં પણ નારાજગી જાેવા મળી રહી છે. કેટલાક કાર્યકરોએ વોટ્‌સએપ ગ્રુપમાં પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરા શહેરના બહુચરાજી રોડ ઉપર નવનિર્મિત કાર્યાલયનું આજે વાસ્તુપૂજન કરવામાં આવ્યું હતું. આગામી ૨૨ ડિસેમ્બરે તેનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. અચાનક વાસ્તુપૂજન ગોઠવી દેવતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં કમલમના નામથી ભાજપના નવા કાર્યાલયોના ઉદ્‌ઘાટનો થઈ રહ્યા છે. વડોદરા શહેરના નવા કાર્યાલયની જમીન ખરીદી તાત્કાલિક નવા કાર્યાલયનું બાંધકામ શરૂ કર્યું હતું. જે લોકસભાની ચૂંટણી પછી તુરંત જ ઉદ્‌ઘાટન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ભાજપની ભાંજગડને કારણે ઉદ્‌ઘાટન મુલતવી કરી દેવામાં આવ્યું હતું અને કાર્યાલયનો કેટલોક ભાગ તોડવામાં આવ્યો હતો. વડોદરા ભાજપ કમલમ કાર્યાલય બહુચરાજી રોડ કારેલીબાગ ખાતે તૈયાર થઈ રહ્યું છે કેટલીક કામગીરી અધુરી છે તે પહેલા આજે અચાનક જ વસ્તુ પૂજન રાખવામાં આવ્યું અને તેમાં ગણતરીના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને વોર્ડ પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં પૂજા વિધિ રાખવામાં આવી હતી. વાસ્તુપૂજનમાં પ્રમુખ, મહામંત્રી પૂજાવિધિમાં બેઠા હતા. જાે કે અંતિમ ક્ષણે સંગઠન દ્વારા કેટલાક આગેવનોને જાણ કરવામાં આવી હતી તો કેટલાકને જાણ કરવામાં ન આવતા કાર્યકરો - આગેવાનોમાં નારાજગી જાેવા મળી હતી. ભાજપના ગ્રુપમાં પણ આ અંગે કેટલાકે નારાજગી વ્યક્ત કરતા મેસેજ મોકલ્યા હતા. તારીખ ૨૨મીના રોજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાના ભાજપ કમલમ નવા અધૂરા બાંધકામના કાર્યાલયનું ઉદ્‌ઘાટન રાખવામાં આવ્યું છે. વાસ્તુપૂજનમાં પૂર્વ પ્રમુખો પણ ભુલાયા ભાજપના નવા કાર્યાલયના વાસ્તુપૂજન માટે અનેક આગેવાનોને સંગઠન દ્વારા જાણ સુદ્ધા કરવામાં આવી ન હતી. શહેરના સંગઠનને મજબૂત બનાવવા માટે જે લોકોએ મહેનત કરી છે તેવા પૂર્વ પ્રમુખોને પણ આ શુભ અવસરની જાણ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પૂર્વ પ્રમુખો પૈકી પણ કેટલાકમાં નારાજગી જાેવા મળી રહી છે.


13, ડિસેમ્બર 2024
નકલી એનએ કૌભાંડમાં સંડોવાયેલા કુતબી રાવતની ધરપકડ પર સુપ્રીમનો સ્ટે, હાજર થવા ફરમાન

રાજ્યભરમાં ચકચાર મચાવનાર દાહોદનો બોગસ એનએ હુકમ કૌભાંડના મુખ્ય સુત્રધાર શૈશવ પરીખના સાગરીત કુતબી રાવતની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પોલીસ ધરપકડ ટાળવા માટે દુબઈમાં ફરાર થયેલો કુતબી વોરંટ ઈશ્યુ થવા છતાં હાજર નહીં થતાં તા.૨૦મી બાદ તેની મિલકતો ટાંચમાં લેવાશે તેવું તંત્ર દ્વારા અલ્ટિમેટમ અપાતાં જ ફફડ ઉઠેલાં કુતબીએ સુપ્રંીમ કોર્ટમાં દાદ માગી હતી, જેમાં શરતોને આધિન તેની ધરપકડ પર સ્ટે અપાયો હતો. દાહોદના બહુચર્ચીત નકલી એનએ કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈશવ પરીખ સાથે ગ્રાહકો શોધીને લાવવામાં વચેટિયાની ભૂમિકા ભજવીને આર્થિક કૌભાંડ આચરનાર દાહોદના કુતબી રાવત અને રામુ પંજાબી પોલીસ ધરપકડ ટાળવા માટે દાહોદથી ફરાર થઈ ગયા છે. આ બનાવમાં બંને આરોપીઓની ધરપકડ અત્યંત મહત્વની હોઈ પોલીસે આ બંનેની ઘનિષ્ટ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસે આ બંને વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યા હતા. તેમજ પોલીસ કે કોર્ટ સમક્ષ હાજર થવા માટે સૂચના આપી હતી. પોલીસે સીઆરપીસી ૮૨ મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરી આ બંને આરોપીઓના રહેણાંક મકાને તેમજ જાહેર સ્થળોએ જાહેરાતના પોસ્ટરો લગાવ્યા હતા. તેમજ બંને આરોપીઓ જાે આગામી દિવસોમાં પોલીસ કે કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો તેઓની મિલકતો તા.૨૦મી ડિસેમ્બર તંત્ર દ્વારા ટાંચમાં લેવામાં આવશે. તેવી ગત ૨૧મી નવેમ્બરે દાહોદના ડીવાયએસપી ભંડારીએ અલ્ટિમેટમ આપ્યુ હતું. બીજીતરફ અત્રેથી ફરાર થઈને દુબઈમાં આશરો લઈ રહેલો કુતબી દાહોદ પોલીસની કામગીરી પર સતત નજર રાખી રહ્યો છે અને અઠવાડિયા બાદ પોલીસ પોતાની મિલકતો ટાંચમાં લેશે તેવી જાણકારી મળતાં જ તેણે મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી ના થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે.એનએ કૈાભાંડના સૂત્રધાર બાદ મુખ્ય આરોપી મનાતા કુતબી રાવતે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી. તે દેશમાં પરત ભરવા માગે છે માટે પોલીસ તેની ધરપકડ ના કરે તેવી અરજ કરી હતી. આ અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે કુતબી રાવત પોલીસ તપાસમાં સહકાર આપે અને ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર રહે તેવી શરતો સાથે તેની ધરપકડ પર સ્ટે આપ્યો હતો.


13, ડિસેમ્બર 2024
યુકે પરમીટ વિઝા બનાવી આપવાનું કહી સીએ અને એચઆર પાસેથી ૬ લાખ પડાવ્યાં

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામે રહેતા નયનકુમાર ભરતભાઇ પટેલે જે.પી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, હું કોસ્ટમો ફર્સ્ટ લીમીટેડ નામની કંપનીમાં કરજણ ડભોઇ રોડ ખાતે એકાઉન્ટ ઓફિસમાં નોકરી કરૂ છું. મારી સાથે મિત્ર અર્જુન રાજેશ પટેલ પણ એચઆર તરીકે નોકરી કરતો હતો અને અમે બંન્ને યુકે ખાતે નોકરી કરવા ઇચ્છા ધરાવતા હોય બંન્નેએ વર્ષ ૨૦૨૩માં અમારી કંપનીમાં અમારી સાથે નોકરી કરતા અંકિત પંચાલે અમને જણાવેલ કે વડોદરા શહેરમાં વિઝા કન્સલ્ટન્ટસીનું સારૂ કામ કરતી હોય તેવી ઓફિસો આવેલ છે. જેથી ગઇ વર્ષ ૨૦૨૩માં હું અને મારો મિત્ર અર્પન પટેલ ચોક ખાતે સિક્રેટ હબ કોમ્પલેક્ષ નામના ઓફિસમાં ગયા હતા અને મહેબુબ રસુલ વેપારી મળતા તેઓએ પોતે યુ.કે. પરમિટનું કામ ઘણા વર્ષોથી કરતા હોવાનું જણાવ્યું હતું. ઘણા બધા લોકો યુ.કે ખાતે સારી કંપનીમાં મોકલી આપેલા હતા. તથા યુ.કે. વર્કપરમીટની કામગીરીના એજન્ટ વડોદરા શહેરમાં તેનું સારુ નામ છે. તેમ જણાવી અમે બંન્ને મિત્રો અમારૂ યુકે વર્ક પરમીટનું કામ તેને આપીશુ તો તેઓ બંન્ને મિત્રોને ઓછી ફીમાં યુ કે સારી એવી કંપનીમાં નોકરી અપાવશે, તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ બંન્ને મિત્રો સાથે મહેબુબ વેપારીએ યુકે વર્ક પરમીટ બાબતનો એગ્રીમેન્ટ કર્યો હતો. બંન્ને મિત્રોના મળીને રૂપિયા ૧૫.૫૦ લાખ આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ મે તથા મારા મિત્રએ ભેગા મળીને ૬ લાખ યુ.કે વર્ક પરમીટનું કામ કરવા માટે અમે મહેબુબ વેપારીને આપ્યા હતાં. તેના બદલામાં અમારૂ કામ કેટલુ થયેલ છે, તે બાબતે તેઓની ઓફિસે અમો બંન્ને મિત્રો અવારનવાર જતા અમોને યોગ્ય જવાબ આપતો ન હતાં. ત્યારબાદ અમે અવારનવાર અમારા વિઝા ના કામ બાબતે મહેબુબપ વેપારીને રૂબરૂ તથા ટેલીફોનથી પુછતા તેને અમને જણાવેલ કે તમારૂ કામ મારાથી થાય એમ યુ.કે. ખાતે કામ માટે મોકલી આપવા જણાવ્યું હતું. જેથી અમને ડર લાગતા અમે ફી પરત માંગતે તેણે ગુગલ પે થી ૧.૫૦ લાખ રૂપિયા પરત આપી બાકીના ૪.૫૦ લાખ અવાર નવાર માંગણી કરતા આજદીન સુધી પરત નહી આપી અમારી સાથે છેતરપપિંડી કરી છે. જેથી જે.પી રોડ પોલીસે યુવકની ફરિયાદના આધારે મહેબુબ વેપારી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


ઉત્તર ગુજરાત વધુ વાંચો
12, ડિસેમ્બર 2024
અંબાજીમાં આગામી ૧૩ જાન્યુઆરીના રોજ પોષી પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

અંબાજી,  પોષ સુદ પુનમ એટલે કે આદ્યશક્તિ માં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી પોષી પુનમ મહોત્સવની અગત્યની બાબતો જેવી કે દર્શન વ્યવસ્થા, ભોજન, શોભાયાત્રા, મહાશક્તિ યજ્ઞ વગેરેના આયોજન અંગે વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને સબંધિત સભ્યઓ સાથે બેઠક યોજાઈ હતી. જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચરચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. યજ્ઞમાં યજમાનોની નોધણી શરુ કરવામાં આવેલ છે. યજ્ઞમાં નોંધણી ઈચ્છુક યજમાનો મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી (મો.૯૮૯૯૬૦૦૮૯૦)નો સંપર્ક કરી નોધણી કરી શકે છે. માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિદ્વારે આરતી કરવામાં આવશે ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે. સવારે ૧૦.૩૦ કલાકે શક્તિદ્વારથી હાથી ઉપર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવશે. શોભાયાત્રામાં ૩૫ કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે, શોભાયાત્રામાં ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે. અંબાજી મંદિરમાં શાકોત્સવ - શાકભાજીનો અન્નકૂટ પણ કરવામાં આવશે. ટ્રસ્ટ સંચાલિતશ્રી અંબિકા ભોજનલાય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં નિઃશુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાત્રિના ૮.૦૦ કલાકે અંબાજી મંદિરના ચચારચોકમાં અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે.


12, ડિસેમ્બર 2024
એએમસીએ ફ્લાવર શોની ફીમાં ધરખમ વધારો ઝીંક્યો

અમદાવાદ અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જાન્યુઆરીમાં યોજાનારા ફ્લાવર શોની ફીમાં ધરખમ વધારો કરાયો છે. જેમાં સોમ થી શુક્રમાં ટિકિટમાં રૂ.૨૦ નો અને શનિ રવિના દિવસે રૂપિયા ૨૫ નો વધારો એએમસી દ્વારા લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રીમિયમ સમયમાં મુલાકાત લેવા માટેની ટિકિટનો દર રૂ. ૫૦૦ રખાયો છે. અમદાવાદ મહાપાલિકા દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શો જાેવા માટે લાખોની સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે. ગત વર્ષે પાંચ લાખથી વધુ નગરજનોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ત્યારે આગામી ૧ જાન્યુઆરી-૨૫થી ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આગામી ફ્લાવર શો માટે એએમસી દ્વારા પ્રવેશ ટિકિટની ફીમાં ધરખમ વધારો કરાયો છે. એએમસી દ્વારા આગામી ફ્લાવર શો માટે શનિ અને રવિવારના દિવસે પ્રવેશ ટિકિટની રૂ. ૧૦૦ રખાઇ છે. જ્યારે સોમ થી શુક્રવાર માટે પ્રવેશ ફીની ટિકિટ રૂ. ૭૦ લેવામાં આવનાર છે. જાેકે એએમસી સંચાલિત શાળાના બાળકો માટે પ્રવેશ નિશુલ્ક રખાયો છે. જ્યારે અન્ય શાળાના બાળકો માટે પ્રવેશ ફી. ૧૦ રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત આગામી ફ્લાવર શોમાં પ્રીમિયમ સમયમાં મુલાકાતે આવનાર નાગરિકો માટે પ્રવેશ ફી રૂ. ૫૦૦ નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં જે કોઈ નાગરિકો ભીડભાડ ન હોય તેવા સમયમાં એટલે કે સવારે ૮થી ૯ દરમિયાન અને રાત્રે ૯થી ૧૦ દરમિયાન મુલાકાત લેવી હોય તો તે માટે રૂ. ૫૦૦ની ફી ચૂકવવી પડશે.


12, ડિસેમ્બર 2024
ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં ૫૦.૫૮ ટકાનો ભાગીદાર છે

અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં ૫૦.૫૮ ટકાનો ભાગીદાર છે અને એફિડેવિટમાં કાર્તિક પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના એફિડેવિટમાં કાર્તિક પટેલના રોલનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હતો. ચેરમેન,ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહારના દસ્તાવેજ જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઇમ બ્રાન્ચે કોર્ટને વિનંતી પણ કરી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ કરતો હતો. આ સાથે જ કોર્ટમાં કરેલ એફિડેવિટમાં ક્રાઇમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે. આ સાથે જ ૭ સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ ૧૮૩ મુજબ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી છે. બીજી તરફ ખ્યાતિ પીએમજય કાંડ બાદ સરકાર જાગી છે અને હવે રાજ્ય સ્તરે અલાયદી એન્ટિ ફ્રોડ યુનિટ બનશે. જેમાં ફરિયાદ આવશે ત્યાં આકસ્મિક ચેકિંગ કરાશે. હોસ્પિટલ્સ અને શંકાસ્પદ કામગીરીનું ચેકિંગ થશે. કેન્સરની કેટલીક ટ્રીટમેન્ટ માટે ટયૂમર બોર્ડનું સર્ટિ ફરજિયાત કરવામાં આવ્યું છે. જીરટ્ઠ દ્વારા ઓનલાઈન પોર્ટલ વિકસાવાશે. હોસ્પિટલોએ ઓપરેશનની સીડી દર્દીઓને આપવી પડશે. એન્જિયોગ્રાફી,એન્જિયો પ્લાસ્ટીની સીડી આપવી પડશે. આ સાથે જ હોસ્પિટલોએ સીડી જરટ્ઠને પણ જમા કરાવવી પડશે.


12, ડિસેમ્બર 2024
એએમસીના કોર્પોરેટરો અને અધિકારીઓના શ્રીનગર પ્રવાસ પાછળ રૂ. ૨ કરોડનું આંધણ થશે

ગાંધીનગર અમદાવાદ મહાપાલિકાના સત્તાધીશ તેમજ વિપક્ષ સહિતના તમામ ૧૯૨ કોર્પોરેટરો તેમજ ૩૩ અધિકારી સહિત ૨૨૫ જણાનો કાફલો શહેરીજનોના ટેક્સના પૈસે એક સપ્તાહ શ્રીનગર ફરવા જશે. અમદાવાદ મહાપાલિકા નાગરિકો પાસેથી પાણીવેરા, મિલકત વેરા, શિક્ષણ વેરા, વ્યવસાય વેરો જેવા વિવિધ નામો હેઠળ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે નાગરિકોના આ ટેક્સના પૈસાથી અમદાવાદ મહાપાલિકા મેયર, ડેપ્યુટી, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, વિવિધ સમિતિઓના ચેરમેન અને સમિતિઓના સભ્યો, વિપક્ષના નેતા અને નગરસેવકોના શ્રીનગરના એક સપ્તાહના પ્રવાસનું આયોજન કરાયું છે. મહાપાલિકા તમામ ૧૯૨ નગરસેવકો તેમજ ૩૩ જેટલા અધિકારી અને કર્મચારીઓ મળીને કુલ ૨૨૫ જણાનો કાફલો શ્રીનગરના રોડ રસ્તા, ગટર વ્યવસ્થાના અભ્યાસ કરવા માટે જશે તેવી માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું. એટલું જ નહિ, તેમણે જણાવ્યું હતું કે, એએમસીના પદાધિકારીઓ, નગરસેવકો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓના ૨૨૫ જણા શ્રીનગર ખાતે ૬ દિવસ અને ૫ રાત્રિ રોકાણ કરશે. આ માટે મહાપાલિકા દ્વારા કુલ રૂ. બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીનગરમાં વર્ષના ૧૨ મહિનામાંથી પાંચથી છ મહિના બરફ છવાયેલો રહે છે. તેમાં પણ હાલમાં શ્રીનગરમાં ઠંડીની સિઝનના કારણે બરફ છવાયેલો રહેશે ત્યારે તો અમદાવાદ મહાપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ સમિતિઓના ચેરમેન, સમિતિઓના સભ્યો તેમજ સત્તા પક્ષ અને વિપક્ષના નગરસેવકો શ્રીનગરના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાનું કેવી રીતે નિરીક્ષણ કરશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


12, ડિસેમ્બર 2024
મદ્રેસામાં કામ કરતા વેપારીનું જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન નીકળ્યું

અમદાવાદ એનઆઈએ દ્વારા જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં ૧૯ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આતંકી સંગઠન જૈશ-એ-મહંમદ સાથે સંપર્કમાં હોવાની શંકાએ બુધવારે રાત્રે એનઆઈએએ દરોડા પાડ્યા હતા. ગુજરાતમાં એનઆઈએએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે મળીને સાણંદ શહેરમાં આદિલ વેપારીના ઘરે સર્ચ કર્યું હતું. આ આદિલ એક ઓનલાઈન કટ્ટરપંથી જૂથના સભ્ય તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. મદરેસામાં કામ કરતાં આદિલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આદિલનો છેડો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જાેડાયેલા હોવાની શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે. એનઆઈએના આ દરોડા હેઠળ વિવિધ સ્થળોએથી ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજાે, રોકડ રકમ અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જાે કે મુખ્ય ધ્યાન કટ્ટરપંથી વિચારધારાને ફેલાવતી નેટવર્કના ભંડાફોડ પર હતું. આ સંદર્ભે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલાક મહત્વના પુરાવાઓ મળી આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના નેટવર્કને નબળા પાડવા માટે આ દરોડા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, જેમાં તેઓની નાણાકીય સહાય અને મજબૂતાઈના સ્ત્રોત શોધવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન એનઆઈએ વિવિધ સ્થળોથી મહત્વપૂર્ણ દસ્તાવેજાે, ડિજિટલ ઉપકરણો અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જે આતંકવાદીઓના નેટવર્ક સાથે જાેડાયેલા સંકેતો આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અનંતનાગ અને બડગામ જેવા વિસ્તારોમાં શંકાસ્પદ ઇમારતો અને ઘરોમાં દરોડા પાડી આતંકવાદને મજબૂત પાડનારા ચક્રોને નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંભવિત નાણાકીય મદદરુપેતાઓ અને રોકડ પ્રવાહના સ્ત્રોતો શોધવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ દરોડા એ સાબિત કરે છે કે, એનઆઈએ દેશના સુરક્ષા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં કોઈ કમી રાખવા માગતી નથી. આ ઝુંબેશમાં મેળવેલા પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ અને તેમની પાસેથી તપાસ હાથ ધરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં આ કાર્યવાહી સ્થાનિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઝુંબેશ એ સાબિત કરે છે કે એનઆઈએ અને કેન્દ્ર સરકાર આતંકવાદના મૂળને સમાપ્ત કરવા માટે મક્કમ છે. જપ્ત કરાયેલા પુરાવાઓના આધારે આગામી સમયમાં વધુ ધરપકડ અને તપાસ હાથ ધરવામાં આવશે. એનઆઈએ ના આ પ્રકારના પગલાં સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભજવે છે. આ પ્રક્રિયા માત્ર આતંકવાદને જ નહીં, પરંતુ તેમાં સામેલ લોકોના નેટવર્કને પણ નબળા પાડશે. આ દરોડા માત્ર આતંકવાદ સામેની લડત નહીં, પરંતુ દેશમાં શાંતી અને ભવિષ્યમાં આતંકી પ્રવૃત્તિઓને અટકાવવાના હેતુસર એક મજબૂત પગલું છે. આ ઝુંબેશથી દેશની સુરક્ષામાં વધુ મજબૂતી આવશે. આ દરોડા ભારતીય સુરક્ષા એજન્સીઓની સજાગતા અને આતંકવાદ સામેની તેમની અડગ પ્રતિબદ્ધતાનો સાક્ષાતકાર છે, જે ભવિષ્યમાં શાંતી સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો
12, ડિસેમ્બર 2024
માનસિક અસ્વસ્થ યુવતીને રૂપિયા આપવાની વાતમાં ભોળવી હવસખોરે બળાત્કાર ગુજાર્યો

સુરત, માનસિક અસ્વસ્થ યુવતીને ઘર આંગણેથી રૂપિયા આપવાની વાતમાં ભોળવી પોતાની સાથે લઇ જઇ બળાત્કાર ગુજારનાર હવસખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ક્રાંતિનગર વિસ્તારમાં પઠાણ પરિવાર રહે છે. આ ઉત્તર ભારતીય પરિવારની એકવીસ વર્ષીય યુવતી જાસ્મીન (નામ બદલ્યું છે) માનસિક બિમાર છે. ૧૧મી તારીખે બપોરે જાસ્મીન ઘરની બહાર બેઠી હતી. તેની માતા તથા ભાઈ ઘરમાં સુતા હતા. આ દરમિયાન શેરીમાં રહેતાં કેટલાક યુવકો પઠાણનાં ઘરે દોડી આવ્યા હતાં. તેઓએ આ માતા-પૂત્રને જગાડ્યા હતાં. આ યુવકો સાથે જાસ્મીન પણ હતી. તેમણે માતાને અને કહ્યું કે, આપકી લકડી ગલી કે બહાર મૈદાનમે થી, મુસ્તાક ઉર્ફે અરબાઝ નામકા લડકા ઉસકો પાસવાલે ખાતે કે બાથરૂમ મેં લે ગયા થા. ઉસને ઉસકે સાથ ગલત કામ કીયા હૈ, હમ વહાં પહુંચે તો મુસ્તાક ઇસકો છોડ કે ભાગ ગયા. યુવકોની આ વાત સાંભળી માતાએ જાેયુ તો જાસ્મીન ગભરાયેલી હતી. માતાએ તેણીને સોડમાં લીધી અને પછી શું થયું એ અંગે પૂછ્યું હતું. જાસ્મીને માતાને જણાવ્યું કે, મેં ઘર કે બહાર બેઠી થી તબ અરબાજ નામકા લડકા આયા. અપની ગલી મેં આતા જાતા રહેતા હૈ ઈસલિયે મેં ઉસકો પહેચાનતી હું, અરબાઝને મુઝે પૈસે દેને કા બોલ કે ઉસકે સાથે લે ગયા થા. બાદ મેં વો બાથરૂમ મેં લે ગયા ઔર મેરે સાથ ગલત કિયા. ઉસને મુઝે યે બાત કિસી કો બતાયા તો મે જાન સે માર દુંગા એસા ભી બોલા. ત્યારબાદ માતાએ જાસ્મીનને કપડા બદલવાના બહાને ચેક કર્યું તો તેણીનાં ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું. આ જાેઈ માતાએ પતિ તથા દિકરાઓ સાથે ચર્ચા કરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. માનસિક અસ્વસ્થ દીકરીને પૈસા આપવાની વાતમાં ભોળવી, પોતાની સાથે લઇ જઇ બળાત્કાર ગુજારનાર મુસ્તાક ઉર્ફે અરબાઝ (રહે. ક્રાંતિ નગર લિંબાયત, સુરત) સામે ફરિયાદ આપી હતી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


12, ડિસેમ્બર 2024
દક્ષિણ ગુજરાતની સુગરમિલો પર ખાનગીકરણની લટકતી તલવાર

સુરત, રાજ્યનો ખાંડ ઉદ્યોગ હાલ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જેનું મુખ્ય કારણ દિન-પ્રતિદિન શેરડીનું ઘટતું જતું વાવેતર, ખેડૂતોને ન મળતા પોષણક્ષમ ભાવ, મજૂરોની સમસ્યા અને સુગરમિલો પર વધતું જતું વ્યાજદરનું ભારણ છે. આ વિકટ પ્રશ્નોને કારણે અનેક સુગરમિલોની હાલત કફોડી બની છે. જેને પગલે હાલમાં જ માંડવી સુગરમિલનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે ત્યારે, ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા આગામી ૧૪મી ડિસેમ્બરે ગણદેવી સુગર ફેક્ટરી ખાતે મળનારી રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની ર્વાષિક સભામાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો શેરડીનું વાવેતર કરી પોતાનું જીવન-ગુજરાન ચલાવે છે. દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે સુગર મિલો કાર્યરત છે. આ સુગરમિલો ખેડૂતોને શેરડીના ટન દીઠ ભાવ આપે છે. પરંતું છેલ્લાં ઘણા સમયથી મોંઘવારીને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને સુગરમિલો પોષણક્ષમ ભાવો ન આપી શકતા ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા છે. બીજી તરફ, સુગરમિલોના કાર્યક્ષેત્રમાં ઘટતા જતા શેરડીના વાવેતર અને મજૂરોની સમસ્યાને પગલે દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ પણ વિકટ પરિસ્થિતિમાં છે. કોઈ પણ સુગર મિલને ચલાવવી હશે તો દરેક સુગર મિલો પાસે પૂરતો શેરડીનો પોતાનો પુરવઠો હોવો આવશ્યક છે. આથી, કઈ રીતે ખેડૂતો વધુને વધુ શેરડીના વ્યવસાય સાથે સંકળાયેલા રહે અને કઈ રીતે ખેડૂતોને શેરડીના ટન દીઠ ભાવો આપી શકાય એ બાબતે હવે ચિંતન અને આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે. આથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર દર્શન નાયક દ્વારા ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ના પ્રમુખ ઈશ્વરસિંહ ટી. પટેલને ચર્ચા-વિચારણા કરવા લેખિતમાં રજૂઆત કરાઈ છે. સાથે જ જણાવાયું છે કે, દક્ષિણ ગુજરાતની સુગર મિલો સાથે ૪.૫૦ લાખ ખેડૂત કુટુંબો સંકળાયેલા છે. આ સુગર મિલો આશરે ૪ હજાર કરોડનું ર્વાષિક ટર્નઓવર ધરાવે છે. પરંતુ આજે પણ મજુરોનો મોટો પ્રશ્ન દરેક સુગર મિલોને સતાવી રહ્યો છે. મજૂરોની સમસ્યાને કારણે સમયસર પિલાણ સિઝન શરૂ થઈ શકતી નથી. છેલ્લાં બે-ત્રણ વર્ષથી મજૂરોની સમસ્યા છે. આ ઉપરાંત બિનમંજૂરીની શેરડીનો મોટો પ્રશ્ન છે. બીજી તરફ વધતા વ્યાજદરને કારણે સુગરમિલો પર વ્યાજ નું ભારણ પડે છે. જે વેઠી શકાય એમ નથી. ત્યારે મજૂરોની સમસ્યા અને બિનમંજૂરીની શેરડીના પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. હાલમાં જ માંડવી સુગરનું ખાનગીકરણ થયું છે, જેને પગલે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ત્યારે માંડવી સુગર પણ સહકારી ધોરણે ફરી કાર્યરત થાય એ દિશામાં આગળ વધવું જોઈએ. તેમજ આગામી તા. ૧૪/૧૨/૨૦૨૪ ના રોજ, ગણદેવી સુગર ફેકટરીના પટાંગણમાં રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની ર્વાષિક સભા યોજાનાર છે ત્યારે આ સભામાં માંડવી સુગરના ખાનગીકરણ બાબતે સંઘ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે. તેમજ બિન મંજૂરીની શેરડીનો પ્રશ્ન અને મજૂરોની સમસ્યા બાબતે ચોક્કસ નીતિ ઘડવામાં આવે તો શેરડીનો પુરવઠો અને મજુર બંને ની સમસ્યાનો નિકાલ આવી શકે એમ છે.


12, ડિસેમ્બર 2024
વરિયાવમાં નાનાભાઈએ પતંગની દોરી નહીં આપતાં ૧૦ વર્ષનાં બાળકે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો

સુરત, મોબાઇલ ફોન અને હિંસક ગેમ્સનાં ચલણ વચ્ચે નાની ઉંમરનાં બાળકોમાં પણ સહનશીલતા અને સહિષ્ણુતા કેટલી હદે ઓછી થઇ રહી છે તેનું ઉદાહરણ વરિયાવ ખાતે જાેવા મળ્યું હતું. શહેરનાં છેવાડે આવેલાં વરિયાવ વિસ્તારમાં નાનાભાઇએ પતંગની દોરી નહીં આપતાં ગુસ્સા અને આવેશમાં આવીને ૧૦ વર્ષીય બાળકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. ઉત્તરાયણને ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગની દોરીથી વાહન ચાલકોનાં ગળા કપાવા સહિત અકસ્માતોનાં બનાવો બની રહ્યાં છે. બીજી તરફ વાલીઓને સાવધ કરતો કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં પતંગનાં દોરાની માથાકૂટમાં માઠું લાગી જતાં ૧૦ વર્ષનાં બાળકે ફાંસો લગાવી જીવનનો અંત આણ્યો છે. બાળકનાં અકાળે મૃત્યુથી તેનાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતનાં વરિયાવ વિસ્તાર કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે. ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં. ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યાં હતાં. બાળકો પૈકી કેતને પોતાનાં નાનાભાઇ ક્રિશ પાસે પતંગ ચગાવવા માટે દોરી માંગી હતી પરંતુ ક્રિશે મોટાભાઇને પતંગ ચગાવવા માટે દોરી નહીં આપતાં તેણે આવેશમાં આવી ઘરમાં છતની એંગલ સાથે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ૧૦ વર્ષીય કેતનનાં આપઘાતની જાણ દીકરીએ કરી હતી. જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતાં. બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


12, ડિસેમ્બર 2024
ટ્રમ્પની ચીમકીને પગલે અમેરિકા ભણવા ગયેલા વિદ્યાર્થીઓએ સુરત આવવાનું ટાળ્યું

સુરત, અમેરિકાનાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રેસિડેન્ટ ઇન વેઇટિંગ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કેમ્પમાંથી જે પ્રકારની નીતિગત જાહેરાતો થઇ રહી છે, ખાસ કરીને હંગામી ધોરણે અમેરિકામાં રહેતા નોનઅમેરિકનો માટે નીતિમાં બદલાવની કરવામાં આવેલી જાહેરાતોને કારણે અમેરિકા અભ્યાસ માટે ગયેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં સોંપો પડી ગયો છે. મળતી માહિતી મુજબ હાલ અમેરિકાનાં જુદા જુદા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓનાં અનેક વિદ્યાર્થીઓ ડિસેમ્બર તેમજ આગામી જાન્યુઆરી મહિનામાં સુરત સહિત પોતાના વતનમાં આવવાનું આયોજન ધરાવતા હતા. પરંતુ દિવાળી બાદથી જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે બીનનિવાસી અમેરિકનો માટે નીતિઓમાં જડમૂળથી બદલાવ કરવાની જાહેરાતો કરવા માંડી છે એટલે ભારતીય વિદ્યાર્થીઓનાં કેમ્પમાં ફફડાટ મચી ગયો છે કે રખેને ટ્રમ્પ સરકાર ચાર્જ લીધા બાદ નીતિ બદલી નાંખે અને વતનમાંથી પરત અમેરિકા ફરવા ના દે એવા ભયથી સુરતનાં અનેક વિદ્યાર્થીઓએ તેમની બુક કરાવેલી વિમાની ટિકીટો ધડાધડ કેન્સલ કરવા માંડી છે.લગ્નપ્રસંગે આવવાનો હતો પરંતુ અડાજણનાં વિદ્યાર્થીએ ટિકિટ કેન્સલ કરી અડાજણમાં રહેતા કિરીટ મહેતાએ જણાવ્યું કે તેમનો દિકરો હાલમાં અમેરિકાનાં ફિલાડેલ્ફીયા ખાતે માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છે અને ચાલુ ડિસેમ્બર મહિનામાં પરિવારમાં એક નજીકના સ્નેહીને ત્યાં લગ્ન પ્રસંગે સુરત આવવાનો હતો. પરંતુ, ફ્લાઇટનાં ચાર દિવસ પહેલા જ ટિકીટ કેન્સલ કરાવીને હવે એપ્રિલ-મે મહિનામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકાનાં ભારતીય વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે ટ્રમ્પ સરકાર રાતોરાત નીતિ બદલી શકે છે અને ભારતથી પરત અમેરિકા ના પહોંચવા દે તો સમગ્ર કારકિર્દી સામે જાેખમ ઉભું થાય તેમ છે. વરાછાનાં ૧૫ વિદ્યાર્થીઓએ ટિકિટોનું બુકિંગ કેન્સલ કરી દીધું સુરતનાં વરાછા વિસ્તારમાંથી એક સાથે ૧૫ જેટલા વિદ્યાર્થીઓ ક્રિસમસથી ઉત્તરાયણ દરમિયાન અમેરિકાથી વતન સુરતમાં આવવાના હતા એ તમામે પણ વિમાની ટિકીટોનું બુકિંગ કેન્સલ કરાવી લીધું હોવાનું જાણવા મળે છે. તેમના સુરત ખાતેના સગાએ પણ એ જ વાત કરી કે ટ્રમ્પ સરકાર નીતિઓમાં બદલાવની વાતો કરી રહી છે, ચાર્જ લીધા પછી એ ગમે તે કરી શકે, આવી સ્થિતિમાં અમેરીકા છોડીને સુરત આવવાનું જાેખમ લેવાય નહીં એ હિસાબે બધા છોકરાઓએ પોતાની સુરતની વિઝિટ હાલ તુરત માંડી વાળી છે.


12, ડિસેમ્બર 2024
શહેરમાં માસૂમ બાળક સહિત ચાર લોકોનો રોગચાળાએ ભોગ લીધો

સુરત, સુરત શહેરમાં એક તરફ શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હજુ પણ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસો જાેવા મળી રહ્યા છે. જેના કારણે ખરેખર લોકો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. સુરત શહેરમાં ડેન્ગ્યુની અસર થયા બાદ પાંડેસરામાં ચાર વર્ષના બાળક અને ૨૦ વર્ષની યુવતી તથા અમરોલીમાં તાવ આવ્યા બાદ બે યુવાનના મોત નીપજયા છે. શિયાળાની સિઝનમાં ડેન્ગ્યુથી બે વ્યક્તિનાં મોત થતાં ડેન્ગ્યુની પેટર્ન બદલાઇ છે કે કેમ તે અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. રોગચાળાથી ચારનાં મોત થતાં મહાનગર પાલિકાનું તંત્ર દોડતું થઇ ગયું છે. શહેરનાં પાંડેસરામાં ગીતાનગરમાં રહેતા માખણ લાલ નિશાદ ૧૫થી ૨૦ દિવસ પહેલા પરિવાર સાથે વતન ઉત્તર પ્રદેશ અયોધ્યા ખાતે ગયા હતા. ત્યાં તેનો ચાર વર્ષ પુત્ર પ્રિયાંશુ ડેન્ગ્યુની અસર થતા ત્યાં ડોક્ટર પાસે સારવાર કરાવતા સાજાે થયો હતો. બાદમાં ગત તારીખ ૮મીના રોજ માખણલાલ પરિવાર સાથે સુરત ખાતે આવી ગયા હતા. ત્યારબાદ ફરી તેમના પુત્ર પ્રિયાંશુ અને તાવ આવ્યો હતો. જેથી તેનો રીપોર્ટ કરાવતા ડેન્ગ્યુની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યો હતો. પ્રિયાંશુંને એક ભાઈ અને એક બહેન છે તેના પિતા કલર કામ કરે છે. બીજા બનાવમાં પાંડેસરામાં ડુંડી ગામમાં આનંદ હોમ્સમાં રહેતી ૨૦ વર્ષીય રીતુ દિનેશ શર્માને છેલ્લા પાંચ છ દિવસથી તાવ આવતો હોવાથી ડોક્ટર પાસે સારવાર કરાવવા ગઈ હતી. જાે કે તેના ડેન્ગ્યુની અસર થઈ હતી. ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબી હોય તેને મૃત જાહેર કરી હતી. રીતુના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્રીજા બનાવમાં અમરોલી કોસાડ આવાસમાં રહેતો ૩૫ વર્ષીય સંજય રાવજીભાઈ સોલંકી ને બે દિવસથી તાવ આવતો હતો. સવારે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેના મૃત જાહેર કર્યો હતો. જ્યારે તે સુગરની બીમારીથી પણ પીડાતો હતો અને છૂટક મજૂરી કરતો હતો. ચોથા બનાવમાં અમરોલી એસએમસી પ્લોટ પાસે અંજની ઇન્ડસ્ટ્રીમાં કાચ કટીંગ કરવાના કારખાનામાં રહેતો અને ત્યાં જ કામ કરતો ૨૧ વર્ષીય સુહેલ સફિક ઇદ્રીસને બે દિવસથી તાવ આવતો હોવાથી દવા ચાલતી હતી. જાે કે ગત બપોરે ત્યાં અચાનક તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જાેકે ૧૦૮ ને જાણ કરતાં ત્યાં પહોંચીને સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને તેની બે બહેન પણ છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલમાં ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, શરદી, ખાંસી, સહિતની બીમારીમાં લોકો વધુ સપડાઈ રહ્યા છે. જેથી દર્દીઓ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ, સિવિલ અને તથા ખાનગી હોસ્પિટલ અને નજીકના દવાખાનામાં જઈ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution