ગાંધીનગર તા 19
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે આજે થયેલા મતદાનમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 2 ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જયારે એન.સી.પી.ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ વિપનો ભંગ કરી ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. બી.ટી.પી. અને એન.સી.પી.ના ધારાસભ્યના આ નિર્ણયના કારણે કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે.
રાજ્યસભાની ચૂંટણીમાં મતોની ગણતરીમાં ભાજપના 103 ધારાસભ્ય, કોંગ્રેસના 65, બી.ટી.પી.ના 2, એન.સી.પી.ના 1 અને અપક્ષ 1 મળી 172 ધારાસભ્યોના મતની ગણતરીમાં 4 બેઠક માટે આજે મતદાન કર્યું હતું. જેમાં 35 ધારાસભ્યોના સંખ્યાબળ હોય તે ઉમેદવારની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતું ભાજપના ખેલમાં એન.સી.પી.ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ વ્હીપનો ભંગ કરી કોંગ્રેસના બદલે ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું.
જ્યારે બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ આદિવાસી હિતની વાત કરી મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. આમ 170 ધારાસભ્યોના મતદાનમાં હવે ભાજપના 3 ઉમેદવાર રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને નરહરી અમીનની જીત નિશ્ચિત બની છે. જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની જીત નક્કી બનતા હવે ભરતસિંહ ગોહીલને હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો કાંધલ જાડેજા અને બીટીપીના 2 ધારાસભ્યોના મત કોંગ્રેસની તરફેણમાં પડ્યા હોત તો આ ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની જીત થઈ શકી હોત.