ગાંધીનગર,

ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાઈરસનો ગ્રાફ ઉપર વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમીતોનો આંક ૩૪૦૦૦ને પાર કરી ચુક્યો છે. ત્યારે ગુજરાત પોલીસ તાલીમ સેન્ટરમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. રાજ્યના અનેક પોલીસ તાલીમ સેન્ટરમાં કોરોનાના ના કેસ સામે આવ્યા છે. જ્યાં અનેક પોલીસ જવાનો તાલીમ લઇ રહ્યા છે.

રાજ્યના વિવિધ પોલીસ તાલીમ કેન્દ્રોમાં 47 જેટલા તાલીમાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવેલ છે. ગાંધીનગર, બરોડા, જૂનાગઢ સહિતના તાલીમ કેન્દ્રમાં તાલીમાર્થીઓ સંક્રમિત સામે આવતા રાજ્ય પોલિસવડાએ તમામ તાલીમ કેન્દ્ર પાસે વિગતો માંગી છે.

ગુજરાત રાજ્યના અમદવાદ, સુરત બાદ હવે વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. વડોદરાની પોલીસ ટ્રેનિગ સ્કુલમાં હવે કોરોના પહોંચ્યો છે. જ્યાં તાલીમાર્થી પોલીસ કર્મીઓ કોરોનાનો શિકાર બન્યા છે.20 તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાંથી 19 પોલીસ તાલીમાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.ત્યારે વડોદરાની PTS માં કુલ 472 પોલીસ કર્મીઓ છે ત્યારે તાલીમાર્થી પોલીસ કર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના લાલબાગ વિસ્તારમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં હાલ 471 જવાનો તાલીમ લઈ રહ્યાં છે. આ જવાનોમાંથી કેટલાકને શરદી, ઉધરસ અને તાવની ફરિયાદો હતી. જેથી તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 

મહત્વનું છે કે આ જવાનોમાંથી 30માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા 19 તાલીમાર્થીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામ તાલીમાર્થીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.