રાજકોટ,

રાજકોટ પોલીસ દ્વારા આજે ૫ કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ અને બિયર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસે શોખડા ગામના સરકારી ખરાબાની જમીન પર દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમય દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જા કે પોલીસે દારૂના જથ્થાને ઝડપી પાડી સારી કામગીરી તો કરી જ છે પણ અહીં સવાલ એ થાય છે કે આટલી અધધ.. કિંમતનો વિદેશી દારૂ રાજકોટની બોર્ડર સુધી પહોંચ્યો કેમ? એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે.

ત્યારે રાજકોટમાં મસમોટો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ ઉઠ્યો છે. આ તો રાજકોટ શહેરમાંથી દારૂ ઝડપાયો છે તો સૌરાષ્ટÙમાં દારૂનો વેપલો કેટલો મોટો ચાલતો હશે તે પણ એક વિચારવા જેવી બાબત છે. વર્ષ ૨૦૧૯-૨૦માં શહેર પોલીસે પકડેલા કુલ ૫ કરોડ ૩૮ લાખ ૯૪ હજારની કિંમતની ૧,૪૯,૦૨૩ દારૂની બોટલો, બીયરની બોટલો અને ટીનનો આજે સવારે કુવાડવા રોડ સાત હનુમાન નજીક સોખડાના ગામની સરકારી ખરાબાની જમીન પર નાશ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આદેશ મુજબ શહેરમાંથી પકડાયેલા દારૂ-બીયરનો નાશ કરવાનો હતો. આ માટે શહેર પોલીસ અને બ્રાંચ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં પકડવામાં આવેલા આ જથ્થાને સોખડા અને નાકરાવાડી વચ્ચેના સરકારી ખરાબામાં પહોંચાડવા છેલ્લા ત્રણ દિવસથી તૈયારી ચાલી રહી હતી. ત્યારે આજે સવારે આ મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.