ન્યૂયોર્ક,તા.૧૮
બ્લૂમબર્ગ બિલીયોનેર ઈન્ડેક્સ અનુસાર, વિશ્વની મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક અને વર્તમાન સીઈઓ જેફ બેઝોસ પાસે હવે કુલ ૧૫૫ અબજ ડોલરની નેટવર્થ છે. ગત બે મહિનામાં તેમની સંપત્તિમાં મોટો વધારો થયો છે. કોરોના વાયરસના સંકટ દરમિયાન તેમની સંપત્તિ ૪૦૦૦ કરોડ ડોલર વધી ગઈ છે. હકીકતમાં લોકડાઉન દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓનો વ્યાપાર તો ચાલુ જ રહ્યો છે. જેથી રોજિંદા જીવનમાં વપરાશમાં લેવાતી વસ્તુઓની સપ્લાયમાં કોઈ અવરોધ આવ્યો નથી.
કેવી રીતે બેઝોસને લોકડાઉનમાં ફાયદો થયો તે અંગે વાત કરીએ તો, એમની સંપત્તિનો એક મોટો ભાગ એમેઝોનના શેરોની વધતી કિંમતથી સામે આવ્યો છે. આ સમયમાં જ્યાં અન્ય કંપનીઓને મોટા સંકટમાંથી પસાર થવું પડ્યું તો બીજી બાજુ એમેઝોને શેરબજારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એમેઝોનના શેરની કિંમત કોરોના મહામારી વચ્ચે ૨,૦૦૦ ડોલરથી વધારે રહી હતી.
એક્સપટ્ર્સના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ થયેલા છે. એટલા માટે લોકો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ઈ-કોમર્સ દ્વારા મંગાવી રહ્યા છે. વધતી માંગ સાથે ઈ-કોમર્સ કંપનીએ કેટલાક લોકોને રોજગાર પણ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં કંપનીઓને પોતાના વ્યાપારને સ્થિર રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે કારણ કે તેમના વ્યાપાર પર કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે માઠી અસર પહોંચી છે. ખાસ કરીને એવિએશન, ટ્રાવેલ અને ટૂરિઝમ સેક્ટર માટે સ્થતિ પડકારજનક છે. આમાં આશરે ૨ મહિના સુધી નહિવત્ જેટલી જ રેવન્યૂ જાવા મળી છે કારણ કે, અલગ-અલગ સરકારોએ ટ્રાવેલ પર પ્રતિબંધ લગાવ્યો છે.