લેખકઃ તરૂણ બેન્કર |
એક રાજાને સો સો રાણી, ઝમકુડી રે ઝમકુડી. આપણે આ ગરબો નવરાત્રીમાં અનેક વાર સાંભળ્યો હશે, પણ ગુજરાતનું એક ગામ એવું પણ છે જ્યાં નવરાત્રી જ નથી થતી..! કેમ..? ઝમકુડીના શ્રાપને કારણે. જ્યારે આખું ગુજરાત નવરાત્રીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાણીવાડા ગામ યુગોથી અંધકારમાં વસે છે કારણ કે ઝમકુડી નામની દુષ્ટ ડાકણના શ્રાપને કારણે ગરબા ઉજવવાની મનાઈ છે. નિયમ તૂટ્યો ને ભૂતિયાપો શરૂ થાય..!
શરૂઆત એક રિયલ એસ્ટેટ એજન્ટ મનસુખ ધોળકીયાથી થાય. જેને રાજાની જૂની હવેલી રીડેવલપ કરવામાં રસ છે. ગામમાં પણ હવેલીને લઈને અનેક ખટપટ ચાલું છે. ઓરમાનભાઈ અને ચાલાક બહેનની નજર તેના પર છે. તેવાં સમયે હવેલીના માલિકની લંડનમાં વસતી દીકરી કુમુદ ગામમાં આવે. નવરાત્રીની ઉજવણી ન કરવાના નિયમનો ભંગ થઈ ચૂક્યો છે. ટૂંકમાં રાજવી પરિવારના વિદેશથી આવેલાં વારસદારે ચૂડેલના ક્રોધનો સામનો કરવાનો છે..! શું તે આ રહસ્ય ઉકેલી શકશે અને રાણીવાડાને ઝમકુડીના શાપથી બચાવી શકશે..?
ઝમકુડી, ૨૦૨૪ની ગુજરાતી હોરર કોમેડી ડ્રામા ફિલ્મ. જેના દિગ્દર્શક છે ઉમંગ વ્યાસ. આ પહેલા તેમની ‘વેન્ટિલેટર’ અને ‘ડીયર ફાધર’ ફિલ્મ આવી ચૂકી છે. હીથ ભટ્ટે આ ફિલ્મ લખી છે. આ પહેલાં લેખક તરીકે તેની બઉના વિચાર અને હિંદી ફિલ્મ ‘બ્લિંક’ આવી છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે માનસી પારેખ, વિરાજ ઘેલાણી, સંજય ગોરાડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, ભાવિની જાની, કૃણાલ પંડિત, જયેશ મોરે, નિસર્ગ ત્રિવેદી અને અન્ય. ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે કર્યું છે અને સહ નિર્માતા ધવલ ઠક્કર છે. અત્રે નોંધનીય છે કે સોશિયલ મીડિયા સ્ટાર વિરાજ ઘેલાની, સિલ્વર સ્ક્રીન પર આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે. માનસી પારેખ ગુજરાતી સિનેમા અને વેબ સીરીઝ માટે જાણીતું નામ છે. આ પહેલાં તેણી ‘ગોળકેરી’ અને ‘કચ્છ એક્સપ્રેસ’ જેવી ફિલ્મનું નિર્માણ કરી ચૂકી છે. જ્યારે અભિનેત્રી તરીકે તો અનેક ફિલ્મનો સબળ અભિનય કર્યો છે.
ફિલ્મની વાર્તા કંઈક આવી છે. રાણીવાડા સ્થિત શ્રાપિત હવેલી વર્ષોથી ખંડેર હાલતમાં પડી છે, તેને રીનોવેટ કરવા શહેરથી એસ્ટેટ બ્રોકર (કૃણાલ પંડિત) આવે છે. કેરટેકર બાબુભાઈ મિસ્ત્રી (સંજય ગોરડીયા) તેને હવેલી બતાવે ત્યારે કંઈક ને કંઈક અનિષ્ટ થાય..! ગામમાં પણ ગરબા રમવાની તૈયારીને પગલે છોકરી ગાયબ થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બીજી તરફ હવેલીના માલિકના ઓરમાનભાઈ (નિસર્ગ ત્રિવેદી) અને વીણા બહેન (ભાવિની જાની)ની દાનત પણ આ હવેલી અને તેમાં દાટેલાં ખજાના ઉપર છે. બાબુભાઈનો લગ્નઘેલો ભત્રીજાે બાબલો (વિરાજ ઘેલાની) અને તેનો મિત્ર ઘેલો (ઓજસ રાવલ) ગામમાં આવે. હવેલીના માલિકની દીકરી કુમુદ પણ લંડનથી ગામમાં આવે. અનેક કથા-ચિલાઓ એક જ જ્ગ્યાએ આવી મળે. અને પછી રચાય હોરર અને કોમેડીની ધમાચકડી..!
ફિલ્મનું કથાનક અટપટું અને પેચીદું છે. હિંદી ફિલ્મો ‘ભૂલભૂલૈયા’ અને ‘સ્ત્રી’ની છાપ તેના કથાનકમાં સ્પષ્ટપણે દેખાય છે. દર્શક તેના મૂળને સમજે ત્યાં સુધીમાં તો અડધી ફિલ્મ પૂરી થઈ જાય અને ત્યાં સુધી દર્શકોના હાથમાં કામનું કે મઝાનું કહી શકાય તેવું કશું જ આવતું નથી. બે કલાક અને તેવીસ મિનિટ લાંબી આ ફિલ્મનું કથાનક, પટકથા અને સંવાદ, ટૂંકમાં લેખનકાર્ય સતત ગુંચવાડો ઉભો કરે છે. ગામડીયા પાત્રો શિષ્ટ ભાષામાં કેમ બોલે છે..? તેના પાત્રો પ્રવેશ ટાણે પોતાનો પરિચય જાતે જ અને તે પણ બોલીને કેમ કરાવે છે..? અનેક પાત્રો ફિલ્મમાં કેમ છે..? તે સમજવું મુશ્કેલ છે. જે પાત્રો રસપ્રદ ભાસે છે તેનું કથાનકમાં ઝાઝુ મહત્વ નથી..! દા.ત. કાલીચરણ પીએચ.ડી. (જયેશ મોરે), છમાં પાંચ અને એ. આ ત્રણ પાત્રો આશા જન્માવે છે, પણ તેમની પાસે રોલ જ લાંબો નથી..! ફિલ્મની મુખ્ય હિરોઈન અને જેની પાસે અનુપમ સૌંદર્ય અને પ્રતિભા છે, તે માનસી પારેખનો પ્રવેશ ખાસ્સો મોડો થાય છે..? અને તે પણ એકદમ સાદો..! અનેક કલાકારો વેડફાયા હોય તેમ લાગે છે. ફિલ્મની સફળતા માટે સ્ક્રિપ્ટ રાઈટિંગથી લઈને કાસ્ટિંગ સુધીના દરેક પાસાઓની કાળજી લેવાવી જાેઈતી હતી.
ફિલ્મનો આધાર શ્રાપ છે, અને ગરબો ગુજરાતની આન, બાન અને શાન છે. ગરબો ગુજરાતીઓની રક્તચાપમાં વહે છે. દિલમાં ધડકે છે. ફિલ્મમાં પણ બહારગામથી આવેલ છોકરી અન્ય છોકરીઓને ગરબાની પ્રેકટિસ કરાવવાનું શરૂ કરે તેના પગલે જ પુનઃ ચૂડેલ સક્રિય થાય છે. ટૂંકમાં ફિલ્મના મૂળમાં ગરબો પણ છે. તો પછી ફિલ્મમાં ગરબો ક્યાં છે. રાણીવાડામાં કરાયેલ ઉજવણીના આયોજન સમયે એક ગરબો જરૂર ગવાય. પણ યાદ રહી જાય તેવો, તાલે ઝૂમવા મજબૂર કરે તેવો કે જાેવો ગમે તેવો નહીં..! કેમ..? હેલારોનો ગરબો આજેય યાદ છે, પણ ઝમકુડીનો ગરબો..? પટકથા અને દિગ્દર્શનનું આ સૌથી નબળું પાસું છે. વિચારો ફિલ્મમાં બે-એક ધમાકેદાર ગરબા હોત તો..?
ફિલ્મ નિર્માણના અન્ય પાસાઓ ફિલ્માંકન, સંકલન, ગીત-સંગીત અને અભિનયની વાત કરીએ તો ફિલ્મના બેક ટાઈટલમાં આવતું શીર્ષક ગીત સિવાય કશું જ નોંધનીય લાગતું નથી. મોટા ભાગના કલાકારો રંગમંચ ઉપર અભિનય કરતાં હોય તેવા ઉચ્ચારણો અને સાત્વિક અભિનય કરતાં જણાય છે. હોરર ફિલ્મમાં ફિલ્માંકન, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક અને પ્રકાશ આયોજન જબરો ભાગ ભજવે છે. છેલ્લે ઝમકુડીના પ્રાગટ્ય અને તે સંલગ્ન દૃશ્ય સિવાય ક્યાંય પ્રભાવ દેખાતો નથી. સંકલન પણ ધીમું છે, પરિણામે ફિલ્મ વધુ પડતી લાંબી બને છે. અભિનયની વાત કરીએ તો માનસી પારેખ, જયેશ મોરે, અને દાદા ઉપરાંત છમાં પાંચ અને એના પાત્રો જાેવાં ગમે છે. અન્ય કળાકારો જેવાં છે તેવાં જ લાગે છે, ક્યાંય પાત્ર પ્રવેશ દેખાતો નથી. અનેક દ્રશ્યોનું ફિલ્માંકન પણ રંગમંચ પર ભજવતા નાટક જેવું લાગે છે. જે ફિલ્મોમાંથી પ્રેરણા લીધી તેની નકલમાં પણ અક્ક્લ નહીં..! અંતે એટલુ જરૂર કહીશ કે અહેવાલો અનુસાર બોક્સ ઓફિસ કલેકશન સારું છે, પણ ફિલ્મ..? સમજદારને ઈશારો પૂરતો છે..!