વર્ષ 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષી યુસુફ મેમણનું હાર્ટ એટેકને કારણે મોત

 મુંબઈ,

મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટના દોષી અને ભાગેડુ આરોપી ટાઇગર મેમણના ભાઈ યુસુફ મેમણનું શુક્રવારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની નાસિક રોડ સેન્ટ્રલ જેલમાં મોત થયું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, 57 વર્ષીય મેમણે શુક્રવારે છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, મેમણને તાત્કાલિક જિલ્લા સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સવારે 11:45 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.તેમણે જણાવ્યું હતું કે, મોતનાં કારણોની જાણકારી હજી મળી નથી અને તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ધુલે મોકલવામાં આવશે. નાસિક પોલીસ કમિશનરે યુસુફ મેમણના મોતની પુષ્ટિ કરી હતી. યુસુફ પર આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મુંબઇની અલ-હુસૈની બિલ્ડિંગમાં પોતાનો ફ્લેટ અને ગેરેજ પૂરો પાડવાનો આરોપ હતો.

વર્ષ 2007માં તેને ટાડાની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી. સજા ફટકાર્યા બાદ તેને પહેલા ઐરંગાબાદ જેલમાં અને ત્યારબાદ નાસિકની જેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા યાકુબ મેમણને 2015માં ફાંસી આપવામાં આવી હતી. 12 માર્ચ 1993માં મુબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution