પોતાના આગળના સ્ટોપ પર તેજ રફતારથી ભાગી રહેલ ટ્રેનની ઝડપ વધુ હતી કે પછી તેમાં બેસેલ સુહાનાના મનની અંદર ચાલી રહેલ વિચારો અને તેના અહેસાસની તીવ્રતાની તે કહેવું જરા મુશ્કેલ હતું!
ટ્રેનની ઝડપ સાથે બારી બહારથી દેખાતા વૃક્ષો અને રસ્તાઓ જેમ પોતાની એકદમ નજીક હોય તેવો આભાસ આપી બીજી પળે ક્યાંય પાછળ રહી જતા હતા તેમ સુહાના પણ જેને પોતાની જિંદગી માનતી હતી તે સઘળું જ એક પળમાં પોતાની પાછળ છૂટી ગયું હતું!
તેનું મન જાણે તેને જ સવાલ કરતું હતું, “સુહાના, ખરેખર? શું તે જે કર્યું તે યોગ્ય કર્યું? જેની પાછળ પૂરી જિંદગી ખર્ચી દીધી આજે તેને છોડી તું મનગમ મુકામ મેળવી શકીશ?”
સુહાનાના સવાલો તેની ફરતે વધુ ભરડો લે એ પહેલા જાણે સમયે તેને રોકી લીધી. એક ઝાટકા સાથે ટ્રેન ઉભી રહી અને સુહાનાના વિચારોની ગતિ પણ!
તેણે જાેયું તો પોતાનું સ્ટેશન આવી ગયું હતું. હાથમાં એક નાનકડું પર્સ લઈ તે નીચે ઉતરી. પોતાની ખરી મંઝિલ તરફ ઉપડેલ તેના કદમ વધુ વેગીલા બન્યા.
વર્ષો બાદ કોલેજના ગેટમાં પ્રવેશતા જ સુહાનાનું દિલ એક થડકાર ચૂકી ગયું. અનાયાસે તેના કદમો કોલેજ કેમ્પસની પોતાની પ્રિય બેન્ચ તરફ વળ્યા. કેટકેટલાય શમણાંઓ તેની પાંપણે ઝાકળબિંદુ સમા તોરણ બનાવી નજરો સામે તાદ્રશ્ય થઈ રહ્યા.
“સુહાના, ચાલ ને યાર, તારા વગર તો પિકનિક જવાનું ગમતું હશે?”
“સુહાસ, ન ગમતું હોય તો આદત પાડી દે. જરૂરી નથી દરેક જગ્યાએ હું હોઈશ જ. એમ પણ તને ખબર છે હું ચંચળ છું. સ્થિરતા તો મારા સ્વભાવમાં છે જ નહીં! આજે અહીંયા તો કાલે કોઈ નવા આસમાનમાં!”
“હા, મેડમ તમને અને તમારી પ્રકૃતિ બંનેને ખૂબ સારી રીતે જાણું છું. પણ આ સુહાસને પણ જરા ઓછો ન આંકતી. મારી સૌથી ખાસ દોસ્ત, મારી જિંદગીને એમ જ દૂર નહી જવા દઉં. હું પણ જાેઉં મારાથી દૂર તું કેમ જાય છે!”
“બસ..બસ..સુહાસ! તું વધુ પડતા લાગણીવેડા કે વધુ પડતાં સ્વપ્ન જુએ એ પહેલા જ તને રોકી લેવા માંગુ છું. જેવું તું વિચારે છે તે બિલકુલ પણ શક્ય નથી.”
“મતલબ..!તું જાણે છે કે હું શું...વિચારું છું?” શરારત ભરી નજરે સુહાસ, સુહાનીની નજીક સરક્યો.
“હા..તારી આંખોમાં સાફ દેખાય છે કે તું મને ચાહે છે. પણ હું એ વિશે વિચારી પણ ન શકું. લગ્ન જેવા બંધન મારા જેવી ડ્રીમગર્લને ન ફાવે.”
“સુહાના, મને ખબર છે હું જેની પાછળ ભાગી રહ્યો છું તે ઝાંઝવાના જળ માત્ર છે. પણ યાર, પ્રેમ તો પ્રેમ હોય. તેમાં વ્યાપાર થોડો હોય કે આપીએ તો બદલામાં કંઈક મળવું જાેઈએ ! હું જાણું છું તારા સ્વપ્નની દુનિયામાં હું દૂર દૂર સુધી ક્યાંય નથી. તારે મોડેલ બનવું છે. વિદેશોમાં ફરવું છે. અને પ્રેમ લગ્ન જેવા શબ્દોની તારી ડીક્ષનરીમાં ક્યાંય જગ્યા જ નથી.”
“મારા વિશે બધું જાણે છે તો શા માટે મારી પાછળ સમય વ્યતિત કરે છે. તું ખૂબ સારો છે. તને તો કોઈ પણ મળી જશે.”
“કોણે કહ્યું કે હું સમય વ્યતિત કરું છું. હું તો સમય અને ચાહત બંનેનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. મને ખાતરી છે આજ નહી તો કાલ બંનેનું વળતર તો મળવાનું જ છે!” સુહાસની વાત પર સુહાના ખડખડાટ હસવા લાગી.
“તું નહી સુધરે.. હું ક્યારે ફુરરર થઈ જઈશ તને ખબર પણ નહીં પડે.”
“હા, જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી મારી આશા જીવંત છે. સાચું કહું સુહાના, હું તને કદી મારા પ્રેમના બંધનમાં બાંધવા ઈચ્છતો જ નથી. તું જા. મુક્ત મને તારા સ્વપ્નના આસમાનમાં વિહાર કર. હું તો ઇચ્છુ કે તને દુનિયાની બધી ખુશી અને તારો સાચો પ્રેમ મળે. બસ એક પ્રોમિસ આપ કે કદી મારી જરૂર લાગે તો એકવાર યાદ અવશ્ય કરજે.”
બંને એકબીજાને ભેટી પડ્યા. બંનેમાંથી કોઈ નહોતું જાણતું કે આ તેમની આખરી મુલાકાત હતી.
ત્યારબાદ સુહાના એક મોડેલ કોન્ટેસ્ટમાં સિલેક્ટ થઈ ગઈ અને અચાનક જ તે દુબઈ જતી રહી.
સુહાના પોતાની સ્વપ્ન નગરીમાં મન ભરીને જીવવા લાગી. ત્યાં તેની મુલાકાત એક ફિલ્મ એક્ટર કેદાર સાથે થઈ. કેદારની મદદથી તે ઘણી મોટી મોડેલ બની ગઈ હતી. બંને લીવ ઈન રિલેશનમાં સાથે રહેવા લાગ્યા.
સફળતાના નશામાં ચૂર રહેતી સુહાના માટે ડ્રગ્સ, દારૂ જેવા પદાર્થોનો કોઈ છોછ રહ્યો નહતો. સમય વહેતો ગયો. ત્રણ વર્ષના ગાળામાં તેણે ઘણી સફળતા,પૈસો,નામના, વિદેશોમાં ફરવાની મોજ, બધું મેળવ્યું હતું પણ કોઈનો સાચો પ્રેમ પામી શકી નહતી.
ધીમેધીમે નવી મોડલોએ સુહાનાનું સ્થાન લેવા લાગ્યું. એક દિવસ તે પોતાના શુટિંગથી વહેલી આવી ઘર ખોલી જાેયું તો કેદાર કોઈ અન્ય લલનાની બાંહોમાં કેદ હતો.
“કેદાર... તારી હિંમત કેમ થઈ મને દગો દેવાની? તને તો હું જાહેરમાં બદનામ કરીશ.”
“ડાર્લિંગ, તું આ ગ્લેમરની દુનિયાને નથી જાણતી? અહીં તારા જેવી સો મળી રહે. એમ પણ હવે હું તારાથી ઉબાઈ ચૂક્યો છું. અને હા, આ ઘર મારું છે એટલે ચૂપચાપ અહીંથી નીકળી જા. અને હા, જતા જતા એક વાત સાંભળી લે. તારા દરેક નવા પ્રોજેક્ટમાં તારા સ્થાને મારી નવી મોડેલ લુલિયા આવી ગઈ છે. એટલે આજ પછી મને કે આ ઘરને પોતાનું કહેવાની ભૂલ કરતી નહીં.”
સુહાના તો આ બધું સાંભળી ત્યાં જ ફસડાઈ પડી. આજે તેને કેદારની વાતોએ ઝળહળતી દુનિયા પાછળ ખદબદતા કીચડ અને અંધકારનો પરિચય કરાવી દીધો હતો.
પોતાના ર્નિણયથી પોતાનાને તો ક્યારના પારકા કરી દીધા હતા. ત્યાં જવાનો કોઈ મતલબ તેને લાગતો નહતો. પોતે ધારે તો કેદારનો સામનો કરી નવા પ્રોજેક્ટ મેળવી શકતી. કેમ કે આજ પણ તે ટોપ મોડેલ હતી પણ હવે જાણે તેને એ બધામાં રસ જ નહતો. હવે તેને આ શહેર અને ગ્લેમરની દુનિયાથી દુર જવું હતું. તેણે તરત દુબઈ શહેર છોડી દીધું અને પોતાના વતન પરત આવી ગઈ.
બેન્ચ પર બેઠેલી સુહનાને પાછળથી કોઈનો સ્પર્શ થતાં જ તેની વિચાર શ્રૃંખલા તૂટી. પાછળથી એક ચુસ્ત આલિંગનમાં સુહાના કેદ થઈ ગઈ. આ સ્પર્શ તો કેમ ભુલાય! તે સફાળી ઉભી થઈ આગળ ફરતા બોલી, “સુહાસ! મને વિશ્વાસ હતો કે તું મને અહી જ મળીશ.”
“હા, સુહાના! પણ તને શું થયું? તારી હાલત તો જાે! મને તો એમ કે મારી સુહાના ઈન્ટરનેશનલ સ્ટાર બની જલસા કરે છે અને તું..?” સુહાનાનું કૃશ થયેલ શરીર જાેઈ સુહાસ દુઃખી થઈ ગયો.
સુહાનાએ બધી હકિકત કહી ત્યારે સુહાસની આંખો ભીની થઈ ગઈ. તેણે ફરી સુહાનાને પોતાની બાંહોમાં લેતા કહ્યું, “ મેં કીધુ હતું ને, એક દિવસ મારા પ્રેમ અને સમયનું વળતર અવશ્ય મળશે. તું ગઈ ત્યારથી હું તારો રોજ આજ બેન્ચ પર બેસી ઇંતજાર કરતો હતો. અને એટલે જ આ જ કોલેજમાં પ્રોફેસરની જાેબ સ્વીકારી લીધી. જેથી આપણે વિતાવેલ પળોનું સાંનિધ્ય મને હંમેશ તારી નજીક રાખે.”
“સુહાસ હું ખરેખર ખૂબ મોટી મૂર્ખ હતી કે તારા જેવા વ્યક્તિને કે તારી લાગણીઓને સમજી ન શકી. મને માફ કરી દે. હું એમ નહીં કહું કે તું મને સ્વીકારી લે. કેમ કે હું તારા લાયક કદી હતી જ નહીં. મે મારું સર્વસ્વ એક આંધળી દોટમાં ગુમાવી દીધું છે. બસ આખરી વાર તને મળી માફી માંગવી હતી.”
“ચૂપ..સુહાના..હવે મારે કશું જ નથી સાંભળવું. આજથી સુહાનાની નવી જીંદગીની શરૂઆત થશે જેમાં ફકતને ફકત ખુશીઓ હશે.”
સુહાનાએ, સુહાસના હોઠ પર પ્રગાઢ ચુંબન કરી પોતાના પ્રેમની મ્હોર લગાવી દીધી.
Loading ...