લેખકઃ કેયુર જાની |
આપણી ઓળખ આપણે જાતે આપવી પડે તો સમજવું કે જિંદગીમાં હજુ ઘણું કરવાનું બાકી છે. ઓળખ એટલે શું? આધારકાર્ડ, પાનકાર્ડ કે વીઝીટીંગ કાર્ડથી આપણી ઓળખ થાય છે! આવા ત્રણ-ચાર કાગળોથી ઓળખના પુરાવા મળી જાય છે. તે વ્યક્તિની ઓળખ હોય છે તેના વ્યક્તિત્વની નહીં. ઓળખ વ્યક્તિત્વથી બને છે. અંગ્રેજીમાં કહેવાય છે ‘યુ હેવ ટુ અર્ન ઈટ’. ઓળખ કમાવી પડે છે. તેને ઉભી કરવી પડે છે. મલાલા યુસુફજઈએ તે માત્ર બાર વર્ષની ઉંમરે ઉભી કરી હતી. પાકિસ્તાનમાં સ્વાત ઘાટીમાં આતંકવાદીઓએ છોકરીઓના શિક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો. સાથે ફરમાન કર્યું કે છોકરીઓએ તેવા પરિધાન પહેરવા કે જેમાં આંખો સિવાય સંપૂર્ણ શરીર ઢંકાય. ત્યારે મલાલાની ઉંમર માત્ર દસ વર્ષની હતી.
મલાલાએ તે ફરમાન ન માન્યું, શિક્ષણના હક્ક માટે અવાજ ઉઠાવ્યો. શાળાએથી પરત ફરી રહેલી મલાલાના માથામાં આતંકવાદીઓએ ગોળી મારી. માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં તે મોત સામે પણ બંડ પોકારી ફરી બેઠી થઇ. બાળકોના માનવ અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે મલાલાને નોબેલ પુરસ્કાર મળ્યો. જે ચહેરો ઢાંકીને રાખવા મલાલાને ધમકાવવામાં આવતી હતી તે ચહેરો બાળકોના અધિકાર માટે વૈશ્વિક ઓળખ બન્યો. ઓળખ બનાવવાની કોઈ ઉંમર નથી હોતી. સ્વામી વિવેકાનંદે અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદને સંબોધી ત્યારે તેમની ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી. ધર્મ સંસદમાં આપેલા વ્યક્તવ્યથી તેમની વૈશ્વિક ઓળખ બની ગઈ. ભગતસિંહ ફાંસીને માંચડે ચઢ્યા ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષ હતી. બ્રુસ લીનું મૃત્યુ ૩૩ વર્ષની ઉંમરે થયું. કેપ્ટન વિક્રમ બત્રા કારગિલની પહાડીઓ ઉપર ૨૪ વર્ષની ઉંમરે શહિદ થયાં.આવા અનેક નામ છે જેમની ઓળખ સદીઓ અને વર્ષો પછી પણ આજે અમીટ રહી છે.
ઉંમરના કોઈ પણ પડાવ ઉપર નામ કમાઈ શકાય છે. અમેરિકન ગાયિકા અન્ના મોસેસે ૭૮ વર્ષથી ઉંમરે પોટ્રેઈટ બનાવવાનું શરુ કર્યું. ચિત્રકાર તરીકે દુનિયાએ તેમની નોંધ લીધી. તે ગ્રાન્ડમધર મોસેસ તરીકે પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીનના કવર પેજ ઉપર અલગ ઓળખ સાથે ચમક્યાં. ભારતના ફૌજાસિંઘે લંડન મેરેથોનમાં ૯૨ વર્ષની ઉંમરે છ કલાક કરતાં વધુ સમય દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોનાલ્ડ રેગન ૭૦ વર્ષની ઉંમરે અમેરિકાના પ્રમુખ બન્યાં હતાં, બેંગલુરુના મણી આંટી તરીકે પ્રખ્યાત નાગમણિ દેવીએ ૮૮ વર્ષની ઉંમરે ખરતા વાળની સમસ્યા નિવારણ માટે સ્ટાર્ટઅપ શરુ કર્યું. મણિ આંટીનું રૂટ્સ એન્ડ શૂટ્સ હેર ઓઇલ આજે માર્કેટ ગજવી રહ્યું છે. ઓરિસ્સાના સંતોષિની મિશ્વાએ પતિના અવસાન બાદ ૭૪ વર્ષની ઉંમરે લગ્ન સમારોહમાં કેટરિંગનું કામ શરુ કર્યું હતું. આજે તે ઓરિસ્સાના સૌથી મોટા કેટરર્સમાંથી એક છે. વાનપ્રસ્થાશ્રમ બાદ આ તમામની ઓળખ બની છે. પાકિસ્તાનના સિયાલકોટમાં ફાસ્ટ પીચ ઉપર સચીન તેંડુલકર વક્કાર યુનુસના બાઉન્સરથી ઘવાયાં. સોળ વર્ષની ઉંમરના સચિનના નાકમાંથી અવિરત લોહી વહી રહ્યું હતું. નોનસ્ટ્રેકર એન્ડ ઉપર ઉભેલા નવજાેતસિંહ સિધ્ધુએ સચિનને ડ્રેસિંગ રૂમમાં જઈ આરામ કરવા કહ્યું. પણ સચિનનો જવાબ હતો ‘મૈં ખેલેગા ...’.તે પછી સચિનની ૫૭ રનની ક્લાસિક ઇનિંગ જાેવા મળી.
ક્યારેક ડાઇવર્સ પર્સનાલિટીથી અલગ ઓળખ બનતી હોય છે. ભિન્ન હોવું તે નિમ્ન હોવું નથી હોતું. સોશિયલ મીડિયાના જમાનામાં ડાઇવર્સીટીનો સ્વીકાર લુપ્ત થતો જાય છે. ભિન્ન વિચાર કે ભિન્ન વ્યક્તિત્વને નિમ્ન સાબિત કરવા એક જૂથ સમૂહ બનીને આક્રમણ કરે છે. ડાઇવર્સીટીનો સ્વીકારી ન કરી શકનાર સમાજ બે યુવાનો હાથમાં કલાશ્નિકોવ લઈને ઉભેલા હોય તો સહજ સમજે છે. તે અજુગતું નથી લાગતું. પરંતુ બે સમલૈંગિકના હાથ એકબીજાના હાથમાં હોય તે સ્વીકાર્ય નથી. કેમકે તે ભિન્ન છે જેથી નિમ્ન છે એવી મનોગ્રંથી છે.
ઓળખ એટલે શુ...? તે તમે પોતે ઉભી કરી હોય છે. તમારા વ્યક્તિત્વથી તમારા પોતાની ક્ષમતા અને સામર્થ્યથી તમે બનાવી હોય છે. જે હાંસિલ કરવા તમારામાં પેશન હોય. તે સિધ્ધ કરવા યોજના બનાવી હોય. મેળવવા માટે જાતને ઝોંેકી દીધી હોય. કંઈ પણ કરી છૂટવાની તૈયારી રાખી હોય. સાધનાથી તે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. તે સિદ્ધિ વ્યક્તિત્વની ઓળખ છે. સાહસ વગર તે સિદ્ધિ અશક્ય છે. ભારતીય તત્વમાં ત્રણ ગુણ છે... ‘સત્યમ, શિવમ, સુન્દરમ..’. હવે સ્વની ઓળખ ઉભી કરવા માટેના ચોથા ગુણને ઉમેરવું રહ્યું, ‘સાહસમ‘.