મુંબઇ
કોન બનેગા કરોડપતિમાં સ્ટુડન્ટ સ્પેશિયલ વિકના પહેલા કન્ટેસ્ટન્ટ ભરુચના 14 વર્ષના અનમોલ શાસ્ત્રી એ પોતાના જ્ઞાનના આધારે અમિતાભ બચ્ચનનું દિલ જીતી લીધું હતું. ફાસ્ટટેસ્ટ ફિંગર ફસ્ટમાં અનમોલે સૌથી ઝડપી જવાબ આપીને હોટ સીટ પર પોતાની જગ્યા બનાવી હતી. અનમોલ હોટ સીટ પર આવ્યો ત્યારે ઝડપી શ્વાસોચ્છવાસ કરી રહ્યો હતો આ જોઈને બચ્ચને પોતે ઉભા થઈને તેને પાણી પણ પીવડાવ્યું હતું. અનમોલે કાર્યક્રમ દરમિયાન પોતાની ત્રણ ઈચ્છાઓ વ્યક્ત કરી હતી, અનમોલે નોબેલ પ્રાઈઝ, ધનાઢ્ય વ્યક્તિ બનાવાની અને ત્રીજુ એસ્ટ્રોફિઝિસિસ્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અનમોલે જણાવ્યું હતું કે તેને એપીજે અબ્દુલ કલામ અને સ્ટીફન હોકિંગ બે વૈજ્ઞાનિકો સૌથી વધુ પસંદ હોવાનું જણાવ્યું હતું. અનમોલને અમિતાભ બચ્ચને એક વચન પણ આપ્યું હતું.
અમિતાભ બચ્ચને અનમોલ શાસ્ત્રીને શ્રીમાન 'જીજ્ઞાસુ' નામ આપ્યું હતું અને તેની સાથે ગમ્મત કરતા-કરતા ગેમને આગળ વધારી હતી. બચ્ચન ભરુચથી પહોંચેલા અનમોલથી એટલા ઈમ્પ્રેસ થયા હતા કે તેમણે એવું પણ કહી દીધું હતું કે, તમારે તો પ્રોફેસર હોવું જોઈએ.
અનમોલે ગેમ દરમિયાન પોતાની યુટ્યુબ ચેનલ 'How it Works' વિશે વાત કરી હતી અને આ પછી બચ્ચને ચેનલની પ્રશંસા કરીને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરાવવાની વાત પણ કરી હતી. તેમણે અનમોલને પૂછ્યું હતું કે, તમારી ચેનલ કોણ જુએ છે? જેના જવાબમાં અનમોલે કહ્યું હતું કે, મારા પરિવારના લોકો અને ફ્રેન્ડ્સ. આ પછી બચ્ચને અનમોલની ચેનલની વિગતો માગીને તેને વધુ લોકો સુધી પહોંચાડવાની વાત કરી હતી. આ સાથે બચ્ચને પોતે પણ અનમોલની ચેનલ સબસ્ક્રાઈબ કરશે તેમ જણાવ્યું હતું.
14 વર્ષનો અનમોલે હોટ સીટ પર આવ્યા પછી 25,00000 પોઈન્ટ્સ જીતવામાં સફળ થયો હતો.આ પછી અનમોલને 50,00000 પોઈન્ટ્સ માટે સવાલ પૂછવામાં આવ્યો હતો પરંતુ અનમોલ પાસે કોઈ લાઈફલાઈન ના હોવાથી તેણે ક્રિકેટની રમતને લગતા આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.