ઈસ્લામાબાદ
દુનિયાભરમાં સામાન્ય રીતે પત્નીઓ પોતાના પતિ પાસે સોના-ચાંદીના ઘરેણાં કે પૈસા માંગતી હોય છે, પરંતુ એક યુવાન પાકિસ્તાની લેખિકાએ પોતાના પતિ સામે એવી શરત મૂકી કે પતિ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો. ઈસ્લામિક કાયદાના અનુસાર ફક્ત દુલ્હનનો તેના 'મેહર' પર હક હોય છે અને તેને આપવો એ પતિ માટે કાનૂની જવાબદારી હોય છે. આ નિયમ હેઠળ પાકિસ્તાનની યુવા લેખિકાએ પોતાના પતિ પાસે રૂ 1 લાખના પુસ્તક માંગીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
પાકિસ્તાનની યુવા લેખિકા નાયલા શમલ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના મરદાનની રહેવાસી છે અને એક લેખક સાથે લગ્ન કરી રહી છે. તેમણે પતિ પાસે સોના-ચાંદીના ઘરેણાં કે અન્ય ભેટ ન માંગી પરંતુ પુસ્તકો માંગ્યા છે. નાયલા શમલે લગ્નના લાલ પરિધાનમાં સજજ થઈને પુસ્તકો વચ્ચે એક વીડિયો સંદેશ બનાવ્યો છે અને જણાવ્યું કે કેમ એ પુસ્તકો માંગી રહી છે. નાયલાએ કહ્યું કે એ કુપ્રથાઓ ખત્મ કરવા ઈચ્છે છે.
નાયલાએ કહ્યું કે, અમારા દેશમાં મોંઘવારી ખૂબ છે અને બીજું કે આ પ્રકારના કુરિવાજો ખત્મ થવા જોઈએ. સોના-ચાંદીના ઘરેણાં તો દરેક સ્ત્રી માંગે છે પરંતુ એક લેખિકા હોવાના કારણે મેં પુસ્તકો એટલા માટે માંગ્યા છે, કારણ કે જો હું પુસ્તકોની કદર નહીં કરું તો અન્યોને પુસ્તકોની કદર કરવાનું કેવી રીતે કહી શકીશ. સોશિયલ મીડિયા પર નાયલાના આ અનોખા 'મેહર' ખૂબ પ્રશંસા થઈ રહી છે.
મોટી સંખ્યામાં લોકો ટ્વીટ કરીને નાયલાના વખાણ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે, આ યુગલ એકબીજા માટે ખૂબ ભાગ્યશાળી છે. બંને ચોક્કસપણે એકબીજાની સાથે પુસ્તકોને ખૂબ પસંદ કરશે. અલ્લાહ તેમને શક્તિ આપે એ જ દુઆ. અન્ય એક યુઝર્સે લખ્યું કે, આ એવી બાબત છે જે આપણે આપણી સંસ્કૃતિમાં જોયું નથી. આ એક શાનદાર વિચાર છે.