વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેતવણી: વિશ્વના 85 દેશોમાં આગની જેમ પ્રસરી ગયો ડેલ્ટા વેરિએન્ટ

જિનિવા-

કોરોના વાઇરસ કરતાં વધારે પ્રમાણમાં ચેપી એવા તેના ડેલ્ટા વેરિઅન્ટના ૮૫ દેશોમાં દર્દીઓ મળી આવતા હડકંપ મચી ગયો છે. જાે આ પ્રવાહ આવી રીતે જ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક રિપોર્ટમાં આપી છે.૨૨ જૂને જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક મહામારી રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસનો આલ્ફા વેરિઅન્ટ ૧૭૦ દેશોમાં, બેટા વેરિઅન્ટ ૧૧૯ દેશોમાં, ગામા વેરિઅન્ટ ૭૧ દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ ૮૫ દેશોમાં ફેલાયો છે.

ચારે કોરોના વેરિઅન્ટ આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટાને વેરિઅન્ટસ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યા છે. જાે વર્તમાન પ્રવાહ ચાલુ રહેશે તો ડેલ્ટા વેરિઅન્ટ પ્રભાવી લાઇનેજ બની જશે. જાપાનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતાં ૧.૨૩ ગણો વધારે ચેપી છે.

જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે સંસદમાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ઘટાડવા માટે કરવામાં આવેલી પ્રગતિને ડેલ્ટા વેરિઅન્ટ અધોગતિમાં ફેરવી નાખવાની તાકાત ધરાવે છે તે જાેતા યુરોપ કોરોના મહામારીને મામલે વિકટ સ્થિતિમાં જ છે. જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં પંદર ટકા કેસો ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે.યુએસમાં વોલ સ્ટ્રીટની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગને તેના તમામ કર્મચારીઓને કોરોનાની રસી લેવાની સલાહ આપી છે. બેન્ક દ્વારા તેના કર્મચારીઓને આ મહિનાના અંત સુધીમાં એક ફોર્મમાં તેમણે કોરોનાની રસી લીધી છે કે કેમ તે દર્શાવવું પડશે.

ઇંગ્લેન્ડમાં ૧૨ સપ્તાહ કરતાં વધારે રહેતાં કોરોનાના લક્ષણોથી પરેશાન થતાં લોકોની સંખ્યા વીસ લાખ કરતાં વધારે હોવાનું સરકારી ડેટામાં જણાયું છે. લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણોને લોંગ કોવિડ ગણવામાં આવે છે.યુએસમાં સિયેટલના એક સંશોધકે જે ગુમ થયેલી મનાય છે તે કોરોના વાઇરસની ૧૩ જેનેટિક સિકવન્સ ગૂગલ ક્લાઉડમાંથી શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution