સુરત, સુરત શહેરના સિંગણપોર ખાતે આવેલી ઓમકાર રેસિડન્સીમાં રહેતા ૨૨ વર્ષના શ્રમજીવી યુવકે રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ છે. જુવાનજોધ યુવકના મોતથી બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રનો વતની ૨૨ વર્ષીય દિપક મનોહર પોડેફોડે હાલમાં સિંગણપોર ખાતે આવેલી ઓમકાર રેસિડન્સીમાં પરિવાર સાથે રહેતો હતો. તે અપરણિત હતો અને તેને બે બહેન છે. તેમજ તે છૂટક મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ગઈકાલે રાત્રે દીપકે પોતાના ઘરમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધી મોતને વહાલું કરી લીધું હતું. તેણે કયા કારણોસર મોતને વહાલું કર્યું તે અંગે રહસ્ય છે. આ બનાવ અંગે સિંગણપોર પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
પાંડેસરામાં ૪ વર્ષીય બાળકનું તાવમાં સપડાયા બાદ મોત
સુરત શહેરમાં આવેલા પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબેનગરમાં રહેતા કોળી પરિવારના ૪ વર્ષના બાળકનું તાવમાં સપડાયા બાદ મોત નિપજ્યું હતું. પાંડેસરાના જય અંબે નગરમાં રહેતા રામતીલક કોળી મજુરી કામ કરી પત્ની અને બે પુત્ર સહિતના પરીવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન રામતીલકના બે પુત્ર પૈકી ૪ ર્વષિય અનુભવને છેલ્લા ૧૦ દિવસથી તાવ હતો, જેથી સ્થાનિક ક્લિનિકમાંથી સારવાર લેવામાં આવી રહી હતી. દરમિયાન શનિવારે સાંજે અનુભવની તબિયત લથડતા પરિવાર જનો તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. જેને પગલે પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાવને કારણે તેમજ અચાનક બેભાન થયા બાદ મૃત્યુ નીપજવાના કેસો વધી રહ્યા છે.