વડોદરા, તા.૨૪
શહેર-જિલ્લામાં આજે દિવસ દરમિયાન વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો ન હતો. પરંતુ સમીસાંજે વીજળીના કડાકા સાથે વાઘોડિયામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકયો હતો. વરસાદની મજા માનતા ધાબા પર માણી રહેલા મહિલા પર વીજળી પડતા ગંભીર ઈજાગ્રસ્ત થવાથી સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજયું હતું.
દિવસ દરમિયાન વાદળીયો માહોલ રહ્યો હતો. પરંતુ વરસાદ વરસ્યો નહતો. જેના કારણે ઉકળાટથી લોકો પરેશાન થયા હતા. પરંતુ સાંજે ૫.૩૦ વાગ્યાથી વાઘોડિયા તાલકુમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો. એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયા હતા.દરમિયાન વાઘોડિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ આનંદ નગરીના ઝુલુમા પાર્કમાં રહેતા શારદાબેન રતિલાલ વસાવા ઉ.વ.૪૫ અગાસીમાં ગયા હતા. ત્યારે વીજળી પડતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અંગેની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા પોણો કલાક છતા નહીં પહોંચતા મહિલાને ખાનગી વાહનમાં પારુલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.