અરવલ્લી-
શામળાજી મંદિર ખાતે ખૂબ જ કરુણ બનાવ બન્યો છે. અહીં મંદિર પરિસરમાં આવેલી પૌરાણિક વાવમાં પડી જતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. મહિલા અહીં પરિવાર સાથે દર્શન કરવા માટે આવી હતી. આ વાવ ખાતે ઘણા સમયથી પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ ચાલી રહી છે. હવે કરુણ ઘટના બનતા ફરીથી વાવ ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી ઉઠી છે. મહિલા લપસીને વાવમાં પડી ગઈ હતી તે ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. એવું લાગી રહ્યું છે કે મહિલા સેલ્ફી કે ફોટો ક્લિક કરાવવા માટે વાવના વચ્ચેના પથ્થર પર ઉતરવા જતી હતી. આ દરમિયાન બેલેન્સ બગડતા નીચે પડી ગઈ હતી. બનાવની વિગત જાેઈએ તો શામળાજી મંદિર ખાતે દર્શન કરવા આવેલી એક મહિલા મંદિર પરિસરમાં આવેલા પૌરાણિક વાવમાં પડી ગઈ હતી.
મહિલા ફોટો પડાવવા જતાં તેણીનો પગ લપસી ગયો હતો. વાવમાં નીચે પડી જવાને કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાનું મોત થતાં દર્શન કરવા આવેલા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક મહિલાનું નામ શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા હોવાનું માલુમ પડ્યું છે. મહિલાની ઉંમર ૪૫ વર્ષ છે. મળતી માહિતી પ્રમાણે મંદિર પરિસરમાં આવેલી વાવની ચારેય બાજુ ખુલ્લી હોવાને પગલે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ મામલે શામળાજી પોલીસે મંદિર પરિસર ખાતે પહોંચીને કાર્યવાહી કરી છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. વાવમાં પડી જવાની આ આખી ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જાેઈ શકાય છે કે મહિલા તેની દીકરી અને પરિવારના અન્ય એક સભ્ય સાથે ચાલીને આવી રહી છે. આ દરમિયાન મહિલા વાવના વચ્ચેના પથ્થર પર ઊભી રહેવા માટે નીચે ઉતરે છે. મહિલા કદાચ ફોટો કે સેલ્ફી લેવા માટે નીચે ઉતરે છે. મહિલા જેવો નીચે પગ મૂકે છે કે તેના શરીરનું બેલેન્સ બગડે છે અને તેણી સીધી જ નીચે પટકાય છે. આ દરમિયાન મહિલાની સાથે રહેલી તેની દીકરીને માતા નીચે પડી ગયાની જાણ પણ નથી થતી. મહિલાની પાછળ આવી રહેલો યુવક થોડે દૂર હોવાથી તે મહિલાને બચાવી શકતો નથી. મહિલા નીચે પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.