વડોદરા, તા. ૨
અષાઢી બીજથી શરુ થયેલા ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે વિવિધ જાહેર માર્ગો પર ભૂવા પડતા પહેલા જ વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી હતી. ભૂવાને કારણે તેમજ રસ્તા સુવ્યવસ્થિત ન હોવાના કારણે અનેક રાહદારીઓને તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર જીલ્લામાં માત્ર સાત મી.મી. વરસાદ પડ્યો છે.મુજમહુડા વિસ્તારમાં ઝાડ પડવાની દુર્ઘર્ટના પણ ઘટી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
જૂલાઈ મહિનાની શરુઆતથી જ વરસાદે એન્ટ્રી કરી છે. સમગ્ર શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. શનિવારના રોજ દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે તેમજ બપોર દરમ્યાન વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સમગ્ર શહેરમાં માત્ર પાંચ મિ.મી. વરસાદ વરસતા જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા પાલિકાની પોલ ખુલી હતી. વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની તેમજ ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. પાણીજન્ય રોગોમાં પણ વધારો થતા ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓને જમાવડો જાેવા મળ્યો હતો. સમગ્ર જીલ્લામાં સાત મિ.મી. વરસાદ નોંધાયો હતો. શહેર તેમજ પાદરા ખાતે વરસાદ વરસ્યો હતો. સતત બે દિવસથી વરસતા વરસાદને કારણે બફારામાં રાહત નોંધાતા મહત્તમ તાપમાન ૩૩.૪ ડીગ્રી સેન્ટીગ્રેડની સાથે લધુત્તમ તાપમાન ૨૪.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સિવાય વહેલી સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને સાંંજે ૮૬ ટકા જાેવા મળ્યું હતું. જ્યારે હવાનું દબાણ ૯૯૮ મીલીબાર્સ સાથે દક્ષિણ - પશ્ચિમ દિશા તરફથી ૧૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાયા હતા.
વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટના
પહેલાં જ વરસાદમાં સંગમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલ વૃંદાવન ટાઉનશીપની બહાર થોડા દિવસો પહેલાં બનાવવામાં આવેલ રોડ પર ભૂવો પડતા ટ્રકનું ટાયર ફસાઈ ગયું હતું. જ્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલ વાઘેેશ્વરી સોસાયટી પાસે પણ ભૂવો પડ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી અધુરી રહી જવાના કારણે તેમજ નિચાણ વાળા વિસ્તારમાં પાલીકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા પાણી ભરાઈ ગયા હતા.