ભૂજ-
ઝેડ પ્લસ સ્તરની અને સી.આર.પી.એફ. જવાનો સાથેની સુરક્ષા વ્યવસ્થા ધરાવતા દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની કચ્છની મુલાકાતને લઇને જબ્બર સલામતી વ્યવસ્થા તૈનાત કરાઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે બુધવારે મોડી સાંજે ભુજ આવી પહેંચ્યા બાદ રાત્રિરોકાણ સરકારી ઉમેદ ભુવન ખાતે કરશે, તો ધોરડો ખાતેના સંમેલન કાર્યક્રમમાં હાજરી આપવા સાથે તેઓ કચ્છ કુળદેવી માતા આશાપુરાના સ્થાનક માતાના મઢ (લખપત) ખાતે પણ માથું ટેકવશે. કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ સરહદી કચ્છ જિલ્લાની પ્રથમ મુલાકાતે આવેલા અમિતભાઇ શાહ આજે દિલ્હી વિમાની મથકેથી' હવાઇ માર્ગે ભુજ એરપોર્ટ ખાતે રાત્રે 8.30 વાગ્યે આવી પહેંચશે. ગુરુવારે સવારે દશ વાગ્યે ઉમેદ ભુવનથી નીકળી વિમાની મથકે આવી સવારે 10.45 વાગ્યે ધોરડો ખાતેના હેલિપેડ ઉપર ઊતરાણ કરશે. સવારે 11 વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમ્યાન તેઓ સીમા ક્ષેત્ર જનપ્રતિનિધિઓના સંમેલનમાં હાજરી આપશે.
બપોરે 2.45 વાગ્યે ધોરડો હેલિપેડ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટર મારફતે માતાના મઢ પહોંચશે. જ્યાં આશાપુરા માતાજીના મંદિરે તેઓ દર્શન કરશે. માતાના મઢથી પરત ભુજ એરપોર્ટ ખાતે સાંજે 5.05 વાગ્યે આવીને ત્યાંથી જ તેઓ હવાઇ માર્ગે અમદાવાદ જવા રવાના થશે. ગુરુવારે અમદાવાદમાં તેઓ રાત્રિરોકાણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીની બાવીસ કલાકની આ કચ્છ મુલાકાતને લઇને પોલીસદળ તથા સુરક્ષાને સંલગ્ન વિવિધ એજન્સીઓ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ગુરુવારે ધોરડોમાં સરહદી વિસ્તારના વિકાસ અંગે સંવાદ કરવા માટે' સંમેલનનું આયોજન કરાયું છે ત્યારે ગૃહમંત્રીને આવકારવા માટે ધોરડોમાં તૈયારીઓનો ધમધમાટ અંતિમ તબક્કે' પહોંચ્યો છે.