અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ સાથે રૂ.૩.૨૧ કરોડની ઠગાઈ કરી શાળાની મહિલા એકાઉન્ટન્ટ અને તેના પતિ સહિત અન્ય એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મહિલા એકાઉન્ટન્ટે પૂર્વ આચાર્ય ફાધર ચાર્લ્સ અરૂલદાસની ચેકમાં ખોટી સહીઓ કરી ઉચાપત કરી હતી. શાળાના આચાર્ય ઝેવિયર અમલરાજે આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો છે. સેંટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સીપાલ ફાધર ઝેવિયર અમલરાજે જયેશ સુનિલકુમાર વાસવાની (રહે, સિંધી કોલોની, શાકભાજી માર્કેટ પાછળ,સરદારનગર) અને શાળાની એકાઉન્ટન્ટ મનિષા શંકર વસાવા (રહે, દેવ-૧૮૧,સ્ટર્લિંગ સીટી,તુલીપ સ્કૂલ નજીક,બોપલ) વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ ૨૧ વર્ષથી શાળામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતી મનિષા વસાવાની તમામ જવાબદારી આવે છે. શાળાનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં ડીડક્શન ખાતું છે. જેમાં કર્મચારીઓના પીએફના નાણાં જમા કરાવવામાં આવે છે. શાળાનું ઓડિટ દર વર્ષે એમ.એ.શાહ પેઢી દ્વારા કરવામાં આવે છે. આ પેઢીના ક્લાર્ક કમલેશભાઈ ઓડિટ કરવા આવવાના હોવાથી ફાધર ઝેવિયર પાસે હિસાબો માંગવામાં આવ્યા હોવાથી તેઓએ મનિષાને તમામ હિસાબો આપી દેવા જણાવ્યું હતું. જાેકે મનિષાએ હિસાબ આપ્યા ન હતા. આ ઉપરાંત તે વગર મંજૂરીએ શાળામાં ગેરહાજર રહેતી હતી. મનિષાએ શાળાએ આવવાનું જ બંધ કરી દીધું હતું. આથી શાળાની ક્લાર્ક એડના રાઠોડ અને મોનિકાએ હિસાબો આપ્યા હતા.
ફાધર ઝેવિયરને મનિષાના વર્તન અને ગેરહાજરીના કારણે કઈક ગરબડ થયાની શંકા ગઈ હતી. આ દરમિયાન ઓડિટરે ઓડિટ કરતા ગોટાળો બહાર આવ્યો હતો. જેમાં શાળા અને તેની સંસ્થાઓના સેન્ટ્રલ બેન્કમાં આવેલ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાંથી મનિષાએ ૨૦૧૯થી ૨૦૨૦ દરમિયાન રૂ.૨,૮૪,૦૦૭૨૮ની રકમ શાળાના ડીડકશન એકાઉન્ટમાં આરટીજીએસથી અને જે તે સમયના પ્રિન્સીપાલ ફાધર ચાર્લ્સની ખોટી સહીઓ કરી ચેકથી ટ્રાન્સફર કરી હતી. ડીડકશન એકાઉન્ટની ચેક બુક મનીષા પાસે રહેતી હતી.