મુંબઇ
48મા ઇન્ટરનેશનલ એમી અવોર્ડમાં ભારતીય વેબ સિરીઝે ઝંડો લહેરાવ્યો છે. બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં 'દિલ્હી ક્રાઇમ' વિજેતા બની છે. OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પરની આ સિરીઝ 22 માર્ચ, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 7 એપિસોડની આ સિરીઝ ડિસેમ્બર, 2012માં થયેલા નિર્ભયા ગેંગ રેપ કેસના ઇન્વેસ્ટિગેશન પર આધારિત છે. આ સિરીઝમાં શેફાલી શાહ દિલ્હીના સાઉથ ડિસ્ટ્રિક્ટનાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) વર્તિકા ચતુર્વેદીના રોલમાં હતી. તેણે અવોર્ડ શોની એક ક્લિપ શેર કરી છે.
શેફાલી શાહે વીડિયો શેર કરી લખ્યું હતું, ઓહ માય ગોડ. આ અચિવમેન્ટ બદલ સૌ કોઈ તેને અભિનંદન આપી રહ્યા છે. આ સિવાય ભારતે આ અવોર્ડમાં અન્ય બે કેટેગરીમાં પણ નોમિનેશન મેળવ્યા હતા. બેસ્ટ એક્ટર કેટેગરીમાં 'મેડ ઈન હેવન' સ્ટારર અર્જુન માથુર અને બેસ્ટ કોમેડી સિરીઝ કેટેગરીમાં 'ફોર મોર શોટ્સ પ્લીઝ'ને નોમિનેશન મળ્યા હતા પરંતુ તેઓ વિનર બની શક્યા નથી.
'દિલ્હી ક્રાઇમ'ને કેનેડિયન-ઇન્ડિયન ફિલ્મમેકર રિચી મહેતાએ ડિરેક્ટ કરી હતી. અવોર્ડ જીત્યા બાદ તેમણે વર્ચ્યુઅલ સેરેમનીમાં કહ્યું કે, 'હું આ અવોર્ડ એ દરેક મહિલાને સમર્પિત કરું છું જેમણે માત્ર પુરુષોની હિંસા સહન કરી છે એટલું જ નહીં, પણ તેમ છતાં ત્યારબાદ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જવાબદારી તેમને સોંપાઈ હોય. ફાઈનલી, થાક્યાવગરની માતા અને તેની દીકરીને. એક દિવસ એવો નહીં ગયો હોય જ્યારે મેં તમારા બંને વિશે નહીં વિચાર્યું હોય અને દુનિયાએ તમારી સાથે શું કર્યું છે. ને મને આશા છે કે અમારામાંથી કોઈપણ તમને ક્યારેય નહીં ભૂલે.'
'દિલ્હી ક્રાઇમ' સિરીઝમાં શેફાલી શાહની સાથે સ્ટારકાસ્ટમાં રસિકા દુગ્ગલ, આદિલ હુસૈન અને રાજેશ તૈલંગ પણ સામેલ હતા.