આતંકવાદ સાથે સંકળાયેલા આરોપો ધરાવતા વિજેતા ઉમેદવારો લોકસભામાં શપથ લઈ શકશે?

તંત્રીલેખ | 

ભારતની લોકશાહીની ખાસિયત કહો કે ખામી ગણો તે એ છે કે અહીં ગુનાના આરોપી પણ ચુંટણી લડી શકે છે અને જીતે પણ છે. આઝાદી કાળથી અત્યાર સુધી જુદા જુદા અપરાધીઓ સંસદમાં કે વિધાનસભામાં પહોંચ્યા હોય તેવા કિસ્સાઓ ઓછા નથી. પરંતુ આ વખતે ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં બે એવા ઉમેદવારો વિજેતા બન્યા છે જે દેશવિરોધી ગતિવિધિ અને આતંકવાદના આરોપોનો સામનો કરી રહ્યાં છે અને જેલમાં બંધ હોવા છતાં ચૂંટણીમાં વિજેતા થયા છે. આતંકવાદ ફેલાવવાના આરોપમાં જેલમાં બંધ અમૃતપાલ સિંહ પંજાબથી અને એન્જિનિયર રાશિદ જમ્મુ-કાશ્મીરથી લોકસભામાં ચૂંટાયા છે.

બંને ૧૮મી લોકસભાના સભ્ય ત્યારે જ બની શકશે જ્યારે તેઓ લોકસભામાં જઈને શપથ લેશે. ભારતીય કાયદા હેઠળ, તેમને લોકસભામાં જવા પર પ્રતિબંધ છે, પરંતુ સંસદ સભ્ય તરીકે, તેમને લોકસભામાં શપથ લેવાનો અધિકાર છે. આગામી દિવસોમાં આ ચર્ચા આગળ વધશે.

જાેકે, બંનેને હજુ સુધી સજા સંભળાવવામાં આવી નથી. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી જીત્યા છે. જ્યારે એન્જિનિયર રાશિદ તરીકે ઓળખાતા શેખ અબ્દુલ રશીદ જમ્મુ-કાશ્મીરની બારામુલા બેઠક પરથી જીત્યા છે.

અમૃતપાલને કટ્ટરપંથી શીખ ઉપદેશક માનવામાં આવે છે, જ્યારે એન્જિનિયર રાશિદ પર ટેરર ફંડિંગનો આરોપ છે. કોર્ટે હજી સુધી ચુકાદો આપ્યો ન હોવાથી હજી તે આરોપી છે, ગુનેગાર નથી. ઈજનેર રાશિદને હજુ સજા થઈ નથી પરંતુ તે છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે. ટેરર ફંડિંગના આરોપમાં એન્જિનિયર રાશિદને ૯ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો. અમૃતપાલ સિંહની એપ્રિલ ૨૦૨૩માં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ હાલ આસામની ડિબ્રુગઢ જેલમાં છે. અમૃતપાલ અને એન્જિનિયર રાશિદ હાલ જેલમાં હોવાથી આ બંનેને લોકસભાના શપથ લેવા માટે સંસદમાં જવા માટે જેલ પ્રશાસનની પરવાનગી લેવી પડશે. પરંતુ શપથ લીધા બાદ તેને જેલમાં પરત આવવું પડશે.

બંધારણની કલમ ૧૦૧(૪)ની જાેગવાઈ સ્પીકરની પૂર્વ પરવાનગી વિના સંસદના બંને ગૃહોના સભ્યોની ગેરહાજરી સાથે સંબંધિત છે. શપથ લીધા બાદ બંને સાંસદો લોકસભા સ્પીકરને પત્ર લખીને ગૃહમાં હાજર ન રહેવાની તેમની મજબૂરીનો ખુલાસો કરશે. આ પછી, સ્પીકર તેમની વિનંતી ગૃહની સમિતિને મોકલશે, જે તેના પર વિચાર કરશે. સમિતિ ભલામણ કરશે કે શું સભ્યને ગૃહની કાર્યવાહીમાંથી ગેરહાજર રહેવા દેવો જાેઈએ. આ પછી સ્પીકર તેને ગૃહમાં મતદાન માટે મૂકશે. ગૃહ જે ર્નિણય આપશે તે સ્વીકારવામાં આવશે.

દેશવિરોધી ગતિવિધિ સાથે સીધી રીતે સંકળાયેલ આરોપી સંસદ સુધી પહોંચી શકે તે ભારતીય લોકતંત્રની ઉદારતા છે પરંતુ સાથોસાથ દેશના સાર્વભૌમત્વ માટે આ એક ગંભીર જાેખમ પણ છે. બીજી તરફ આ બંને વિજેતાઓ એવા પ્રદેશ અને સમુદાયમાંથી આવે છે જે પ્રદેશોમાં ભારત સંઘ વિરૂધ્ધ જનમાનસમાં પણ આક્રોશની લાગણી પ્રવર્તે છે. આ બંને ઉમેદવારોનો વિજય એ બાબત સામે પણ અંગુલિનિર્દેશ કરે છે કે આ પ્રાન્તોમાં અલગતાવાદી વિચારસરણી કેટલી વ્યાપક સ્તરે પ્રવર્તે છે. આ સમસ્યાનો ઉકેલ ઉપરછલ્લી રીતે લાવી શકાય તેમ નથી,પરંતુ જનમાનસના આક્રોશ પાછળના સામાજિક કારણોને સમજીને તેનો હલ શોધવાની આવશ્યકતા છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે માત્ર રાજકીય કે વહિવટી ઉપાયો પુરતા સિમિત ન રહેતાં સમગ્ર સમાજના તમામ વર્ગોનો સહકાર મેળવીને સામાજીક સમજણનો વિકાસ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution