સિસ્ટમ સામે સતત લડત આપનારી ખેલાડીે વિનેશ ફોગાટ રાજકારણમાં સફળતા મેળવી શકશે?

હરિયાણા વિધાનસભાની ચૂંટણી આ વખતે રસાકસીભરી બને તેવા આસાર જણાય છે. ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી ભાજપમાં થયેલો બળવો તેને ગંભીર રીતે નડી શકે તેમ છે. બીજી તરફ હાલમાં આ રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપની વિરૂધ્ધ રાજકીય માહોલ ભારે ગરમ છે, તેનો પુરો લાભ ઉઠાવવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે.

હરિયાણામાં ૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, ૪ સપ્ટેમ્બરે સમાચાર આવ્યા કે ત્રણ વખતની ઓલિમ્પિયન કુસ્તીબાજ વિનેશ ફોગટ અને ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. આ બેઠક બાદ એવી અટકળોને વેગ મળ્યો હતો કે બંને દિગ્ગજ કુસ્તીબાજાે કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

અને બજરંગ પુનિયા પણ કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનું નામ પણ હોઈ શકે છે.

સૂત્રોનું માનીએ તો વિનેશ ફોગાટ ચરખી-દાદરી વિધાનસભાથી ચૂંટણી લડી શકે છે. ખાસ વાત એ છે કે વિનેશ ફોગટની પિતરાઈ બહેન બબીતા ફોગટ ભાજપમાં અગ્રણી છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં બબીતા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ત્રીજા સ્થાને રહી હતી.

તે જ સમયે, બજરંગ પુનિયા ગોહાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ છે. જાે વિનેશ ફોગાટ રાજકારણમાં પ્રવેશ કરે છે અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનું નક્કી કરે છે તો તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વિનેશ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવે છે. માનવામાં આવે છે કે વિનેશ ફોગટ કોંગ્રેસ તરફ ઝુકાવ ધરાવે છે. જ્યારે વિનેશની પિતરાઈ બહેન બબીતા ભાજપમાંથી દાદરીથી ચૂંટણી લડી ચૂકી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ પિતરાઈઓ વચ્ચેના અણબનાવને જાણે છે. બબીતા અને તેના પતિએ ગયા વર્ષે રેસલર્સના વિરોધ દરમિયાન વિનેશને પરોક્ષ રીતે નિશાન બનાવ્યા હતા. વિનેશ ફોગાટે જાતીય સતામણીના આરોપોને લઈને બ્રિજભૂષણ સિંહ સામે વિરોધઆંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તે વખતે બબીતાએ આક્ષેપ કર્યો હતો કે આ વિરોધ કોંગ્રેસના નેતાઓના ઈશારે કરવામાં આવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, જ્યારે પેરિસ ઓલિમ્પિક દરમિયાન રાજ્યના ઘણા કુસ્તીબાજાેએ વિનેશ ફોગાટને સમર્થન આપ્યું હતું, ત્યારે આ બાબતે પિતરાઈઓએ કોઈ ટેકો આપ્યો નહતો. વિનેશ ફોગટની ચૂંટણી લડવાને કારણે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજાેની જાતીય સતામણીનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ છે તે પણ ગરમ થઈ શકે છે.

આ મુદ્દાનો લોકસભાની ચૂંટણી દરમિયાન પણ પડઘો પડ્યો હતો. હવે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તે મુખ્ય મુદ્દો બની રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં જાટ સમુદાય અને ખેડૂતોએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે, જેનો ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો છે.

રાજ્યમાં ભાજપ વિરુદ્ધ સત્તાવિરોધી લહેર માત્ર જાટ સમુદાય અને ખેડૂતો સુધી મર્યાદિત નથી, પરંતુ કુસ્તીબાજાે અને ગામના સરપંચોમાં પણ છે. તે બધા ડિજિટલાઈઝેશનના પ્રયાસોથી નાખુશ છે, ખાસ કરીને પરિવાર પહેચાન પત્ર યોજના સામે રોષ છે. વર્ષ ૨૦૨૦માં ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય લાભાર્થીઓનો ડેટાબેઝ બનાવીને સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાનો હતો. ૨૦૧૯માં તમામ ૧૦ લોકસભા બેઠકો જીતવા છતાં, ભાજપે કેન્દ્રીય કેબિનેટમાં એક પણ જાટ નેતાનો સમાવેશ કર્યો નથી. આવી સ્થિતિમાં વિનેશ ફોગાટ કોંગ્રેસ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution