સુરેન્દ્રનગર-
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો રાજ્યમાં જંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે તમામ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો સ્પષ્ટ કરી દીધા છે. મહત્વનું છે કે કોંગ્રેસે છેલ્લી ઘડીએ લીંબડીની બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી હતી. અનેક તર્કવિતર્ક વચ્ચે કોંગ્રેસે લીંબડી બેઠક પરથી ચેતન ખાચરને ટિકિટ આપી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ ક્ષત્રિય આગેવાનોને ટિકિટ આપતા કોળી સમાજના આગેવાને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, જેને લઇને રાજકારણ ગરમાયું છે.
ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ચેતન ખાચરને ટિકિટ આપી છે. ભાજપ અને કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે. જેને લઇને કોળી સમાજ નારાજ થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોળી સમાજના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાલ મકવાણાએ લીંબડી બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કોળી સમાજના આગેવાને પેટાચૂંટણીમાં ઝંપલાવતા રાજકારણ ગરમાયું છે. ગોપાલ મકવાણા કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ભત્રીજા છે. કોંગ્રેસે કોળી સમાજને ટિકિટ ન આપતા અપક્ષમાંથી ઉમેદવારી કરતા કોંગ્રેસની ચિંતા વધી છે. અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.
લીંબડી વિધાનસભા બેઠકે કોંગ્રેસ માટે અસમંજસની સ્થિતિ ઉભી કરી હતી. ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી હતી. જ્યારબાદ કોંગ્રેસ દ્વારા પ્લાન B તૈયાર કરવામાં આવ્યો હતો કે, ક્ષત્રિય ઉમેદવાર સામે કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. પરંતુ છેલ્લી ઘડીએ સમીકરણો બદલાયા છે. કોંગ્રેસે કાઠી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા લીંબડી બેઠક પર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય થશે. લીંબડીમાં ચેતન ખાચરને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું છે. હાલતો કોંગ્રેસમાં લીંબડીનું કોકડું ઉકેલાયું છે. ચેતન ખાચર કાઠી સમાજમાંથી આવે છે. કિરીટસિંહ સામે કોંગ્રેસમાંથી ચેતન ખાચર લડશે. ત્યારે હવે કોળી સમાજ અને અન્ય સમાજો પણ નારાજ થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.