૯૮ ટકા મુસ્લિમ વસતી ધરાવતા તાજિકિસ્તાનમાં હિજાબ પર પ્રતિબંધના સરકારના નિર્ણયને પ્રજા સ્વિકારશે?

તંત્રીલેખ | 

મધ્ય એશિયાઈ દેશ તાજિકિસ્તાને સત્તાવાર રીતે હિજાબ અને અન્ય ‘વિદેશી વસ્ત્રો’ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તાજિકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ મજલિસી મિલી દ્વારા ૧૯ જૂનના રોજ બિલ પસાર કરવામાં આવ્યું હતું. તાજિકિસ્તાનમાં નવા કાયદા હેઠળ, હિજાબ અથવા અન્ય પ્રતિબંધિત ધાર્મિક વસ્ત્રો પહેરનાર વ્યક્તિઓને ૭૦૦ ડોલર સુધીના ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. જે કંપનીઓ કર્મચારીઓને પ્રતિબંધિત પોશાક પહેરવાની મંજૂરી આપે છે તેમને ૩૫૦૦ ડોલરનો દંડ કરવામાં આવશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સરકારી અધિકારીઓ અને ધાર્મિક નેતાઓને ૪૮૦૦થી ૫૧૦૦ ડોલરના ભારે દંડનો સામનો કરવો પડશે. તાજિકિસ્તાને તાજેતરના વર્ષોમાં મધ્ય પૂર્વના દેશોમાંથી ઇસ્લામિક વસ્ત્રોનો પ્રવાહ જાેયો છે. જેને તાજિકિસ્તાનમાં ઉગ્રવાદ સાથે જાેડાયેલો અને તેની પોતાની સાંસ્કૃતિક ઓળખ માટે ખતરો માનવામાં આવતો હતો. પ્રમુખ ઈમોમાલી રહેમોને ૧લી માર્ચના રોજ એક ભાષણમાં હિજાબને ‘વિદેશી વસ્ત્રો’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. તાજિકિસ્તાનની સરકાર પરંપરાગત તાજિક રાષ્ટ્રીય પોશાકને વિકલ્પ તરીકે પ્રોત્સાહન આપી રહી છે.

તાજિકિસ્તાનમાં, ૨૦૦૭થી મહિલા વિદ્યાર્થીઓ માટે હિજાબ પર પ્રતિબંધ છે, બાદમાં આ પ્રતિબંધ તમામ જાહેર સંસ્થાઓમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો હવે તેને દેશમાં દરેક જગ્યાએ લાગુ કરવામાં આવ્યો છે.તાજિકિસ્તાનની સરકાર લાંબી જાડી દાઢી ધરાવતા પુરૂષોની વિરુદ્ધ છે. તે દાઢીને પ્રતીક તરીકે ઓળખે છે. છેલ્લા એક દાયકામાં, એવા અહેવાલો છે કે પોલીસ બળજબરીથી હજારો પુરુષોની લાંબી દાઢી કપાવી રહી છે.તાજિકિસ્તાનમાં માનવાધિકાર સંગઠનોએ તાજિકિસ્તાનના હિજાબ પ્રતિબંધને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન તરીકે ટીકા કરી છે. ૯૮ ટકાથી વધુ વસતી મુસ્લિમો હોવાથી, જાે કાયદો અમલમાં આવે તો તાજિક સમાજની અંદરથી જાેરદાર વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

ઐતિહાસિક રીતે તાજિકિસ્તાન ઈરાની સાંસ્કૃતિક પ્રભાવનો વિસ્તાર છે. મધ્ય એશિયાના અન્ય દેશોની જેમ, તાજિકિસ્તાન જ્યારે ૨૦મી સદીમાં સોવિયેત રિપબ્લિકનો ભાગ હતો ત્યારે તેને બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરવામાં આવ્યો હતો. તાજિક ભાષા પણ, જે પર્શિયન લિપિમાં લખાયેલી છે, તેને રશિયન ભાષા માટે ઉપયોગમાં લેવાતા સિરિલિક મૂળાક્ષરો દ્વારા બદલવામાં આવી હતી. ઈરાનમાં બુરખો કે હિજાબ માત્ર માથું ઢાંકવા પૂરતો જ સીમિત છે, આરબ દેશોની જેમ કોઈ બુરખો નથી, જેમાં સ્ત્રીની માત્ર બે આંખો જ દેખાય છે. એ જ રીતે ઈરાનમાં જાડી દાઢી કે લાંબી દાઢીનો કોઈ રિવાજ નથી. જ્યારે આરબ દેશો અને પાકિસ્તાન આનાથી અલગ છે. ઈરાનમાં, દાઢી હલકી હોય છે અને તેને ઈસ્લામિક પ્રતીક તરીકે રાખવામાં આવે છે.

વિશ્વમાં અનેક મુસ્લિમ અથવા તો મુસ્લિમ બહુલ દેશો છે. પરંતુ મોટાભાગે દરેક દેશના સામાજિક રીતરિવાજાેમાં ઘણું અંતર જાેવા મળે છે. ઈન્ડોનેશિયાનું જ ઉદાહરણ જાેઈએ તો સત્તાવાર રીતે તે મુસ્લિમ દેશ છે. પરંતુ સાંસ્કૃતિક પરંપરાઓ અને રીતરિવાજાે સનાતન ધર્મના જ જાળવી રાખ્યા છે. તેમનું કહેવું છે કે ધર્મ બદલાવાથી અમારી સંસ્કૃતિ બદલાતી નથી.

તાજિકિસ્તાનની પોતાની આગવી સદીઓ જુની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને જાળવી રાખવા માટે ત્યાંની સરકાર પ્રતિબધ્ધ છે. સોવિયેત સંઘના શાસન હેઠળ અનેક દશકાઓ ગાળ્યા હોવાથી અહીં ઉદારમતવાદી વિચારસરણીનું સારૂ એવું પ્રભુત્વ છે. જાેકે સોવિયેત સંઘના પતન પછી પરિસ્થિતિ બદલાઈ છે. મધ્ય પુર્વના દેશોના પ્રભાવ હેઠળ ઈસ્લામિક રીતરિવાજાેનો પ્રચારપ્રસાર કરવા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. આના કારણે પ્રજામાં ઘણા અંશે બદલાવ પણ જાેવા મળ્યો છે. એવા સંજાેગોમાં સરકારે હિજાબ અને અન્ય ‘વિદેશી પોષાકો’ પર પ્રતિબંધ મુકવાનો કરેલો નિર્ણય સાહસિક અને હિંમતભરેલો ગણી શકાય. દરેક દેશની પોતાની આગવી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ હોય છે. વૈવિધ્યસભર માનવસમાજમાં દરેક દેશને પોતાની સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે. તાજિકિસ્તાન સરકારે આ જ દિશામાં કદમ આગળ વધાર્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution