‘વકીલ’ને દલીલમાં હરાવી શકાય ચૂંટણીમાં નહીં એવા શિરસ્તાનું પુનરાવર્તન થશે?

વડોદરા, તા.૨૭

વડોદરાની શહેર-વાડી બેઠક વર્ષ ૨૦૧૨થી અનામત બેઠક જાહેર થઈ છે. જાે કે, આ બેઠક પર છેલ્લાં ૩૨ વર્ષથી ભાજપનો કબજાે રહ્યો છે અને વડોદરાની અન્ય બેઠકોની જેમ આ બેઠક પણ ભાજપનો ગઢ રહ્યો છે. આ વિધાનસભા મત વિસ્તારમાં જૂના શહેરી વિસ્તારમાં સંવેદનશીલ કહેવાય છે તેવા વિસ્તારો આવે છે અને સર્વાધિક સમસ્યાની રજૂઆતો પણ આ વિસ્તારમાંથી થાય છે અને પાલિકાની સામાન્યસભામાં પણ ચર્ચાતી રહે છે. જેમાં મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા, ડ્રેનેજ સમસ્યા, રોડ, ટ્રાફિક, દબાણો અને વરસાદી પાણીનો ભરાવો જેવી સમસ્યાઓ છે. જાે કે, આ બેઠક પરથી ચાર મંત્રી થયા છે જેમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારી અને ત્યાર બાદ ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપ સતત જીતતું આવ્યું છે. જેમાં નલીન ભટ્ટ, ભૂપેન્દ્ર લાખાવાલા અને આ બેઠક પરથી છેલ્લી બે ટર્મથી જીતતા ધારાસભ્ય અને આ ચૂંટણીમાં ઉમેદવાર મનીષાબેન વકીલનો સમાવેશ થાય છે. આ વિધાનસભા વિસ્તારમાં એરપોર્ટનું નવું ટર્મિનલ થયું છે. તો એરફોર્સ માટે પરિવહન વિમાનોનો પ્રોજેક્ટ પણ આ જ વિસ્તારમાં આકાર લેનાર છે. જ્યારે બીજી તરફ આ વિધાનસભા ક્ષેત્રમાં વર્ષોજૂની ડ્રેનેજની સમસ્યા, પાણીની લાઈનો, દૂષિત પાણી, રોગચાળો વગેરેની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. ઉપરાંત હાઈવેથી પ્રવેશતાં વરસાદી પાણીની સમસ્યાનું પણ હજી નિરાકરણ થયું નથી. જાે કે, મતદારોમાં છૂપોરોષ છતાં ભાજપ આ બેઠક મોટી સરસાઈથી જીતતી આવી છે. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના મનીષાબેન વકીલને ૧,૦૩,૭૦૦ અને કોંગ્રેસના જયશ્રીબેન સોલંકીને ૫૧,૮૧૧ મત મળતાં મનીષાબેન વકીલનો ૫૧,૮૮૯ મતની સરસાઈથી વિજય થયો હતો. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના મનીષાબેનવકીલને ૧,૧૬,૩૬૭ અને કોંગ્રેસના અનિલ પરમારને ૬૩,૯૮૪ મત મળતાં મનીષાબેન વકીલનો ૫૨,૩૮૩ મતની સરસાઈ વિજય થયો હતો. આ વખતે મનીષાબેન વકીલને ભાજપે ફરી ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ગુણવંત પરમારને મેદાનમાં ઉતાર્યા છે.

૩ર વર્ષથી આ બેઠક પર ભાજપનો દબદબો છે

ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ૧૯૯૦થી ભાજપનો દબદબો રહ્યો છે. અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક પર ભાજપના હાલના ઉમેદવાર બે ટર્મથી અડધો લાખ કરતાં વધુ મતની સરસાઈથી જીત્યા છે અને હાલ મંત્રી પણ છે. આ વિસ્તારમાં જાણીતો ચહેરો છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસની આગલી રાત્રે તેમનું નામ જાહેર કરતાં કોંગ્રેસના કાર્યકરોમાં કચવાટ જાેવા મળ્યો હતો. જાે કે, આ બેઠક પર મોટાભાગના કાઉન્સિલરો ભાજપના હોવાની સાથે સંગઠન પણ મજબૂત છે અને ભાજપની સરખામણીએ કોંગ્રેસનું નેટવર્ક કાચું હોય તેમ દેખાઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution