ઈરાનના રાષ્ટ્રપતિ રઇસીનું મૃત્યુ તેલ બજારમાં અસ્થિરતા લાવશે?

લેખકઃ હિમાદ્રી આચાર્ય દવે | 


ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઇસી, વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહી, પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી સહિત નવ લોકો ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં. ઈરાનની રાજધાની તેહરાનથી ૬૦૦ કિલોમીટર દૂર આવેલા અઝરબૈજાનના સરહદી શહેર જાેલ્ફા પાસે આ અકસ્માત થયો હતો.

રઇસીના મૃત્યુ પાછળ અનેક કારણો ચર્ચાઈ રહ્યાં છે. ઈઝરાયેલ આવા ષડયંત્રમાં એક્સપર્ટ છે, વિરોધી દેશના વિજ્ઞાનીઓને મારવાનું કામ તે કરી ચૂક્યું છે એ વચ્ચે, કદાચ એમાં કંઈ તથ્ય ન હોય તો પણ, આ બાબતે ઈરાની જનસમુહ ઇઝરાયેલ પર આંગળી ચીંધી રહ્યો છે. રઇસીના મૃત્યુ બાબત, ઈઝરાયલના ષડયંત્રથી માંડીને વિશ્વની મહાસતાઓનાં હાથ સુધીની વાતો ચર્ચાય છે ત્યારે એક તારણ એવું આવ્યું છે કે વેધર કંડીશન અને હ્યુમન એરરને પરીણામે આ થયું.

વાત એ પણ છે કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું એ અમેરિકન બનાવટનું હતું. ઇરાની એરફોર્સમાં વપરાતા આ હેલિકોપ્ટરોના સ્પેરપાર્ટસ અને તેનું મેઇન્ટેઇનન્સ અમેરિકા તરફથી મળતું નથી. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો છે જેના કારણે તેઓ જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તેના સ્પેરપાર્ટ્‌સ પણ અમેરિકાએ આપ્યા નહોતા, એટલે ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને કારણે આ થયું. અલબત્ત, કારણ ગમે તે હોય; રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષના સંદર્ભે ઈરાનના રાષ્ટ્રપતિનું મૃત્યુ વૈશ્વિક રાજકારણના સમીકરણોને અસર કરશે એ ચોક્કસ છે. એક બાજુ જ્યાં ગાઝા-ઇઝરાયેલ યુદ્ધ સંદર્ભે અમેરિકા-ઇરાનની મિટિંગ ઓમાનમાં મળી રહી છે, જેમાં ઈરાની તેમજ અમેરિકન નિગોશ્યેટર વચ્ચે ડિસ્કશન થવાની છે તે કદાચ ટળી શકે. બીજાે મુદ્દો એ પણ છે કે ઇરાનની અંદરની ઉગ્રવાદી તાકાતો હિઝબૂલ્લાહને ઉપસાવીને આ મુદ્દે વધુ અસ્થિરતા ઉભી કરી શકે.

આ દુર્ઘટના બાદ નિષ્ણાંતો અલગ અલગ દ્રષ્ટિકોણથી તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. નિષ્ણાંતોના મતે ઈરાનના રાષ્ટ્રપતિના મૃત્યુની અસર તેલની કિંમતથી લઈને સોના અને શેરબજાર પર જાેવા મળી શકે છે. ક્રૂડ ઓઈલ અને સોનાના ભાવ, ભારત અને વૈશ્વિક રાજકારણ પર શું અસર થઈ શકે છે એ નીચે મુજબ સમજી શકાય.

તાજેતરના વર્ષોમાં, અમેરિકાએ ઈરાન,ચીન અને રશિયાની વચ્ચે વધતી નિકટતાનો તીવ્ર વિરોધ કર્યો છે.વળી, વિશ્વના બે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં યુદ્ધ ચાલુ છે. અમેરિકા અને પશ્ચિમી દેશો આ બંને ક્ષેત્રોમાં ઈરાનની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા છે. જ્યાં, ઈરાન પર યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને ડ્રોન પૂરા પાડવાનો આરોપ છે, તો આ તરફ, ઈઝરાયેલ સાથેનો તેનો તણાવ પણ જાણીતો છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈરાન હમાસના ખુલ્લું સમર્થક રહ્યું છે. આ સંજાેગોમાં ઈરાનમાં નેતૃત્વ પરિવર્તનની અસર વિશ્વ પર પડી શકે છે. વૈશ્વિક રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે.

મુખ્ય તેલ ઉત્પાદક તરીકે ઈરાનની ભૂમિકાને જાેતાં, ઈરાનના તેલ ઉત્પાદનમાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક તેલ પુરવઠા અને કિંમતોને અસર કરી શકે છે. આમ હોવા છતાં, નિષ્ણાંતો માને છે કે હાલની સપ્લાય ક્ષમતાઓને કારણે તેલ બજાર સ્થિર રહી શકે છે. રાષ્ટ્રપતિના મૃત્યુ પછી ઈરાનની રાજકીય અનિશ્ચિતતા તેલ બજારોમાં અસ્થિરતાનું કારણ બની શકે છે કારણ કે રોકાણકારો સાવચેતીપૂર્વક ઈરાનના તેલ ઉત્પાદન અને નિકાસ પર સંભવિત અસરનું મૂલ્યાંકન કરશે. રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સોમવારે એશિયાઈ વેપારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. નિષ્ણાતોના મતે, અસ્થિરતા હોવા છતાં, તેલબજાર મોટાભાગે એક શ્રેણીની અંદર વેપાર કરતું દેખાય છે. ગયા અઠવાડિયે ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ૮૩ થી ૮૪ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું જાેવા મળ્યું હતું. જે ઘટીને આજે બેરલ દીઠ ૮૧.૫૮ ડોલર છે.જાે કે ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને તેના સહયોગી દેશોની બેઠક ૧ જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં શું ર્નિણય લેવામાં આવે છે તે જાેવું મહત્વપૂર્ણ રહેશે. સોનું હંમેશા સુરક્ષિત રોકાણ તરીકે મહત્વ ધરાવે છે. સોનાની માંગ વધવાને કારણે કિંમતો વધી શકે છે. ઈરાનના રાષ્ટ્રપતિના નિધન બાદ સોનું ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ૧.૧ ટકા વધીને ૨૪૪૦.૫૯ ડોલર પ્રતિ ઔંસ થયો છે અને હજુ ઈરાનમાં સ્થિરતા આવે ત્યાં સુધી સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. અલબત્ત, એક અહેવાલ મુજબ ગયા સપ્તાહે ફુગાવાના આંકડા જાહેર થયા બાદ યુએસ ફેડરલ રિઝર્વ આ વર્ષમાં બે વખત વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે એવા સમાચાર પણ સોનાના ભાવમાં તેજી માટે જવાબદાર છે.

ઈરાનના રાષ્ટ્રપતિના નિધન બાદ ઈરાનની રાજનીતિમાં અસ્થિરતા અને આર્થિક નીતિઓને લઈને મૂંઝવણની અસર શેરબજાર પર પડી શકે છે. રઇસીના મોતની અસર ઈરાનના અન્ય દેશો સાથેના સંબંધો પર પણ જાેવા મળી શકે છે.

ભારત-ઇરાનની વાત કરીએ તો, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામા ઘણાં પગલાં ઉઠાવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન નવી દિલ્હીનો તેહરાન સાથેનો વ્યવસાયિક નાતો પણ વધ્યો, બંને દેશોએ ખૂબ જ સારો વેપાર કર્યો. બહુ ઓછા લોકો જાણે છે કે ઈરાન માત્ર ભારતને ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું નથી પણ અન્ય માલની આયાત કરે છે. ઈરાનમાં સર્જાયેલી આ કટોકટીને કારણે ચિંતા છે કે શું આનાથી ભારત અને ઈરાનના વેપાર પર અસર થશે?

આંકડામાં વાત કરીએ તો, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, ભારત-ઈરાનનો વેપાર ૧૩.૧૩ બિલિયન ડોલરનો હતો, જેમાં ૮.૯૫ બિલિયન ડોલરની ભારતીય આયાતનો સમાવેશ થાય છે અને જેમાંથી ૪ બિલિયન ડોલરથી વધુ મૂલ્યના ક્રૂડ તેલની આયાત કરવામાં આવી હતી. જાે કે, વર્ષ ૨૦૧૯-૨૦માં ઈરાન સાથે ભારતના વેપારમાં તીવ્ર ઘટાડો જાેવા મળ્યો હતો. ખાસ કરીને ૨૦૧૮-૧૯માં ક્રૂડ ઓઈલની આયાત ૧૩.૫૩અબજ ડોલરની સરખામણીમાં ઘટીને માત્ર ૧.૪ અબજ ડોલર રહી હતી. ક્રૂડ ઓઈલ ઉપરાંત ભારત ઈરાન પાસેથી ડ્રાય ફ્રુટ્‌સ, કેમિકલ અને કાચના વાસણો ખરીદે છે. સામા પક્ષે ભારતથી ઈરાનમાં નિકાસ કરવામાં આવતા મુખ્ય માલમાં બાસમતી ચોખાનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫થી ઈરાન ભારતીય બાસમતી ચોખાનો બીજાે સૌથી મોટો આયાતકાર છે અને તેણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૯૮,૯૭૯ મેટ્રિક ટન ભારતીય ચોખાની ખરીદી કરી હતી. બાસમતી ચોખા ઉપરાંત ભારત ઈરાનમાં ચા, કોફી અને ખાંડની નિકાસ પણ કરે છે.

તમને જણાવી દઈએ કે ઈબ્રાહિમ રઇસી જૂન ૨૦૨૧માં હસન રુહાનીના સ્થાને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ઉપર જણાવ્યું એ મુજબ, ભારત સાથે રઇસીની મિત્રતા સારી હતી. બંને નેતાઓ ગયા વર્ષે મળ્યા હતા. તાજેતરમાં ઈરાને ચાબહાર પોર્ટ માટે ભારત સાથે દસ વર્ષનો કરાર કર્યો હતો. આ ડીલ બાદ ભારતને આગામી ૧૦ વર્ષ માટે ચાબહાર ચલાવવાનો અધિકાર મળ્યો. અમેરિકાની નારાજગી છતાં ભારતે ઈરાન સાથે ડીલ ચાલુ રાખી. ભારત માટે ચાબહાર પોર્ટના સંચાલન જે મધ્ય એશિયા સાથે વેપાર વધારવા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પહેલ છે.

૨૦૦૩માં પ્રથમ વખત ભારત દ્વારા ઈરાનને આ સંબંધમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ શંકાસ્પદ પરમાણુ ગતિવિધિઓને કારણે ઈરાન પર અમેરિકી પ્રતિબંધોને કારણે આ કરાર લાંબા સમય સુધી અવરોધાયો હતો. કરાર થતાં જ, અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે ઈરાન સાથેના આ કરારની ટીકા કરી હતી. જાે કે, જવાબમાં, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બંદરના પ્રાદેશિક લાભો પર ભાર મૂક્યો હતો. તેમણે અમેરિકાને આ મામલે વ્યાપક અભિગમ અપનાવવા કહ્યું. તેમણે કહ્યું કે અમેરિકાએ ભૂતકાળમાં પણ ચાબહારના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને તેની પ્રશંસા કરી હતી.

હવે અમેરિકાના આ વલણ વચ્ચે સૈયદ ઇબ્રાહિમ રઈસીના અકાળે અવસાનથી ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર અસર થવાની સંભાવના છે. ભારતે તાજેતરમાં જ આ બંદરના સંચાલન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.આ સિવાય પેટ્રોલિયમ ઉત્પાદનોના મામલે ભારત ઈરાનનું મોટું ખરીદદાર રહ્યું છે. જાે ઈરાનના રાષ્ટ્રપતિના અવસાનથી ક્રૂડ ઓઈલની કિંમતો અને સપ્લાય પર અસર પડશે તો સ્વાભાવિક છે કે ભારતને પણ અસર થશે. રઇસી બાદ બંને દેશોના સંબંધો કઈ દિશામાં જશે તે જાેવું રહ્યું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution