રાહુલ ગાંધીએ શીખો વિશે અમેરિકામાં કરેલું નિવેદન ખાલિસ્તાની ચળવળને આડકતરી રીતે ઉત્તેજન આપશે?

તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયેલા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ભારતમાં શીખો સાથે ભેદભાવ થતો હોવાની કરેલી ટિપ્પણીએ વિવાદનો મધપુડો છંછેડ્યો છે. અને આ નિવેદનને ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુનું સમર્થન મળતા શીખ સમાજમાં અલગાવવાદી વિચારસરણીને ઉત્તેજન આપવા માટે રાહુલ ગાંધીનું નિવેદન બળતામાં ઘી હોમવા જેવું સાબિત થઈ શકે તેવા લક્ષણો ધરાવે છે.

વાસ્તવમાં રાહુલ ગાંધીએ ક્યા આધાર પર નિવેદન કર્યુ છે તે જાણી શકાયુ નથી. પરંતુ દેશમાં શીખ સમાજને મળતા માન સન્માનને જાેતાં આ નિવેદન વાસ્તવિકતાથી વિપરિત હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.

યુ.એસ.ની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન, સોમવારે સાંજે ભારતીય ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વર્જિનિયામાં ડાયસ્પોરા સાથે વાત કરતા, રાહુલ ગાંધીએ પ્રેક્ષકોના એક શીખ સભ્ય તરફ નજર કરીને તેમનું નામ પૂછ્યું અને પછી કહ્યું, “લડાઈ એ છે કે શું એક શીખ તરીકે, તેમને ભારતમાં પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે? અથવા તેને એક શીખ તરીકે ભારતમાં કડુ પહેરવાની મંજૂરી આપવામાં આવશે? કે પછી તેને એક શીખ તરીકે ગુરુદ્વારામાં જવાની મંજૂરી છે?”

સ્પષ્ટ રીતે આને શીખોને ગેરમાર્ગે દોરી જુઠ્ઠાણાના આધારે અસંતોષ ઉભો કરવાના પ્રયાસ તરીકે જાેઈ શકાય તેમ છે. જાેકે કદાચ રાહુલ ગાંધીનો આશય એવો ન પણ હોઈ શકે. પરંતુ આ નિવેદનનો ઉપયોગ કરીને અલગતાવાદી તત્વો ભારતવિરોધી વાતાવરણ ઉભુ કરવાની કોશીશ જરૂર કરી શકે છે. તેનું પ્રમાણ ખાલિસ્તાની અલગતાવાદી નેતા પન્નુને આ નિવેદનને આપેલું સમર્થન છે.

શીખ્સ ફોર જસ્ટિસના સહ-સ્થાપક ગુરપતવંતસિંહ પન્નુને કહ્યુ છે કે “ભારતમાં શીખોના અસ્તિત્વના ખતરા પર રાહુલનું નિવેદન હિંમતભર્યું છે. આ નિવેદનને ૧૯૪૭થી ભારતમાં એક પછી એક આવેલી સરકારોના શાસન હેઠળ શીખો જે ભેદભાવનો સામનો કરી રહ્યા છે તેના વાસ્તવિક ઇતિહાસનો આધાર છે અને એસ.એફ.જે.ના શીખ વતન ખાલિસ્તાન સ્થાપિત કરવા માટે લોકમતના વલણને ટેકો આપે છે.”

ભારત સરકાર અને શાસક પક્ષ ભાજપે રાહુલ ગાંધીના આ નિવેદનની આકરી ટીકા કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રાહુલ ગાંધીની ટિપ્પણીની નિંદા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ભાષા ખાલિસ્તાની અલગતાવાદી પન્નુનના સ્વર સાથે મેળ ખાય છે, જે આતંકવાદના આરોપમાં ભારતમાં વોન્ટેડ છે. વિદેશમાં દેશ વિરુદ્ધ બોલવાથી પન્નુન જેવા લોકોને વેગ મળે છે. હકિકતમાં ભારતમાં કોઈપણ શીખ નાખુશ નથી અને આંતરિક મામલાઓને આંતરિક રીતે ઉકેલવામાં આવી રહ્યા છે.”

પુરીએ રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકાર હેઠળ થયેલા ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, “જાે આપણા ઈતિહાસમાં એક સમય એવો આવ્યો હોય કે જ્યારે એક સમુદાય તરીકે, શીખોએ અસુરક્ષાની લાગણી અને અસ્તિત્વ પર ખતરો અનુભવ્યો હોય તો તે સમય છે જ્યારે રાહુલ ગાંધીનો પરિવાર સત્તાની સીટ પર હતો. ૧૯૮૪માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે શીખ સમુદાય વિરુદ્ધ હુલ્લડો કરવામાં આવ્યા હતા.”

ભાજપના પ્રત્યાઘાત પ્રત્યે રાજકીય પ્રત્યાઘાત હોવાનું માની દુર્લક્ષ સેવીએ તો પણ દેશમાં વર્તમાન સામાજિક વાતાવરણને જાેતાં રાહુલ ગાંધીનું નિવેદન વાસ્તવિકતાથી વિપરિત છે. સમગ્ર ભારતમાં એક પણ સ્થાન એવું નથી જ્યાં શીખોને પાઘડી કે કડુ પહેરવાથી રોકવામાં આવ્યા હોય કે તેમને ગુરુદ્વારામાં જતા અટકાવવામાં આવ્યા હોય. તેનાથી વિપરિત ભારતીય સમાજ, પછી તે કોઈ પણ રાજ્યમાં હોય તે શીખ ધર્મના ગુરુઓએ દેશ માટે અને ધર્મ માટે આપેલા બલિદાનોના ઈતિહાસને ગૌરવપુર્વક યાદ કરતો રહે છે. અને આ કારણે શીખો પ્રત્યે એક વિશિષ્ટ માનની લાગણી ધરાવે છે. આમ રાહુલ ગાંધીનું નિવેદન આધારહિન છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution