અમદાવાદ-
ગુજરાતમાં કોરોના સંક્રમણને ડામવા માટે રાજય સરકાર દ્વારા જે મીની લોકડાઉન જેવા નિયંત્રણો લાદયા છે તે આગામી તા. 1ર સુધી લંબાવવાશે તેવા સંકેત છે. સરકાર દ્વારા આ અંગે આજે સતાવાર નિર્ણયની જાહેરાત થઇ શકે છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના કેસમાં મામુલી ઘટાડો થયો છે. કોરોનાના દર્દીઓ માટેની બેડ સહીતની વ્યવસ્થા વધારી છે તે જોતા હાલ રાજયમાં હવે હોસ્પિટલો માટે લાંબી લાઇન જોવા મળતી નથી. ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં અગાઉ જે 108ની લાંબી લાઇન હતી તે છેલ્લા બે દિવસથી અદૃશ્ય થઇ ગઇ છે.
ગુજરાતમાં રીકવરી રેટ પણ વધ્યો છે પરંતુ રાજય સરકાર હાલ કોઇ ગફલતમાં રહેવા માંગતી નથી અને વર્તમાન નિયંત્રણો જે લાગુ છે તે યથાવત રાખીને પણ સરકાર કફર્યુના સમયમાં હજી પણ થોડો વધારો કરી શકે છે. અથવા તો રાત્રીના 8 થી સવારના 6 સુધીનો કફર્યુ છે તે ચાલુ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અધ્યક્ષ પદે આજ કોર કમીટીની મીટીંગ મળનાર છે અને તેમાં આ નિયંત્રણો લંબાવાશે. હાલ આવશ્યક સેવાઓ સિવાય અન્ય કોઇ વ્યાપારને મંજુરી નથી અને દુકાનો પણ ખોલવા દેવામાં આવતી નથી. જોકે ઉધોગ યથાવત રીતે ચાલુ છે અને તેમાં કોઇ પ્રતિબંધાત્મક આદેશો આવશે નહીં.