અમદાવાદ-
આગામી જુલાઈ માસ સુધીમાં ગુજરાત સરકાર પોતાના મંત્રીમંડળનુ વિસ્તરણ કરશે. આ ઉપરાંત અમુક ધારાસભ્યો અને સંગઠનમાંથી પડતા મુકાયેલા કેટલાક સિનિયર નેતાઓને બોર્ડ અને કોર્પોરેશનમાં નિયુક્તિઓ પણ મળી શકે છે. આવતા મંગળવારે મુખ્યમંત્રીએ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ગુજરાત સરકાર અને ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર એમાં આનો સંકેત મળી જશે. ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ગતિવિધિ તેજ થઈ રહી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ સાથે મંત્રીમંડળ પૂર્ણ કદનું બનશે, જેમાં 27 જેટલા સભ્યો હોઈ શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પોતાના સંસદીય સચિવોની પણ નિમણૂૂક કરશે. હાલ સરકારમાં રહેલા ત્રણથી ચાર મંત્રીને પડતા મુકાશે, જ્યારે નવા સાતથી નવ ધારાસભ્યોને મંત્રી બનાવાઇ શકે છે. હાલના મંત્રીઓના પોર્ટફોલિયો બદલાઇ જશે. દરમિયાન મંત્રીઓ વિભાગની પેન્ડિંગ ફાઇલો ઝડપથી ક્લિયર કરવા લાગ્યા છે, જેના પરથી તેના વિભાગો બદલાવવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.