૨૦૨૪ના ટી-૨૦ ક્રિકેટના વિશ્વકપની જીત સાથે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે વિદાય લીધી. તેનું સ્થાન લીધું ગૌતમ ગંભીરે. રાહુલ એક સામાન્ય નાગરિક સમાન હતો જ્યારે ગૌતમ એક નિવડેલો રાજકારણી છે અને એ બંનેના કાર્યકાળ વચ્ચેનો ફરક આ વાસ્તવિકતા પરથી જ નક્કી થશે. આ ફરક કેવો હશે તે આપણે આજના લેખમાં જાેઈશું અને તે માટે ગૌતમ ગંભીરની કુંડળીનો અભ્યાસ કરીશું. અહીં તેની કુંડળી આપી છે.
ધન લગ્નની કુંડળીના બીજા સ્થાનમાં મકરનો કેતુ, પાંચમે મેષનો ચંદ્ર, આઠમે કર્કનો રાહુ, નવમે સિંહનો મંગળ, દસમે કન્યાના સૂર્ય-ગુરૂ-શનિ, અગિયારમે તુલાનો બુધ અને બારમે વૃશ્ચિકનો મંગળ છે. કુંડળી એક તરફ અર્ધકાલસર્પયોગથી ગ્રસિત છે તો બીજી તરફ તે સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ વચ્ચેનો બળવાન પરિવર્તનયોગ ધરાવે છે.
ગંભીરના કર્મસ્થાનમાં રહેલા સૂર્ય, ગુરુ અને શનિ, આ ત્રણેય રાજકારણના ગ્રહો છે જે તેને રાજકારણમાં લઈ આવ્યા છે. સામાન્ય રીતે સૂર્યથી શુક્ર ત્રીજે હોય તેવું બહુ ઓછું જાેવા મળે છે. ગંભીરની કુંડળીમાં સૂર્યથી શુક્ર ત્રીજે છે. આઠમે રહેલા રાહુથી બારમે રહેલા શુક્ર સહિત સાત ગ્રહો એક કતારમાં છે જે સપ્તમાલિકા યોગ કરે છે. આ યોગ ઘણો શુભ છે. ભાગ્યસ્થાને રહેલો મંગળ સૂર્યની સાથે પરિવર્તનયોગનું બળ ધરાવે છે જે ભાગ્ય અને કર્મ, આ બંનેને વિશેષ બળ આપે છે. ચંદ્ર-મંગળ વચ્ચેનો નવમ-પંચમયોગ પણ શુભ છે. એકંદરે કુંડળી બળવાન છે પરંતુ કુંડળીમાં અર્ધકાલસર્પયોગ બને છે. ઉપરાંત ચંદ્ર અને રાહુ વચ્ચે અશુભ કેન્દ્રયોગ બને છે. આ બંને બાબતોએ ગંભીરના અત્યાર સુધીના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને હવે કોચ તરીકેના તેના કાર્યકાળમાં પણ તે મહત્ત્વની ભૂમિકા ભજવશે.
પૂર્ણ કાલસર્પ અથવા અર્ધકાલસર્પ યોગ માનવને યશ કરતાં અપયશ વધારે આપે છે. એક ક્રિકેટર તરીકે ગંભીરના કાર્યકાળમાં ઘણી વાર જાેવા મળ્યું છે કે તેને યોગ્ય યશ નથી મળ્યો. ઉપરાંત અગ્નિ તત્ત્વની સિંહ રાશિમાં રહેલા અગ્નિ તત્ત્વના મંગળે ગંભીરને ક્રોધી, જિદ્દી તથા ડંખીલો બનાવ્યો છે. તે પોતાને લાગેલા ઘાને કદી ભૂલતો નથી. વળી સાચું બોલવાના નામે તે ક્યારેક યોગ્ય કરતાં અયોગ્ય વધારે બોલી દે છે. બીજું કે તેના મનમાં જાે કોઈના પ્રત્યે ગ્રંથિ બંધાઈ જાય તો તે ક્યારેય સામેવાળી વ્યક્તિની તમા રાખતો નથી. આ દરેક બાબતે તેને હંમેશાં વિવાદાસ્પદ બનાવ્યો છે. એક ક્રિકેટર તરીકે તેણે રમતના મેદાન પર ઘણા વિવાદો ઊભા કર્યા છે તો એક વક્તા તરીકે તેણે ઘણાં બધાં સાચાં-ખોટાં નિવેદનો દ્વારા બિનજરૂરી વિવાદો ઊભા કર્યા છે.
હવે એ જાેઈએ કે એક કોચ તરીકે તેનો કાર્યકાળ કેવો રહેશે? ગંભીરનો જન્મ કેતુની મહાદશામાં થયો છે. કેતુનો જન્મ માનવને ડંખીલા તથા વેરીલા સ્વભાવનો બનાવે છે. પોતાને ના ગમતી વસ્તુ કે વ્યક્તિ તરફનો અણગમો તે તરત છતો કરી દે છે. રાહુ-કેતુથી બનતો અર્ધકાલસર્પયોગ આમાં વધારો કરી આપે છે. ઉપરાંત રાહુ અને ચંદ્રનો કેન્દ્રયોગ પણ અશુભ છે. એ પણ જુઓ કે ચંદ્રકુંડળીમાં ચંદ્ર, રાહુ અને કેતુ સિવાયના તમામ ગ્રહો કુંડળીનાં અસ્તનાં સ્થાનોમાં આવી જાય છે. આ તમામ ગ્રહયોગો દર્શાવે છે કે ગંભીરનો જ્યારે પણ ઉદય થાય છે ત્યારે અચાનક થાય છે અને આકસ્મિક રીતે થાય છે. આ તથ્યનો બીજાે છેડો એ છે કે તે જ્યારે પણ જે કાંઈ કરે છે તેમાં વિનય-વિવેક કરતાં તેના અંગત ગમા-અણગમા તેમજ પૂર્વગ્રંથિઓ વધારે કામ કરતી હોય છે. આ બાબત તેને વિવાદોમાં ઘસડી જાય છે. એક કોચ તરીકેના તેના કાર્યકાળમાં આમ જ બનવાનું છે. તે ભારતીય ટીમના કોચ કરતાં પોતાની અંગત ટીમના કોચ તરીકે કામ કરતો હોય તેમ વધારે દેખાશે. તે ટીમના કોચ કરતાં ટીમના માલિક તરીકે વર્તન કરતો દેખાશે. તે કોઈ પણ મેચ માટે ખેલાડીઓને પણ એ રીતે પસંદ કરશે જાણે પોતની અંગત ટીમ માટે ખેલાડીઓને પસંદ કરતો હોય. સિનિયર ખેલાડીઓ સાથેનું તેનું વર્તન તોછડું રહેશે.
ક્રિકેટપ્રેમીઓને કદાચ યાદ હશે કે ક્યારેક ગ્રેગ ચેપલ ભારતનો કોચ હતો. એક કોચ તરીકે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ભારતીય ક્રિકેટને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. સૌરવ ગાંગુલી જેવા કેપ્ટનની કારકિર્દી તેણે બગાડી નાખી હતી. ગંભીરના કાર્યકાળમાં પણ આવું થઇ શકે છે. જાે કે ભારતીય ક્રિકેટ બોર્ડ આવી સ્થિતિનું પૂર્ણ અવલોકન કરીને યોગ્ય પગલાં લેશે અને ગંભીરને મનમાની કરતાં રોકશે. બીજી તરફ સૂર્યકુમાર એક એવો ક્રિકેટર સાબિત થશે જે ગૌતમ ગંભીર માટે પડકારરૂપ બનશે. તે ભારતીય ટીમ વિષે વધારે વિચારશે અને પોતાના ખેલમાં અથવા પોતાની ટીમમાં ગંભીરની મનમાની તો નહીં જ થવા દે.