પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે શિસ્તનો કોરડો વિંઝાશે?

ગાંધીનગર લોકસભાની ચૂંટણી પૂર્વે, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં રહેલો આંતરિક વિખવાદ પૂરજાેશમાં બહાર આવી રહ્યો છે. જેને લઈને લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા સામે શિસ્તનો દંડો ઉગામવામાં આવે તેવી સંભાવના છે. જેના કારણે પક્ષના મોવડી મંડળ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે મોટા પાયે કાર્યવાહી કરી પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે. રાજયમાં લોકસભાની ચૂંટણી દરમિયાન વિવિધ બેઠકો પર ભાજપના સંગઠનમાં રહેલો આંતરિક વિખવાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખૂલીને સામે આવી રહ્યા છે. જેમાં લોકસભાની ચૂંટણી બાદ તુરંત યોજાયેલી સહકારી ક્ષેત્રની દેશની અગ્રગણ્ય સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભાજપના સહકારી ક્ષેત્રનો વિખવાદ સરા જાહેર બહાર આવ્યો છે. સહકારી ક્ષેત્રના વિવાદ પછી લોકસભાની ચૂંટણી દરમિયાન ૨૬ બેઠકો પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પક્ષના તમામ તત્વો સામે કડક અને આકરાં પગલાં લેવામાં આવે તેવા આસાર જાેવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને રાજકોટ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, જામનગર, ભાવનગર, વડોદરાના કાર્યકરો દ્વારા કરાયેલી પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને મોટા પાયે કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપને એક શિસ્તબદ્ધ પક્ષ કે પાર્ટી તરીકે ગણવામાં આવે છે. પરંતુ લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે શિસ્તભંગની પ્રવૃતિ મામલે પક્ષના મોવડી મંડળ દ્વારા કડક કાર્યવાહી કરીને સખત પગલાં લેવામાં આવે તે બાબત નકકી મનાય છે. ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાય તે પૂર્વે ભાજપમાં ભરતી મેળાના કારણે સિનિયર કાર્યકરોની અવગણના સામે લાંબા સમયથી આક્રોશની લાગણી ફેલાયેલી હતી. પરંતુ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને ભાજપના જ કદાવર નેતાઓએ હરાવી દેતા ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જે અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ભાજપના અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ બળાપો કાઢી આડકતરી રીતે એવો જવાબ આપ્યો છે. જાે કે, કાછડિયાએ પોતાની ટિકિટ કાપીને પક્ષે ભરત સુતરિયાને ટિકિટ આપી છે તે અંગે પણ પ્રહાર કર્યા હતા. કાછડિયાએ ગુજરાતીમાં થેન્ક્યુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારોને ટિકિટ આપીને કાર્યકરો સામે દ્રોહ કરાયો હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. આ દરમિયાનમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને આવેલા અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. ત્યારે પોતાની હાર ભાળી ગયેલા લાડાણીએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને પત્ર લખીને કોંગ્રેસમાંથી આવેલા અને કેબિનેટ મંત્રી બની ચૂકેલા જવાહર ચાવડા પુત્ર રાજ ચાવડા અને જવાહર ચાવડાના પત્ની સામે હરાવવા માટેના પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જવાહર ચાવડાના પત્ની અને પુત્રની સાથોસાથ માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને સસરા તેમજ માણાવદર શહેર ભાજપના મહામંત્રી પણ તેમાં સામેલ હોવાની આક્ષેપ કર્યો છે. જામનગરના સાંસદ અને વર્તમાન ઉમેદવાર પૂનમ માડમ સામે પણ વિધાનસભાની ચૂંટણીમાં જામજાેધપુરની બેઠક પર આહીર નેતા હેમંત ખવાને જિતાડવા માટેના પ્રયાસો કર્યા હોવાની વિગતો પણ પક્ષના મોવડીઓ સુધી પહોંચી છે. તો જામજાેધપુરના કડવા પાટીદાર નેતા અને પૂર્વ મંત્રી ચીમન સાપરિયાએ લોકસભાની ચૂંટણીમાં પાટીદાર વિરુદ્ધ આહિર સમાજના સમીકરણને અનુલક્ષીને કોંગ્રેસનાં ઉમેદવાર જે. વી. મારવિયાને જિતાડવા માટેના પ્રયાસો કરાયા હોવાની રજૂઆતો પક્ષના મોવડી મંડળ સુધી પહોંચાડવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં આણંદના સાંસદ અને વર્તમાન ઉમેદવાર મિતેશ પટેલના સ્વભાવના કારણે આણંદના સ્થાનિક નેતાઓ નારાજ હતા. જેથી ક્ષત્રિય ઠાકોર સમાજના નેતાઓએ એકજૂથ થઈ ને કોંગ્રેસનાં ઉમેદવાર અમિત ચાવડાની પડખે રહ્યા હોવાથી આણંદ, પેટલાદ, સોજીત્રા ક્ષેત્રમાં મતદાન નીચું થવાથી ભાજપ માટે આ બેઠક પડકારરૂપ બની ગઈ છે. જ્યારે સાબરકાંઠામાં ભિખાજી ઠાકોરને બદલીને ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારિયાના પત્ની શોભના બારિયાને ટિકિટ આપી છે. જેના કારણે ભિખાજીના સમર્થકો દ્વારા પક્ષ વિરોધી ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. તો બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા રેખા ચૌધરીને બદલે અન્યને ટિકિટ આપવા માંગણી કરાઇ હતી. પરંતુ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ચૌધરી સમાજને કારણે અને બનાસ ડેરીના અગ્રણી એવા ગલબાભાઈ ચૌધરીની પુત્રી તરીકે રેખા ચૌધરીને સીધું સમર્થન કરાયું હતું. જેથી બનાસકાંઠામાં ભાજપના અન્ય નેતાઓએ તેમને પછાડવાના તમામ પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત વડોદરામાં પણ પક્ષમાં ભારે જૂથવાદ ચાલતો હોવાથી કાર્યકર્તાઓ નિષ્ક્રિય બન્યા હોવાની ફરિયાદ પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને સંઘના નેતા બી. એલ. સંતોષ વડોદરા આવ્યા ત્યારે કરાઇ હતી. આમ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ લોકસભાની ચૂંટણી પૂર્વે, દરમિયાન અને બાદમાં સામે આવ્યો છે. જેના કારણે અનેક સ્થળો લોક સંપર્ક દરમિયાન ભાજપના નેતાઓ આંતરિક જૂથવાદ અને હરીફાઈનો ભોગ પણ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ ભાજપના મોવડી મંડળ દ્વારા કેટલાક આગેવાનો, કાર્યકરો સામે શિસ્ત ભંગનો દંડો ઉગામવામાં આવે તેવા અણસાર જાેવા મળી રહ્યા છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution