શું નચ બલિયે 10માં ભાગ લેશે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ?

મુંબઇ

સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો નચ બલિયે નવી સીઝન સાથે ટીવી સ્ક્રીન પર આવવાની તૈયારીમાં છે. શો તેની 10મી સીઝન સાથે આ વર્ષના જૂન મહિનામાં કમબેક કરશે. સેલેબ્સને કોલ કરીને ભાગ લેવા માટે પૂછવામાં આવી રહ્યું છે. એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ પ્રમાણે, શોમાં ભાગ લેવા માટે આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. ફેમસ એક્ટર, સિંગર અને હોસ્ટ આદિત્યએ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જો બધું ઠીક રહ્યું તો તેઓ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતાં જોવા મળી શકે છે. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ વાતની હજુ સુધી પુષ્ટિ કરી નથી.

નચ બલિયે 10ની વાત કરીએ તો, મેકર્સ 2020ના ઓગસ્ટમાં જ નચ બલિયેની નવી સીઝન લઈને આવવાના મૂડમાં હતા. કરણ જોહરનું પ્રોડક્શન હાઉસ તેને પ્રોડ્યૂસ કરવાનું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે તેમ થઈ શક્યું નહીં. તેથી, તેને હવે જૂન મહિનામાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પહેલા નવમી સીઝન સલમાન ખાનના પ્રોડક્શન હાઉસે પ્રોડ્યૂસ કરી હતી. જેમાં પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરી તેના વિનર રહ્યા હતા.

આદિત્ય અને શ્વેતાની વાત કરીએ તો, બંનેની પહેલી મુલાકાત તેમની ડેબ્યૂ ફિલ્મ 'શાપિત'ના સેટ પર થઈ હતી. જે બાદ બંને પ્રેમમાં પડ્યા હતા અને 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મહામારીને ધ્યાનમાં રાખીને આદિત્ય-શ્વેતાના લગ્ન મંદિરમાં કરવામાં આવ્યા હતા. બીજી ડિસેમ્બરે તેમણે ખાસ મિત્રો અને સંબંધીઓ માટે ફાઈવ સ્ટાર હોટેલમાં રિસેપ્શન યોજ્યું હતું.

લગ્ન બાદ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં, આદિત્યએ કહ્યું હતું કે, 'તે અતિવાસ્તવ અનુભવ છે કે, હું અને શ્વેતા આખરે પરણી ગયા છીએ. આ સપના જેવું લાગી રહ્યું છે. જે સાચું થઈ ગયું છે. શ્વેતા સાથે લગ્ન કરીને હું ખૂબ જ ખુશ છું. શ્વેતા સિવાય હું મારું જીવન બાકી કોઈની સાથે પસાર કરવાનું વિચારી પણ ન શકું. તેણે મને મારી જાતને સારી બનાવવામાં મદદ કરી છે. શ્વેતા એવી વ્યક્તિ છે, જેની સામે હું જેવો છું એવો રહી શકું છું'.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution