વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે મુક્ત થયા, પરંતુ સંપૂર્ણપણે ખતરામુક્ત નથી

તંત્રીલેખ | 

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને યુનાઇટેડ કિંગડમની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અસાંજે જાસૂસી કાયદાના ઉલ્લંઘનના આરોપમાં યુએસએમાં ટ્રાયલનો સામનો કરવા માટે સંમત થયાં છે. આ કરાર હેઠળ તેમને આઝાદી મળી હતી. પણ તેમની સામેનો ખતરો સંપુર્ણપણે હજી ટળ્યો નથી. કારણ કે ટ્રાયલ પુરી થયાં બાદ જાે સજા થાય તો તેનો સામનો કરવા તેમણે તૈયાર રહેવું પડશે. ઉત્તરી મારિયાના ટાપુઓ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, ૫૨ વર્ષીય અસાંજેને વર્ગીકૃત યુએસ સંરક્ષણ દસ્તાવેજાે મેળવવા અને જાહેર કરવાના કાવતરાની એક ગણતરી પર ટ્રાયલનો સામનો કરવો પડશે. મતલબ કે જાે તેને આ કેસમાં સજા થશે તો તેણે તે ર્નિણય સ્વીકારવો પડશે. તેને સોમવારે ૨૪ જૂને બ્રિટનની બેલમાર્શ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તેને સીધો એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તે ઓસ્ટ્રેલિયા ગયો હતો. એક પત્રકાર તરીકે જુલિયન અસાંજેએ કર્યું જે અન્ય પ્રખ્યાત પત્રકારો કરી શક્યા નથી. વિશ્વના કોઈપણ પત્રકાર માટે અમેરિકન સત્તાને પડકારવાનું સરળ નથી. અસાંજે ૨૦૦૬માં વિકિલીક્સની શરૂઆત સાથે પ્રસિદ્ધિ મેળવી હતી. તેણે યુએસ ડિફેન્સ પેન્ટાગોનના વર્ગીકૃત દસ્તાવેજાે અને વિવિધ દૂતાવાસોના ગુપ્ત સંદેશાઓ મેળવ્યાં અને વિશ્વને જણાવ્યું કે કેવી રીતે અમેરિકા અને તેના સાથીઓ સમગ્ર વિશ્વમાં યુદ્ધ લડે છે અને લડાવે છે. વિકિલીક્સ ઝડપથી ઓનલાઈન વ્હીસલબ્લોઅર પ્લેટફોર્મ બની ગયું.

બગદાદમાં અમેરિકન અપાચે હેલિકોપ્ટર હુમલાના ફૂટેજના ઘટસ્ફોટથી, જેમાં બે પત્રકારો સહિત એક ડઝન લોકો માર્યા ગયા હતા, તેણે હલચલ મચાવી દીધી હતી. પછી ૨૦૧૦માં અફઘાનિસ્તાન અને ઇરાકના યુદ્ધો પરના હજારો વર્ગીકૃત યુએસ દસ્તાવેજાે જાહેર થયાં, જેમાં રાજદ્વારીઓ દ્વારા મોકલવામાં આવેલા ગુપ્ત કેબલ સંદેશાઓ પણ હતા, જેમાં જણાવ્યું હતું કે અમેરિકાએ ત્યાં યુદ્ધ કેવી રીતે શરૂ કર્યું. તેનો ઈરાદો શું હતો? આ સત્યથી અમેરિકા ચોંકી ગયું.

વિકિલીક્સે ઘણા દેશો વિશેના દસ્તાવેજાે પ્રકાશિત કર્યા છે, પરંતુ અસાંજે સામે કાર્યવાહી કરવાનો ર્નિણય અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૦૧૯માં અસાંજે પર જાસૂસી અધિનિયમનું ઉલ્લંઘન કરવાના ૧૭ ગુનાઓ પર આરોપ લગાવવાનું નક્કી કર્યું. યુએસ વકીલોએ દલીલ કરી હતી કે અસાંજે ચેલ્સિયા મેનિંગ સાથે કાવતરું ઘડ્યું હતું, ભૂતપૂર્વ આર્મી ઇન્ટેલિજન્સ વિશ્લેષક જેણે વિકિલીક્સને સામગ્રી લીક કરવા બદલ સાત વર્ષ જેલમાં વિતાવ્યા હતા. ૨૦૧૭માં યુએસ પ્રમુખ બરાક ઓબામાએ તેની સજામાં ઘટાડો કર્યો ત્યારે ચેલ્સી મેનિંગને મુક્ત કરવામાં આવી હતી. જુલિયન અસાંજે બનવું સહેલું નથી. આની પાછળ સંઘર્ષની લાંબી ગાથા છે. અસાંજે પર જાતીય શોષણનો આરોપ લગાવતા સ્વીડિશ વોરંટ પર ૨૦૧૦માં લંડનમાં સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. તેના પ્રત્યાર્પણના કેસમાં જામીન મંજૂર કર્યા પછી, અસાંજે ૨૦૧૨માં ઇક્વાડોરની લંડન દૂતાવાસમાં આશ્રય લીધો હતો જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો હતો કે તેને ટ્રાયલ માટે સ્વીડન પ્રત્યાર્પણ કરી શકાય છે. તેણે પછીના સાત વર્ષ આ જ દૂતાવાસમાં વિતાવ્યા. બાદમાં સ્વીડિશ પોલીસે તેની સામેના બળાત્કારના આરોપો પાછા ખેંચી લીધા હતા. ત્યારે અસાંજેને બ્રિટિશ જેલમાં રાખવામાં આવ્યો હતો કારણ કે યુએસ પ્રત્યાર્પણનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો.

યુએસના સ્વતંત્ર પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે સામે જાસૂસી માટે કાર્યવાહી કરવા માટે સંમત થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે તેને ખરાબ સમાચાર અને પ્રેસની સ્વતંત્રતા માટે મોટો ફટકો ગણાવ્યા છેે. કેનેડીએ અસાંજેની મુક્તિ પર રાહત વ્યક્ત કરી, લખ્યુંઃ હું ખૂબ જ ખુશ છું. તે ઘણી પેઢીઓ માટે હીરો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution