શ્રાદ્ધ શા માટે?

ભાદરવાનો વદ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો. આમ તો આપણે આ દિવસોને ફક્ત કાગડાઓને કાગવાસ નાખવા પૂરતા અને પિતૃઓને યાદ કરવા પૂરતા જ જાણીએ છીએ પરંતુ શંુ આપણે એ જાણીએ છીએ કે આ જ શ્રાદ્ધના દિવસો આપણને કાયમ માટે સુખી કરી શકે છે. નહીં ને? તો ચાલો સમજીએ.

આપણા ઋષિમુનિઓ અને મહાન શાસ્ત્રવેત્તાઓએ આપણા ધર્મને આપણા કર્મ સાથે જાેડીને આપણા જીવનમાં એક સામંજસ્ય સાધેલું છે. કારણ કે તેઓ જાણતા હતા કે સમય જતાં લોકોમાં નાસ્તિકતાનું પ્રમાણ વધશે અને તેઓ ધર્મથી વિમુખ થશે. આથી જ તેમણે આવા અમુક કાર્યોને આપણા રોજિંદા જીવન સાથે જાેડી દીધા જેથી વગર ધર્મના રસ્તે ચાલ્યે ધર્મનું પાલન થઈ શકે. ચાલો, આ વાત જ્યોતિષ તથા સામાન્ય દ્રષ્ટિથી સમજીએ.

શ્રાદ્ધ પક્ષમાં આપણે કાગડાને કાગવાસ નાખીએ છીએ. એ સિવાય આ દિવસો દરમિયાન કૂતરાને રોટલો કે બિસ્કિટ અને ગાયને ઘાસ ખાસ નીરતા હોઈએ છીએ. લગભગ આપણે આનું ખાસ કારણ નથી જાણતા હોતા. આપણે ફક્ત તેને એક સારા કામ તરીકે કે માનવતાની દ્રષ્ટિએ જાેઈએ છીએ પરંતુ આ જ સામાન્ય કામ આપણું જીવન સમસ્ત રીતે બદલી નાખે છે.

 આપણા પરિવારના વડવા, વડીલો, પૂર્વજાે અને પિતૃઓ એટલે ગુરુ ગ્રહ, જે જીવનમાં સ્થિરતાનો કારક છે. હવે ગાય, કાગડો અને કૂતરો એ ત્રણે એવા પ્રાણીઓ છે, જે આપણા જીવનના મૂળભૂત સુખો સાથે જાેડાયેલા છે. ગાય એ શુક્રનું પ્રાણી છે. શુક્ર એટલે આપણી સંપત્તિ, ઐશ્વર્ય, આરામ, એશોઆરામ અને પતિ-પત્ની વચ્ચેનો શારીરિક સંબંધ. કાગડો એ શનિનું પક્ષી છે. શનિ એટલે આપણા શરીરના સ્નાયુઓ, મકાન, સ્થાવર કે જંગમ પ્રોપર્ટી અને પિતા તરફનું કુટુંબ. કૂતરો એ કેતુનું પ્રાણી છે. કેતુ એટલે આપણું મોસાળ, આપણું સંતાન, કાન, કરોડરજ્જુ અને કમરથી નીચેનો શરીરનો સમસ્ત ભાગ. આપણા શરીરના લગભગ ૬૦ ટકા ભાગ પર કેતુનું પ્રભુત્વ છે. જાે આ ત્રણ ગ્રહોનું ફળ અશુભ હોય તો જીવન ખૂબ સંઘર્ષમય હોય છે. જ્યારે આપણે આ ત્રણેય જાનવરોને ભોજન આપીએ છીએ ત્યારે આ ત્રણેય ગ્રહોનું આભામંડળ શુભ થાય છે અને કુંડળીમાં જાે આ ગ્રહો અશુભ હોય તો સત્વરે શુભ ફળદાયી બને છે. આ ત્રણ જાનવરો થકી જ્યારે આપણા પિતૃઓને તર્પણ પહોંચે છે ત્યારે તેમના પણ આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને ગુરુનું શુભ ફળ પ્રાપ્ત થતાં જીવનમાં સ્થિરતા આવે છે.

સામાન્ય રીતે આપણે ફક્ત એ જ તિથિઓ પર શ્રાદ્ધ કરતા હોઈએ છીએ, જેની આપણને જાણ હોય પરંતુ જાે શક્ય હોય તો રોજે રોજ(શ્રાદ્ધના સોળેય દિવસો દરમિયાન) આ પ્રાણીઓને ભોજન આપવું જાેઈએ, જેથી આપણી સોળ પેઢી સુધીના પિતૃઓ તૃપ્ત થાય અને આપણું જીવન સુખમય બને.

તા.ક.ઃ જાે જીવતે જીવ તમારા વડીલો તમારાથી ખુશ ન રહી શક્યા હોય તો તેમનું તર્પણ કરવું જ નહીં કારણ કે પિતૃઓ કોઈ દિવસ નડતા નથી હોતા. પિતૃઓના નામે જે દુઃખ ભોગવીએ છીએ તે જે તે વડીલોને સંબંધિત ગ્રહો કુદરતના નિયમ મુજબ તમને પોતાની દશાના સમયમાં પીડા આપે છે. તેઓ માણસને રિયલાઈઝ કરાવે છે કે તેમણે શું ખોટું કર્યું છે અને હવે તેઓને શું મળવાનું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution