જીવનસાથીની સલાહ લેવામાં ઈગો શા માટે રાખવો?

આપણા હિન્દુ શાસ્ત્રમાં જે સોળ સંસ્કાર છે એમાં લગ્ન સંસ્કારને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ આપણી સમાજવ્યવસ્થા પણ છે અને સંસ્કૃતિની ધરોહર પણ છે. યુવક અને યુવતી જ્યારે લગ્ન બંધનમાં બંધાવા જાય છે ત્યારે બંને એકબીજાના પૂરક થવા જતા હોય છે. બંને એકબીજામાં ખૂટતી કડી બનવા જતાં હોય છે. આ વાત બંનેએ લગ્ન પહેલા જ પોતાની જાતને સમજાવવાની હોય છે.

 પુરુષ સાહસિક અને હિંમતવાન હોય છે. એની તાકાત અને શારીરિક રચના પણ સ્ત્રી કરતા અલગ હોય છે. ભગવાને પુરુષ અને સ્ત્રીનું એના કાર્યક્ષેત્ર મુજબ એની શારીરિક રચનાનું ઘડતર કર્યું હોય છે અને એ જ પ્રમાણે બંનેમાં દિલ પણ મુક્યા હોય છે. બદલાતા સમય સાથે બંનેના કાર્યક્ષેત્ર પણ બદલાયા છે. હવે પતિ-પત્ની બંને એકસમાન બન્યા છે. બંને સાથે અર્થોપાર્જન પણ કરી શકે છે, ઘર પણ સંભાળી શકે છે અને બાળ ઉછેર પણ કરી શકે છે. છતાં, બંનેમાં રહેલા કેટલાક મૂળભૂત તફાવતને લઈને પતિ-પત્ની બંનેમાં અમુક ઊણપ હોય છે. આ ઉણપ એ બાય ડિફોલ્ટ છે. પરંતુ કેટલીક વખત એના ઉછેરમાં રહેલી ખામી કે કચાશને લઈને ક્યારેક કોઈમાં અમુક સારા ગુણો ખૂટતા હોય છે. એવા સમયે પતિ-પત્ની બંને એકબીજાના ખૂટતા ગુણોને પૂરીને બેમાંથી એક બને છે. ખરેખર ઐક્ય એ એમના શરીર અને આત્મા કરતાં વધારે એમની પૂર્ણતાનું હોય છે.

 પતિ-પત્ની બંનેમાં જ્યારે ગુણોનો અભ્યાસ કરવામાં આવે ત્યારે સમજાય કે બંનેમાં અમુક સારા ગુણો છે. પરંતુ આ વાત સમય રહેતા પતિ-પત્ની બંનેને સમજાય તો સુખી દાંપત્યજીવનમાં વધારો કરી શકાય છે. કેટલીક વખત અમુક ગુણો જે ખૂબ આવશ્યક હોય છે પરંતુ કોઈ એક પાત્રમાં એની ઊણપ હોય છે. અને પરિણામે આર્થિકથી લઈને સામાજિક નુકશાની પણ ઘણીવાર વેઠવાની થતી હોય છે. સાથે રહેવાથી પતિ-પત્નીના એકબીજામાં રહેલા સારા ગુણોથી બગડેલી સ્થિતિ સુધારી શકાય છે. એક બહુ જૂનો જાેક પ્રચલિત છે. એક પતિને થોડું કરજ થયેલું અને કઈ રીતે ભરવુ એની ચિંતામાં તેને ઊંઘ નહતી આવતી. પત્ની પૂછે છે ઊંઘ ન આવવાનું કારણ, ત્યારે પતિ કહે છે કે, “સામે રહે છે એ ભાઈ મારી પાસે બે લાખ રૂપિયા માગે છે. તેમની પાસેથી મેં ઉછીનાં લીધેલા એ નાણા કાલે આપવાના છે પરંતુ મારી પાસે પૈસા નથી એ ચિંતામાં મને ઊંઘ નથી આવતી.”

 પત્ની હસતા હસતા કહે છે, “એટલી મોટી વાત જ નથી, આટલી નાની વાતમાં તમે તમારી ઊંઘ ના બગાડો. આનો રસ્તો ચપટી વગાડતાં કરી નાખીશ.”

 એ તરત જ એના ઘરની બારી ખોલે છે અને સામેના ઘરમાં રહેતા ભાઈને બૂમ પાડીને બોલાવે છે. પેલા ભાઈ પણ આવે છે અને પત્ની એને કહે છે કે “તમે અમારી પાસેથી બે લાખ રૂપિયા માંગતા હતાં અને અમારે તમને કાલે આપવાના હતાં. પણ એ પૈસા અમારી પાસે નથી”.

આટલું કહીને બારી બંધ કરી દે છે અને પતિને કહે છે, તમે આરામથી ઊંઘી જાવ, હવે એ જાગશે. આ તો એક મજાક છે પણ જીવનમાં ઘણી વખત પુરુષને જ્યારે રસ્તો દેખાતો બંધ થાય છે ત્યારે કદાચ પત્ની પાસે એનો ઉકેલ મળી જાય. પોતાની મુશ્કેલી શેર કરો અને આપણી પાસે ન હોય એ આવડત પત્નીમાં મળી જાય તો તેને સ્વીકારી લેવી. સામે આવતી કોઈપણ સમસ્યા વખતે પત્નીની સલાહ લેવાનું ન ભુલવું. કારણ કે દરેક માણસ અન્ય કરતા અલગ અને ક્યારેક વધારે સદગુણી હોઈ શકે છે.

 આપણો સમાજ એ પુરુષપ્રધાન સમાજ છે. અને એટલે પહેલેથી જ છોકરાઓનો એ રીતે ઉછેર કરવામાં આવે છે કે પુરુષ એટલે સર્વેસર્વા, એ હોંશિયાર, બુદ્ધિશાળી, હિંમતવાન અને બધી આવડતોથી ભરેલો હોય છે. અને એટલે જ પુરુષમાં જન્મજાત અહમનું પ્રમાણ વધારે હોય છે. આ અહમ પોતાની આવડત, સફળતા કે સિદ્ધિ માટે નથી હોતો, પરંતુ તે પુરુષ છે એટલે જન્મજાત હોય છે. ઘણી વખત પુરુષની સમસ્યાના પત્ની પાસે સમાધાન હોય છે. અને એ વાત પતિ જાણતો પણ હોય છે. છતાં પણ પોતાની કોઇ મુશ્કેલીમાં પત્નીની સહાય લેવી એને નાનમ લાગે છે. પત્ની કોઈ હેલ્પ કરે અને એના કારણે પુરુષની કોઇ મુશ્કેલી હળવી થાય અથવા કોઈ સફળતા કે સિદ્ધિ મળે તેમાં પુરૂષનો અહમ ઘવાય છે. હાંેશિયાર અને આવડતવાળી પત્ની જાણ્યે-અજાણ્યે પુરુષના અહમને ઠેસ પહોંચાડે છે. કારણ કે પુરુષ એવું માનતો હોય છે કે સ્ત્રી અને એમાં પણ પત્ની બુદ્ધિશાળી હોતી જ નથી. અને એટલે જ એવું કહેવાય છે કે પુરુષને બુદ્ધિશાળી સ્ત્રી મિત્ર કે પ્રેમિકા તરીકે તો ચાલે છે, પરંતુ પત્ની તરીકે એ સ્વીકારી નથી શકતો. સુખી દામ્પત્યજીવન માટે રસ્તામાં આવનારા અનેક ચઢાણોને સરળતાથી પાર કરવા માટે જે આવડત અને કુશળતા જાેઈએ એ કદાચ પુરુષમાં ન હોય, અને એ ગુણ પત્ની પાસે હોય તો તેને ગ્રહણ કરવામાં નાનપ ન અનુભવવી જાેઈએ. કારણ કે પુરૂષનો અહમ ઘણી વખત આખા પરિવારને ભારે પડી શકે છે.

સમજુ માણસ એ છે કે જે અન્યમાં રહેલા સારા ગુણોને અપનાવે અને ક્યારેય એમાં અહમને વચ્ચે ન લાવે. જ્યારે પત્ની તો પુરુષની જીવનસંગિની છે,એની અર્ધાંગિની છે, સુખદુઃખની સાથી છે, અને પતિના પરિવારની ઓથ છે તો એનામાં રહેલા સદગુણને અપનાવવામાં પતિએ ક્યારેય નાનપ અનુભવી જાેઈએ નહીં. અને પતિ-પત્નીના સંબંધમાં અહમને હવા જેટલી પણ જગ્યા આપવી નહીં.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution