આણંદ : રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. શનિવારે અમદાવાદ શહેરમાં 354 પોઝિટિવ દર્દી નોઁધાયા હતા. કોરોનાના કેસો વધતાં હોસ્પિટલમાં બેડોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 1500 જેટલાં બેડ ખાલી હોવા છતાં પણ અમદાવાદના કોરોનાના નવાં દર્દીઓને 60 કિમી દૂર કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે અને જરૂર પડ્યે આણંદ અને ખેડાની હોસ્પિટલમાં ખસેડવા અંગે વિચારાશે, તેવું વહીવટી તંત્રએ જણાવતાં પ્રશ્ન ઊઠી રહ્યો છે કે, અમદાવાદમાં 1500 જેટલાં બેડ ખાલી છે તો પછી 60 કિમી દૂર કરમસદ દર્દીઓને શા માટે મોકલવામાં આવી રહ્યાં છે.
શનિવારે અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ 300 બેડ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી હોવાનું અધિકારીઓની બેઠકમાં જાણવા મળ્યું છે. તે ઉપરાંત સિવિલમાં કિડની વિભાગમાં કુલ 90 ટકા બેડ ખાલી છે. છતાં પણ અમદાવાદના દર્દીઓને આણંદ, કરમસદ કેમ ખસેડવામાં આવી રહ્યાં છે? તેવો સવાલ ઊભો થયો છે.