તમે કોઈ પણ જૈન સાધુને સવાલ કરશો કે ધર્મની દૃષ્ટિએ શેર બજારમાં પડાય? તો જૈન સિદ્ધાંતોમાં સંપૂર્ણ ચુસ્ત એવો કોઈ પણ સાધુ કહેશે કે એક સાચા જૈનથી ક્યારેય શેરબજારમાં ના પડાય! આ કારણે કેટલાક અતિ ચુસ્ત જૈનો શેરબજારથી દૂર જ રહે છે. એમના માટે જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ શેર બજારનો વેપાર એ અધર્મનો વેપાર છે!
અને જાેવાની ખૂબી એ છે કે શેરબજારમાં સૌથી વધારે જૈનો છે! આમ કેમ? તો આનું સાવ સ્વાભાવિક એવું એક અવકાશી કારણ છે! આ લેખમાં આપણે તે વિષે ચર્ચા કરીશું.
દરેક ધર્મની વ્યક્તિ પર તેના જન્મના ધર્મ મુજબ અમુક ચોક્કસ ગ્રહોની સૌથી વધારે અસર હોય છે. જેમ કે હિંદુઓ પર સૂર્ય, ગુરૂ અને શનિની સૌથી વધારે અસર હોય છે તો જૈનો પર ગુરૂ અને ચંદ્રની સૌથી વધારે અસર હોય છે. મુસલમાનો પર રાહુ અને શુક્રની સૌથી વધારે અસર હોય છે તો યહૂદીઓ પર બુધ અને શુક્રની સૌથી વધારે અસર હોય છે.
આપણે જૈનોની વાત કરી રહ્યા છીએ. આ અગાઉના લેખમાં આપણે જાેઈ ગયાં કે શેરબજારમાં સૂર્યની સત્તા અને ગુરૂની મહત્તા સૌથી વધારે કામ કરે છે. આ બંને ગ્રહોમાંથી જૈનો પર ગુરૂનો પ્રભાવ સૌથી વધારે જાેવા મળે છે. ધર્મ, ભાગ્ય અને જ્ઞાનનો કારક ગુરૂ જૈનોને જન્મથી જ આ ત્રણેય ચીજાે આપે છે. ગુરૂની સાથે જ તેમનો મંગળ પણ શુભ હોવાની મહત્તમ સંભાવનાઓ હોય છે કારણ કે ગુરૂ અને મંગળ અધ્યાત્મના ગ્રહો છે અને જૈન જાતિ સંસારની સૌથી વધારે આધ્યાત્મિક જાતિ છે. જ્યાં ગુરૂ અને મંગળ પોતાનું બળ દર્શાવતા હોય છે ત્યાં સૂર્ય અને ચંદ્ર આપોઆપ આગળ આવતા હોય છે કારણ કે સૂર્ય, ગુરૂ, ચંદ્ર અને મંગળ એ ચારેય પરસ્પરના સૌથી સારા મિત્રો છે અને તેમાંથી જે પણ એક બળવાન બને છે તે પોતાના બળનો લાભ બીજા ત્રણને પણ કોઈને કોઈ રીતે અવશ્ય આપે છે! આમાંથી ચંદ્ર અને ગુરૂ ગજકેસરીયોગનું બળ આપે છે તો ગુરૂ અને મંગળ શ્રીયોગનો લાભ આપે છે તો ચંદ્ર અને મંગળથી માંગલ્યયોગ બને છે! આ દરેકે દરેક યોગ સમૃદ્ધિ તેમજ સંપત્તિ આપે છે!
અને દુનિયામાં સાવ સરળતાથી સમૃદ્ધિ તેમજ સંપત્તિ પ્રાપ્ત થાય એવું એક માત્ર કોઈ બજાર હોય તો તે છે શેરબજાર!
હું પોતે જૈન છું અને જ્યોતિષના ક્ષેત્રમાં છું. મારા ઘણા ગ્રાહકો શેરબજારમાં છે. મેં જાેયું છે કે તેમાંના મોટાભાગના જૈનોની સાથે કામ કરે છે અને ઠીક ઠીક કમાઈ લે છે! કેટલાકને તો મેં પોતે કહ્યું છે કે શેરબજારમાં જાે નિષ્ફળ રહેતા હો અને સફળ થવું હોય તો જૈનોની સાથે રહીને સોદા કરો! તમે કદાચ મોટો નફો નહીં કરો તો પણ મોટું નુકસાન તો નહીં જ વેઠો! મારી આ સલાહ ઘણા ગ્રાહકોએ સ્વીકારી છે અને તેનાથી તેમને લાભ જ થયો છે!
એટલે કે ધાર્મિક સિદ્ધાંતોની દૃષ્ટિએ જૈનો માટે શેરબજાર એ યોગ્ય વેપારક્ષેત્ર ના હોવા છતાં નૈસર્ગિક રીતે તેમના ગ્રહો શેરબજાર માટે જ સૌથી વધારે અનુકૂળ છે! જૈનોને તમારે વેપાર શીખવવો ના પડે. એ લોકો ગળથૂથીમાંથી જ વેપારી હોય છે અને નફો ક્યાંથી કમાઈ લેવો એની તેમને ગજબની કોઠાસૂઝ હોય છે! સૌથી મોટી વાત એ છે કે જૈનો પોતાના ભવિષ્ય માટે જેટલી બચત કરે છે તેટલી બચત અન્ય ધર્મના લોકોમાં બહુ ઓછી જાેવા મળે છે. આથી એવું પણ બહુ ઓછું બને છે કે અમુક ઉમર પછી જૈન માબાપને ઘરડાઘરમાં જવું પડે. તેમની પાસે બચતની જ એવી વ્યવસ્થા હોય છે કે કદાચ સંતાનો તેમને ના રાખે તો પણ તે પોતાની વ્યવસ્થા સારી રીતે કરી શકે છે!
જૈનોની સફળતામાં તેમનો જ એક ધાર્મિક સિદ્ધાંત પણ ખૂબ કામ લાગે છે. તે છે સાધર્મિક ભક્તિનો સિદ્ધાંત. સાધર્મિક ભક્તિ એટલે પોતાના જ ધર્મના અન્ય બંધુની મદદ કરવી. તેને આર્થિક ટેકો આપવો અને તે પોતાનું જીવન સારી રીતે જીવવાની સાથે પ્રભુની ભક્તિ પણ સારી રીતે કરી શકે તેવી વ્યવસ્થા કરવી!
સારાંશ એ છે જૈન કોમ આજે ભલે ભારતની વસતીના એક ટકા જેટલી પણ વસતી ના ધરાવતી હોય પરંતુ ભારતના કુલ ઈન્કમટેક્ષનો ચોવીસ ટકા ટેક્ષ તો એકલી આ કોમ જ ભરે છે! તે ધર્મથી જીવે છે અને એક એવા બજારમાં તે સૌથી વધારે સફળ જાતિ છે જે બજારમાં પાડવા માટે એનો ધર્મ ના પાડે છે! ગ્રંથો જેના માટે ના પાડે છે, ગ્રહો એના માટે જ સૌથી વધારે અનુકુળતાઓ ઉભી કરી આપે છે!
જેમ શેરબજારના સોદાઓને સમજવા મુશ્કેલ હોય છે તેમ ક્યારેક ભાગ્યના લેખ સમજવા પણ મુશ્કેલ હોય છે!