શા માટે કરાય છે મોહરમની ઉજવણી? જાણો તાજીયાનું શું છે મહત્વ

ઈસ્લામિક કેલેન્ડર અથવા હિજરી કેલેન્ડરના પહેલા મહિના મોહરમથી નવું વર્ષ શરૂ થાય છે. ચાલુ વર્ષે 19 ઓગસ્ટના રોજ મોહરમ મનાવાશે. મોહરમમાં કર્બલાના શહીદોની યાદમાં જૂલુસ કાઢવામાં આવે છે. અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે. દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતો એવા મહોરમની આજે ઉજવણી થશે. મોહરમ એક ઈસ્લામી મહિના અને આજના દિવસથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. મોહરમ ઈસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે પરંતુ સાથે સાથે તેના 10માં દિવસે હજરત ઈમામ હુસૈનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે. કેટલાક સ્થળો પર 10માં મોહરમ પર રોજા રાખવાની પણ પરંપરા છે. માન્યતા મુજબ 10માં મોહરમના દિવસે જ ઈસ્લામની રક્ષા માટે હજરત ઈમામ હુસૈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. 

આ દિવસે મસ્જિદોમાં હઝરત ઇમામ હુસૈનની શહાદત પર તકરીર થાય છે. શિયા અને સુન્ની બંને મુસ્લિમ સમુદાયના લોકો આ પર્વને પોતાની રીતે મનાવે છે. મોહરમ કોઈ તહેવાર કે આનંદનો મહિનો નહીં પણ માતમ અને દુઃખનો મહિનો છે. લગભગ 1400 વર્ષ પહેલા આ મહિનામાં અસત્ય અને અન્યાય સામે ન્યાયની લડત લડવામાં આવી હતી. તે યુદ્ધ અને તેમાં શહીદ થયેલાને આ પવિત્ર મહિનામાં યાદ કરવામાં આવે છે. અંતિમ પેગંબર હઝરત મુહમ્મદ સાહેબના પૌત્ર ઈમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં મોહરમ મનાવાય છે. આ મહિનામાં તાજીયા અને જૂલુસ કાઢવાની પરંપરા છે. મોહરમનો મતલબ હરામ એટલે કે પ્રતિબંધિત થાય છે. આ મહિનામાં યુદ્ધ કરવું હરામ માનવામાં આવે છે.જેથી તેનું નામ મોહરમ રખાયું છે. આ તકે શહીદીનો ઉલ્લેખ કરાય છે અને તકરીર કરવામાં આવે છે. આ પ્રકારે મુસ્લિમો શહીદીની ઘટના યાદ કરે છે અને ઈબાદત કરે છે. મોહરમમાં ખીચડો બનાવવાની પરંપરા છે. આ સાથે જ શરબત, હલવો અને ફળ જેવી વસ્તુઓ ગરીબોને આપવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution