મુસલમાન રાજાઓ સાથે નીકટનો સંબંધ હોવા છતાં અકબરના શાસન પહેલા નાગરોને ફારસી શીખવાની જરૂર નહોતી પડી. કેટલાક નાગરો જ ફારસી જાણતા અને કેટલાક અન્ય હિન્દુ નોકરો અને અમલદારો ફારસી જાણતા. અકબરના સમય અગાઉ જે નાગરો ફારસી જાણતા તેમાં સુરતના નાગર ગૃહસ્થ ગોપીનાથ મલેકનું નામ મળી આવે છે આ ગોપીનાથના નામ પરથી જ સુરતના એક વિસ્તારને ગોપીપુરા તથા તળાવના ગોપીતળાવ નામ આપવામાં આવ્યું છે. સિકંદર લોદીના સમયમાં હિન્દુઓએ વિધિવત ફારસી ભાષા શીખવાની શરૂ કરી હોવાનું જણાય છે કેમ કે સિકંદર લોદીએ પોતાના રાજ્યમાં હિન્દુઓને નોકરીમાં રાખવાનું શરૂ કર્યું . આથી સૌ પ્રથમ કાયસ્થોએ ફારસી ભાષા શીખવાનું શરૂ કર્યું અને રાજ્યમાં નોકરીએ લાગ્યા. કાયસ્થોનો વડીલોપાર્જીત વ્યવસાય જ કારકુનીનો રહ્યો હતો. રાજાઓની મુનશીગીરી તેમને સોંપવામાં આવતી. મજમુદારો પણ કાયસ્થ જ હતા.
કાયસ્થોનું કામ જાેઈ ગુજરાતના નાગરોએ પણ સમય પારખી ફારસી શીખવાનું શરૂ કર્યું તેનું મુખ્ય કારણ એ હોઈ શકે કે સત્તા અને હોદ્ો એ નાગરોનો એ સમયે ઈજારો હતો, પરંતુ મુસલમાન રાજવીઓ આવતાં આ સત્તા અને હોદ્ા પુનઃ હસ્તગત કરવા રાજભાષા ફારસી શીખવાનું તેમણે શરૂ કર્યું હશે અને જેને પરિણામે ધીમે ધીમે પોતાની બુદ્ધિ અને બાહુના બળે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ રાજાઓના દરબારોમાં પણ પ્રવેશ મેળવવામાં તેઓ સફળ રહ્યા.
કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરો ફારસી ભાષા શીખી તેમાં કુશળતા કેળવી નોકરીમાં દાખલ થયા અને ધીમે ધીમે પ્રગતિ કરતા દીવાનપદ સુધી પહોંચી ગયા. નોકરીમાં નાગરોને વિવિધ પદ પ્રાપ્ત થયા અને તે પણ ફારસીના જ્ઞાનને લીધે જ
નાગરોની અવટંકો અવારનવા બદલાની રહેતી જાેવા મળે છે. ગામ, સ્થળ કે કોઈ એકાદ વ્યક્તિ કોઈ ખાસ અસાધારણ કાર્ય કરે તો તેના નામ પરથી અવટંકો પડતી જાેવા મળે છે. કેટલીક પેઢીઓ સુધી આ અવટંકો રહે તે પછી કોઈ કારણોસર તે બદલાઈ જતી પણ જાેવા મળે છે. આજ રીતે ગુજરાતના નાગરોમાં રાજભાષા ફારસી સાથે કાર્ય કરતાં કરતાં તેમની અવટંકો પર પણ ફારસી ભાષાની અસર જાેવા મળે છે. આવી કેટલીક અવટંકોમાં સૈયદ, કાજી, બક્ષી, મુનશી, દીવાન, બાદશાહ, મજમુદાર, વકીલ, હઝરત કે ઘારેખાન વગેરેનો સમાવેશ થાય છે. મહેસુલી હિસાબ ખાતાના વડાને મજમુદાર કહેવામાં આવતા. કચ્છમાં પણ નાગરોમાં બક્ષી, મુનશી અવટંકો જાેવા મળે છે.
નાગરોને ફારસી તરફ એટલો લગાવ હતો કે કેટલાક મુત્સદી નાગરોના નામો પર પણ ફારસીની અસર જાેવા મળે છે. આવા કેટલાક નામો જાેઈએ તો મિજલસરાય, સાહેબરાય, ખુશાલરાય, દોલતરાય, ગુલાબરાય, હિમ્મતરાય, બાજીભાઈ, ચમનલાલ કે ચિમનલાલ વગેરે નામો જાેવા મળે છે. એ સમયે નાગરો સંધ્યા પણ ફારસી ભાષામાં કરતા ત્ર્યંબકેશ્વર ખાતે ગોરના ચોપડાઓમાં કેટલાય નાગરોના નામ ફાસી ભાષામાં લખાયેલાં જાેવા મળે છે.
ગુજરાતમાં નાગરોએ લખેલાં ફારસી પુસ્તકો, કાવ્યો, શેરો, ઈતિહાસના પુસ્તકો ઠેકઠેકાણે જાેવા મળે છે. ગુજરાતના એ સમયના જાણીતા ફારસી સાહિત્યકારોમાં જગજીવનદાસ મુનશી, ઈશ્વરદાસ, દલપતરાય, સદાશંકર મુનશી, ત્રિકમદાસ મહેતા, કીરપારામ, દીવાન રણછોડજી, મુગટરામ, ગિરજાશંકર દિવેટીયા (સારાભાઈ નાગર), અને તેમના લઘુબંધુ છોટમલાલ દિવેટીયા, ભોળાનાથ દિવેટીયા, નરસિંહરાવ ભોળાનાથ, ગુલાબરાય મુનશી, સુંદરલાલ, રાવબહાદૂર રણછોડલાલ છોટાલાલ, બાલાશંકર ઉલ્લસરાય, આત્મારામ મોતીરામ દીવાનજી, ગુજરાતના જાણીતા સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈએ બી.એ.માં ફારસી ભાષાને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો હતો તો જાણીતા ઈતિહાસવિદ સ્વ. હંભુપ્રસાદ દેસાઈ પણ ફારસીના અચ્છા જાણકાર હતા.
દિલ્હીની મુઘલ સલ્તનતના કાળમાં હિન્દુસ્તાનનો રાજય કારોબાર ફારસી ભાષામાં ચાલતો ત્યારે કચ્છ રાજયમાં ફારસી ભાષાનું માન રહેતું. કચ્છના ચલણી સિક્કાની શરૂઆત 'જહાગીરી કોરી' થી ભારમલજી પહેલાના વખતથી થઈ. ત્યારથી છેક ૧૯૪૯ સુધીના કચ્છી સિક્કા પર ફારસી ભાષામાં લખાણ કરવામાં આવતું. કચ્છમાં ફારસી ભાષાનો ઉપયોગ માત્ર સાહિત્યકારોના શોખ ખાતર કે અભ્યાસ પૂરતો જ વપરાતો એની તો ખબર નથી. પરંતુ ભુજમાં મહમદપન્નાહનો અરબીક ગ્રંથ ભંડાર ખૂબજ નોંધપાત્ર હતો. અને કચ્છમાં નાગર જ્ઞાતિમાં ફારસી ભાષાના પંડિત થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભુજના વિસનગરા નાગર બ્રાહ્મણ મુનશી ચત્રભુજ ભગવાનદાસ તથા તેમના પુત્ર સેવકરામ ચત્રભુજ ફારસી ભાષાના પ્રખર પંડિત હતા. તેઓ કચ્છ રાજયમાં રિસાલ બક્ષીની જગ્યા પર હતા.
ફારસીના પંડિત એવા મુનશી સેવકરામ પરમ શિવભકત હતા અને વર્ણાશ્રમ ધર્મના ચુસ્ત હિમાયતી હતા. કચ્છ રાજયના દીવાન નાનજી જીવરાજે મુનશી સેવકરામ ચત્રભુજ અને મુકુંદજીભાઈ રાઘવજી વોરાને રાજયના એજન્ટ તરીકે ઈ.સ. ૧૮૪પમાં રાજકોટ મોકલેલા. ત્યાંની એમની સફળ કામગીરીથી પ્રભાવિત થઈને મુનશી સેવકરામને એમના પિતાશ્રી ચત્રભુજ ભગવાનદાસની બક્ષીની જગ્યા ઉપર કચ્છ રાજયના રિસાલા બક્ષી તરીકે નિમવામાં આવ્યા.
બક્ષી એટલે વહીવટદાર. બક્ષીને કચ્છ રાજય તરફથી ૩૦૦ કોરી પગાર એક ગાય તથા ચાંદીના સાજ સાથેનો ઘોડો આપવામાં આવતો. ભુજના આશાપુરા મંદિર પાસે આવેલા બક્ષી ડેલાની જગ્યા કચ્છના રાવ દેશળજીએ સેવકરામના પિતાશ્રી ચત્રભુજ ભગવાનદાસને આપી હતી. આજે પણ આ જગ્યા એમના વારસો પાસે છે.
મુનશી ચત્રભુજ ભગવાનદાસ પછી કચ્છ રાજયના બક્ષી પદે આવેલા ફારસી પંડિત મુનશી સેવકરામ કચ્છના રાવશ્રી દેશળજીના એ સમયના ખૂબ જ વિશ્વાસુ માણસ હતા. મહારાવના અંગત વિશ્વાસુ મંડળમાં એમનું સ્થાન મોખરે હતું. રાજકારોબારમાં જયારે ફારસી ભાષાનો ઉપયોગ થતો ત્યારે સેવકરામની સેવા લેવામાં આવતી. અને એમનસ સૂચના મુજબ વહીવટ ચાલતો.
ફારસી ભાષાના અભ્યાસી અને શોખીન એવા બ્રિટીશ અધિકારીઓ પણ મુનશી સેવકરામને મળતા અને સાહિત્ય શોખ માણતા. સેવકરામ ફારસી સાહિત્યના અભ્યાસમાં દિલથી મંડી રહેતા. એમના ગ્રંથ ભંડારમાં ફારસી સાહિત્યના તવારીખ, શિરસ્તા વગેરેને લગતા મહત્વના હસ્તલિખિત ગ્રંથોનો ભંડાર હતો, જે એમની વિદ્વતા અને સાહિત્ય શોખની સાક્ષી પૂરે છે. એમના સંગ્રહનો કેટલોક ભાગ ભુજના ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છના ગ્રંથાગારમાં એમના પરિવારના ચંદુભાઈ ગિરધરલાલ મુનશીએ આપેલો છે.
ગુજરાતના નાગરોએ રચેલ સાહિત્ય ગુજરાત વિદ્યાસભાની ફારસી હસ્તપ્રતોના પુસ્તકાલય, દીવાન રણછોડજીના ખાનગી સંગ્રહ, હઝરતપીર મોહમ્મદ પુસ્તકાલય, ભો.જે. વિદ્યાભવન પુસ્તકાલય, વગેરેમાં સુરક્ષિત રીતે સંગ્રહાયેલ છે. આ સિવાય પણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્ય નગરો અમદાવાદ, સુરત, જૂનાગઢ, ભુજ, માંગરોળમાં વસતા અનેક નાગર પરિવારો કે નાગર ફારસી સાહિત્યકારોના વંશજ છે તેમની પાસે ફારસી સાહિત્યનો સંગ્રહ વિપુલ પ્રમાણમાં રહ્યો હોવાનો સંભવ છે. આ સંગ્રહને સંશોધનકર્તાઓ માટે અતિ પુષ્કળ પ્રમાણમાં સંદર્ભ સામગ્રી પ્રાપ્ત કરાવી શકે તેમ છે. આ ક્ષેત્રે ધીરજ અને ખંતથી ઊંડું સંશોધન કરવામાં આવે તો નાગર જ્ઞાતિ અને સમગ્ર ગુજરાતના ઈતિહાસના કેટલાક બનાવો પરથી પડદો ઉઠી શકે અને અતિ વિશ્વસનીય અને ઉપયોગી ઈતિહાસ તૈયાર થઈ શકે તેમ છે.
Loading ...