મુગ્ધ કરી દેતા પ્રાચીન શિલ્પ સ્થાપત્યોના શિલ્પીઓ કેમ ગુમનામ જ રહ્યાં ?

લેખકઃ કેયુર જાની


હિન્દુસ્તાનની જમીન ઉપર દરેક ડગલે બેનમૂન શિલ્પકલાના પુરાવા જાેવા મળે છે. હિન્દુસ્તાનની જમીન ઉપર જેટલા સ્થાપત્યો પથરાયેલા છે તેટલા જ હજુ જમીનની નીચે ધરબાયેલા છે. આ શિલ્પો પથ્થર ઉપર આકાર આપીને કંડારેલા પુસ્તકો છે. જે આ દેશના વૈભવ અને ભવ્ય ભૂતકાળનો સાદ પાડે છે. ઇતિહાસમાં હિન્દુસ્તાનીઓએ દરેક પથ્થરને આકાર આપવા પ્રયત્ન કર્યો છે. પણ આટલા શિલ્પ અને સ્થાપત્ય ધરાવતા દેશે તેના કોઈ શિલ્પકારને યાદ રાખ્યા નથી. પાંચ સહસ્ત્ર વર્ષથી પથ્થરોને આકાર આપી હિન્દુસ્તાનના ભવ્ય ભૂતકાળને કંડારનાર શિલ્પીઓને આપણે નામથી નથી ઓળખતા.


બેનમૂન શિલ્પકામથી વ્યાપેલો વૈભવ સરહદો પાર સુધી પહોંચ્યો. જેથી આ વૈભવને લૂંટવા તેમજ નાશ કરવા સમયાંતરે વિદેશી આક્રાંતાઓના ધાડા અહીં આવતા ગયા. વર્ષોની મહેનત તેમજ ખંતથી શિલ્પીઓએ આકાર આપેલી બેનમૂન કલાને ધમરોળતાં રહ્યા છે. છતાં હિન્દુસ્તાનમાં દરેક કદમ ઉપર સ્થપાયેલા સ્થાપત્યોનો નાશ કરવામાં આક્રાંતાઓનું ઝનૂન પણ ઓછું પડ્યું છે. આક્રાંતાઓના મડદાંઓ આ ભૂમિમાં દફન થતાં રહ્યા છે. જેની ઉપર આજે હિન્દુસ્તાનના ખેતરોમાં ફસલ લહેરાતી જાેવા મળે છે. આજે પણ આ દેશમાં ખોદકામ દરમ્યાન અનેક સ્થળે પૌરાણિક સ્થાપત્યો મળી આવે છે. તે આ દેશનો કલા પ્રત્યેનો પ્રેમ તથા વૈભવના પ્રમાણ આપે છે.


 સિંધુ સંસ્કૃતિથી આ ધરતી ઉપર શિલ્પકલા વિકસી હોવાના વૈજ્ઞાનિક પૂરાવા મળી ચુક્યાં છે.પાષાણ યુગથી માણસનો પથ્થર સાથે ઘેરો સંબંધ રહ્યો છે.મનુષ્યને જંગલમાં આત્મરક્ષા માટે કુદરતે નહોર દાંત કે જડબા નથી આપ્યા. હુમલાખોર જાનવરથી બચી ભાગી જવા હરણ જેવી ગતિ નથી આપી. જેથી માણસે આત્મરક્ષા માટે પથ્થરને શરીરનું એક અંગ બનાવી દીધું હતું.પથ્થરને ઓજાર તરીકે તીક્ષ્ણ આકાર આપતા આપતા માણસનું બુદ્ધિ કૌશલ્ય પણ તીક્ષ્ણ બન્યું.માનવ મસ્તિષ્કના વિકાસ પાછળ પથ્થરનો પણ સિંહફાળો છે. વિકાસ દરમ્યાન મનુષ્યએ પથ્થરને એટલો બારીકીથી ઓળખ્યો છે કે સમય જતા તેને આકાર આપી પહાડો ઉપર, ગુફાઓમાં,મંદિરની દીવાલો ઉપર,પગથિયાંના કિનારાઓ ઉપર, જંગલમાં, ગામના પાદરે, શહેરોમાં, મહેલોમાં, ગોખલાઓમાં,ઘરમાં,પથ્થરોને આકાર આપીને કલા વિકસાવી છે. પથ્થર પ્રત્યે આપણી શ્રધ્ધા છે કે આપણે તેને ઈશ્વરીય આકાર આપી આરાધના કરીયે છીએ. હિન્દુસ્તાનમાં હિન્દૂ, બૌદ્ધ, જૈન તેમજ મુસ્લિમ સ્થાપત્યોની ભરમાર જાેવા મળે છે. ભારતમાં મૌર્યકાળથી વિશાળ શિલાઓ કોતરીને સ્થાપત્યો બનાવવામાં આવ્યા છે, જેની આયુ હજારો વર્ષોની છે. શિલ્પકલાને હિન્દુસ્તાના શિલ્પીઓએ પેઢી દર પેઢી આગળ વધારી છે. ખજુરાહો, અજંતા -ઈલોરા, મીનાક્ષી મંદિર જેવા સ્થાપત્યોને આકાર આપવાનું કામ અનેક પેઢીઓ સુધી ચાલ્યું હતું. આવી શિલ્પકલા ટીમવર્ક દ્વારા જ શક્ય બની શકે છે. પરંતુ આવી અકલ્પનિય શિલ્પકારી કરનાર કલાકારોએ તેમનું નામ કોઈ સ્થાપત્ય ઉપર કંડાર્યું નથી .હિન્દુસ્તાનમાં લાખોની સંખ્યામાં અંતરિયાળ ગામડાઓમાં પણ દરેક ખૂણે તેવા શિલ્પ જાેવા મળે છે કે જેને કોને કંડાર્યા કે કોના દ્વારા તેને કંડારવામાં આવ્યા તેની જાણકારી આજ સુધી મળી શકી નથી.


શિલ્પકલામાં ભારત દુનિયામાં ખુબ સન્માનનીય સ્થાન ધરાવે છે પરંતુ આપણે આપણા શિલ્પકારોને ઓળખતા નથી.તેમના નામથી આપણે પરિચિત નથી. તેઓની કલાના કસબને નિઃશબ્દ થઈને જાેઈ રહીયે છીએ. પણ રચનાકાર શિલ્પ કલાકારે કૃતિ નીચે પોતાના નામને કોતરવા કરતા તે પથ્થરને કોતરીને તેને આજીવન આકાર આપવાનું વધુ મહત્વનું માન્યું હોવાનું જાેવા મળે છે. હિન્દુસ્તાનમાં શિલ્પકલા દ્વારા ધાર્મિક,ઐતિહાસિક,સામાજિક જીવન,શિક્ષા,સંભોગ,સાહિત્ય, વાર્તા, જ્ઞાન સહિત તમામ વિષયને પથ્થર ઉપર કંડારવામાં આવ્યા છે. હિન્દુસ્તાનના અજાણ્યા શિલ્પકારોએ તમામ નવ રસને અચેતન પથ્થરમાં ઉતારી ચેતના પુરી છે જેને પેઢી દર પેઢી આપણે જાળવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution