અમદાવાદ-
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યું છે કે, કોરોના મહામારીના કારણે દેશ અને ગુજરાતમાં જે ગંભીર પરિસ્થિતીનું નિર્માણ થયું છે એ આપણે સૌ જાણીએ છીએ. લોકો ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ અને ઈન્જેક્શન માટે સતત વલખા મારી રહ્યા છે. ધંધા-રોજગાર પર પડેલી અસરને કારણે લોકો માનસિક તણાવમાં જીવી રહ્યાં છે. ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટથી કોરોના મહામારીને ડામવાનો પ્રાથમિક ચરણનો અમલ ટેસ્ટિંગ કીટ અને લેબોરેટરીની અછતના કારણે અશક્ય બન્યો છે. આ કારણે વધુને વધુ લોકો નિદાન અને સારવારમાં વિલંબથી ગંભીર અવસ્થાએ પંહોચી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સ 24 કલાક પહેલા મળવી અસંભવ છે. એમ્બ્યુલન્સ મળે તો હોસ્પિટલમાં બેડ માટે રાહ જોવી પડે છે, બેડ પણ મળી જાય તો ઓક્સિજન કે રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા વલખા મારવા પડે છે. આ બધી મથામણ બાદ પણ જો જીવ બચે તો સદ્ભાગ્ય નહીંતર સ્મશાન-કબ્રસ્તાન સુધી જવા શબવાહિની અને અગ્નિદાહ આપવાની લાઈનમાં ઉભુ રહેવાની નોબત આવે છે. શંકરસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યું હતુ કે, અનુભવનો કોઈ પર્યાય નથી માટે સૌ સાથે મળીને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું. કોરોના મહામારી યુદ્ધ જેવી પરિસ્થિતી છે અને તેમાં તંત્રને તન, મન અને ધનથી પૂરતી તમામ મદદ કરવા માટે તેઓ તૈયાર છે, અનેક લોકોની જેમ હાલમાં જ તેમણે પણ તેમના પરિવારના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે ત્યારે લોકોનું દુઃખ અને સમસ્યા તેઓ સમજી શકે છે, એટલે જ આ પત્રની મારફતે કેટલાક સૂચનો પણ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સમક્ષ રજૂ કર્યા હતા.