જિલ્લાના સૌથી મોટા બૂટલેગરને પાસા કરતા ઉચ્ચ અધિકારીઓ કેમ ખચકાય છે?

વડોદરા

પોલીસ ઉપર વારંવાર હુમલો કરવાની ટેવવાળા અને અસંખ્યવાર દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયેલો જિલ્લાનો સૌથી મોટો બૂટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ રતનપુરને પોલીસ પાસા કરવાનું જ ભૂલી ગઈ છે. ૧૦ બોટલ સાથે પકડાયેલાને પાસા કરતી જિલ્લા પોલીસે ડુપ્લિકેટ દારૂ વેચનાર મોટા માથાને કેમ જવા દીધો એવો સવાલ ઊભો થાય છે. ત્યારે પ્રમાણિક કહેવાતા જિલ્લા પોલીસવડા અને કલેકટર પણ લાલાને પાસા કરતાં કેમ ખચકાય છે? એવી ચર્ચા જિલ્લાભરમાં ચાલી રહી છે.

ગત તા.૭મી માર્ચ, ૨૦૨૦ના દિવસે વરણામા પોલીસે જિલ્લાના સૌથી મોટા દારૂના અડ્ડા પર રતનપુર ખાતેના લાલા જયસ્વાલના ઘરે દરોડો પાડયો હતો. જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઘરની નીચે બનાવેલા ભોંયરામાંથી ઝડપાયો હતો. પોલીસે અંગ્રેજીદારૂ, બિયર કુલ ૨૪૧૨ જેટલી રૂા.પ.ર૪ લાખની કિંમતનો દારૂ અને બે વાહનો મળી કુલ રૂા.ર૩ લાખનો મુદ્‌ામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં પોલીસે લાલાના ઘરની તિજાેરીમાંથી કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજાે અને મોટી રોકડ રકમ પણ મળી આવી હતી. વરણામા પોલીસે આ મામલામાં રાકેશ ઉર્ફે લાો રજનીકાંત જયસ્વાલ, હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ, રજનીકાંત અમૃતલાલ જયસ્વાલ, સીમાબેન રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ આ તમામ રહેવાસી રાઠોડિયા ફળિયું, રતનપુર ગામને ફરાર જાહેર કર્યા હતા.

મહત્ત્વની વાત તો એ છે કે એફઆઈઆરમાં ગંભીર ગણાતી ૪૬૫, ૪૬૭, ૪૬૮ જેવી કલમો ઉમેરાઈ હતી. કારણ કે, દરોડામાં ઝડપાયેલી દારૂની બોટલો ઉપર બેચ નંબર સુધ્ધાં લખવામાં આવ્યો નહીં હોવાથી આ દારૂ ડુપ્લિકેટ હોવાનું માનવામાં આવતું હતું. માથાભારે ગણાતા જિલ્લાના મોટા બૂટલેગરને ત્યાં દરોડા પાડવા માટે ખુદ પોલીસ પણ ગભરાતી હતી. કારણ કે, આ અગાઉ દરોડા માટે ગયેલી પોલીસની ટીમ ઉપર લાલ જયસ્વાલના પરિવારે અનેકવાર ઘાતક હુમલાઓ કર્યા હતા, જેનો રેકોર્ડ પોલીસના ચોપડે નોંધાયેલો છે. જ્યારે દારૂ વેચવાના તો અસંખ્ય બનાવો લાલા અને તેના ભાઈ પપ્પુ ઉપર નોંધાયેલા છે.

દરોડા બાદ પોલીસ ઉપર વેર વાળવા માટે લાલાએ ખુદ એલસીબીના તે સમયના વહીવટદાર રવિન્દ્ર પટેલ નામના પોલીસ કોન્સ્ટેબલ સાથે ફોન ઉપર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ કરી દેતાં જિલ્લા પોલીસની ભારે બદનામી થઈ હતી અને આ મામલાની તપાસ જિલ્લા પોલીસવડાએ ડીવાયએસપી ડભોઈને સોંપી હતી. જેમાં એલસીબીનો વહીવટદાર રવિન્દ્ર પટેલ કસૂરવાર ઠરતાં તેને સસ્પેન્ડ કરાયો હતો. પરંતુ લાલા અને તેનો પરિવાર લાંબા સમય સુધી પોલીસની પહોંચથી દૂર રહ્યો હતો. ચાર મહિના બાદ ભાઈ, પિતા અને પત્ની હાજર થયા હતા અને જામીન ઉપર છૂટયા હતા. બાદમાં ઘટનાને છ મહિને લાલો એલસીબીના હાથે ઝડપાયો હતો. પરંતુ થોડાં દિવસમાં જ જામીન ઉપર છૂટી ગયો હતો. આશ્ચર્યજનક રીતે એની સામે પાસાની કાર્યવાહી થઈ ન હતી.

જિલ્લા પોલીસે પાસાની પ્રક્રિયા કેમ પડતી મુકી?

વડોદરા. જિલ્લા પોલીસવડા અને કલેકટરની છાપ પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠાની છે. ત્યારે જિલ્લાના મોટા બૂટલેગર લાલા જયસ્વાલને પાસા કરતાં કેમ ખચકાય છે? એવી ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે આવો મોટો અને માથાભારે બૂટલેગર ઝડપાયા બાદ એ જામીન ઉપર છૂટે કે તરત જ જેલ ઉપરથી ઝડપી લઈ એની ઉપર પાસા કરવામાં આવે છે, પરંતુ લાલો અને એનો પરિવાર ટૂંક સમયમાં જ જેલમાંથી બહાર આવ્યા બાદ લાંબા સમય સુધી પાસા નહીં થતાં જિલ્લા પોલીસની કાર્યવાહી સામે શંકા ઊભી થઈ છે.

સામી ચૂંટણીઓ છતાં લાલાનો ધંધો હજુ ચાલુ જ છે!

વડોદરા. માથાભારે અને જિલ્લાના સૌથી મોટા બૂટલેગર લાલા જયસ્વાલે છૂટતાંની સાથે જ દારૂ વેચવાનો ધંધો પુરજાેશમાં ચાલુ કરી દીધો હોવાનું કહેવાય છે. સામી ચૂંટણીને કારણે પોલીસે સખ્તાઈથી નાના મોટા બૂટલેગરોને ધંધો બંધ રાખવાની સૂચના આપી છે, જેના કારણે બધે ધંધા બંધ છે, પરંતુ લાલો પોલીસને પણ પડકાર ફેંકતો હોય એમ ચૂંટણીઓ હોવા છતાં દારૂ વેચી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution