પંચદેવ પૂજા કોણે કેવી રીતે કરવી?

લેખકઃ ડો.કૌશિક ચૌધરી | 

આપણે શ્રૃંખલાબંધ રીતે સનાતન ધર્મના પંચદેવનું વેદો અને પુરાણોમાં સ્વરૂપ જાણ્યું. વેદોમાં રહેલ નિરાકાર ઈશ્વર ૐ વેદોમાં જ સાકાર દેવો રૂપે વ્યક્ત થાય છે. તે સાકાર દેવોમાં સર્વવ્યાપક વિષ્ણુ દેવ સર્વોચ્ચ છે, રુદ્ર દેવ જ્ઞાની, વીર, પાપનો વિનાશ કરનાર અને શાંત શિવ સ્વરૂપના દેવ છે. દેવી ભગવતી કણ કણને આંદોલિત કરનારી અને મનુષ્યની કુંડલિની જાગૃત કરી તેને બ્રહ્મજ્ઞાની દેવ બનાવનાર શક્તિ છે. સૂર્ય બ્રહ્મ રૂપે પૃથ્વી પર સર્વ જીવોનું પાલન કરનાર ઈશ્વરીય સ્વરૂપ છે. અને ગણપતિ વિદ્યા અને સમજદારી ધારણ કરનારું ઈશ્વરીય સ્વરૂપ છે જે સમસ્ત સંસારમાં ફેલાયેલી ચેતના સાથે જાેડાઈને મનુષ્યના વિવિધ કાર્યોને વિઘ્નહીન બનાવવાનો અનુગ્રહ કરે છે. એક રીતે તે એકમાત્ર સર્વોચ્ચ ઈશ્વર મનુષ્યોને તેમના સાચા કાર્યોમાં સહાયક થવા જે સ્વરૂપ લે છે તે ગણપતિ છે. આ પંચદેવ ચરિત્રો પુરાણોમાં વિવિધ કથાઓ દ્વારા હજુ વધારે વિકસિત કરાયા છે, પણ તેમનું મૂળ સ્વરૂપ નિરાકાર, અવ્યક્ત પરબ્રહ્મના સાકાર રૂપ તરીકે જ છે.

તો હવે, આ પંચદેવમાંથી કોની પૂજા કરવી અને કોની ન કરવી? કયા પ્રકારના મનુષ્યએ કયા દેવને પોતાના આરાધ્ય એવા સર્વોચ્ચ ઈશ્વર માનવા અને કોને ન માનવા? સનાતન ધર્મના શાસ્ત્રો મનુષ્યને ઉપાસના માટે આ પંચદેવમાંથી કોઈપણ એકને પોતાના આરાધ્ય માનવા, અને બાકીના ચારને તેમના અંશ માની લેવાની છૂટ આપે છે. પણ અસલમાં સત્ય એ છે કે મનુષ્યની ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે તેના આરાધ્ય પણ પંચદેવમાંથી બદલાતા રહે છે. નાના બાળકને સર્વપ્રથમ સૂર્ય પૂજા કરવાનું અને સૂર્યનારાયણને પાણી ચડાવવાનું શીખવવામાં આવે છે. તે સૂર્યને સમગ્ર પ્રકૃતિ અને સજીવ સૃષ્ટિને જીવંત રાખનારા મૂળ ઈશ્વર તરીકે જુએ છે. ત્યારબાદ તેની ઉંમર વધતાં જાે તેના પર સામેથી કોઈ ભગવાન થોપવામાં ન આવે, તો તે ભગવાન ગણેશને પહેલાં સાકાર ઈશ્વર તરીકે પૂજવાની શરૂ કરે છે, કારણકે તે તેના પર અનુગ્રહ કરનારા પરમ ઈશ્વર છે, જે તેના કાર્યોને નિર્વિધ્ને પાર પાડે છે. ત્યારબાદ ઉંમર અને સમજ વિકસિત થતાં બાળક યુવાનીમાં ઈશ્વરને તર્ક શક્તિથી મનુષ્ય રૂપે સમજવાની કોશિશ કરે છે. અને આ સમયે તે ભગવાન વિષ્ણુના અવતારોથી પ્રેરાય છે. તેને રામ અને કૃષ્ણના ચરિત્ર અને તેમના ઉપદેશ જીવનમાં સહાયક અને માર્ગદર્શક દેખાય છે. આનાથી આગળ વધતાં માણસ ઈશ્વરને અનુભવવા માંગે છે, તેનાથી એક થવા માંગે છે, પોતાનામાં ઈશ્વરનો એ આત્મબોધ મેળવી ઈશ્વરથી એકાત્મ અનુભવવા માંગે છે. અને આ સમયે તે યોગ માર્ગે આગળ વધે છે, અને શિવ તેના આરાધ્ય બને છે. યોગ માર્ગે વિકસિત થતાં આગળ એજ મનુષ્યને પોતાની કુંડલિની શક્તિ જાગૃત કરવાની જરૂર પડે છે, ત્યારે તે શક્તિ પૂજા કે દેવી પૂજા તરફ આગળ વધે છે. અને આ સમયે મા દુર્ગા કે મા કાળી તેની આરાધ્ય બને છે.

તો, એક સનાતન ધર્માવલંબીએ પોતાના વ્યક્તિગત મંદિરમાં આ પાંચેય દેવની સ્થાપન કરી, પોતાની સ્થિતિ અને ઉદ્દેશ્ય મુજબ કોઈ એકને પોતાના આરાધ્ય માની પાંચેયની પૂજા કરવી જાેઈએ. તેણે સૌપ્રથમ વહેલી સવારે સૂર્યનમસ્કાર કરી, મંદિરમાં ઉપાસના માટે જવું જાેઈએ. પંચદેવમાંથી કોઈપણને આરાધ્ય મનાયા હોય તો પણ સૌપ્રથમ મંદિરમાં જઈ ભગવાન ગણેશની જ પૂજા કરવી જાેઈએ અને ‘વક્રતુંડ મહાકાય...’ શ્લોક સાથે ભગવાન ગણેશને પોતાના કાર્યોમાં અનુગ્રહ રાખવાની પ્રાર્થના કરવી જાેઈએ. ત્યારબાદ જાે શિવ આરાધ્ય તરીકે મનાયા હોય તો ગણેશ પ્રાર્થના પછી, મા દુર્ગા, અંબા કે મા કાળીને ‘સર્વમંગલ માંગલ્યે...’ શ્લોકના અર્થ સાથે પ્રાર્થના કરવી જાેઈએ. તેનો અર્થ છે ‘હે સર્વેનું મંગળ કરનારી, શિવના સર્વ અર્થ (સંકલ્પ) સાધનારી મા ગૌરી, હું તારા શરણે આવીને તને નમન કરું છું, તું મને શિવના કાર્ય કરવાની શક્તિ આપ.’ ત્યારબાદ ‘શાંતાકારમ ભૂજગશયનમ્‌...’ શ્લોકના અર્થ સાથે ભગવાન વિષ્ણુને નમન કરવું જાેઈએ. અને પછી શિવ અને વિષ્ણુના મિલન સ્થાન એવા ભગવાન હનુમાનની ચાલીસા કરી, કેન્દ્રમાં રહેલ શિવલિંગ પર ‘ૐ નમઃ શિવાય’ ના જાપ સાથે જળ ચડાવવું જાેઈએ.

જાે વિષ્ણુ આરાધ્ય તરીકે સ્વીકાર્યા હોય તો ઉપરની ગોઠવણમાં શિવ અને વિષ્ણુનું સ્થાન બદલી દઈ પહેલાં શિવનું મહામૃત્યુંજય મંત્ર અને ૐ નમઃ શિવાય મંત્ર સાથે પૂજન કરી, હનુમાન ચાલીસા કરવી જાેઈએ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જાેઈએ. જાે મા શક્તિ આરાધ્ય હોય તો અન્ય દરેક દેવને નમન કરતા મંત્રોનો પાઠ કરી, અંતે મંદિરમાં સ્થાપિત દેવીના ફોટા કે મૂર્તિ સામે દેવી સૂક્ત કે અન્ય કોઈ દેવી પાઠ કરવો જાેઈએ. જાે ભગવાન ગણેશ ઇષ્ટદેવ હોય તો સૌપ્રથમ ‘વક્રતુંડ મહાકાય...’ શ્લોક સાથે ગણેશ પૂજા કર્યા પછી અંતે ફરી ગણપતિની મૂર્તિ સામે ગણેશ આરતી કરવી જાેઈએ. અને મંદિરમાં રીતે પૂજન કર્યા બાદ બહાર નીકળી સૂર્યોદય સમયે ભગવાન સૂર્ય સામે તુલસી ક્યારે જળ ચડાવવું જાેઈએ. આ રીતે એક પરિવારમાં એક જ મંદિર હોય તો પણ તેમાં પંચદેવ સ્થાપિત કરી, પરિવારનો દરેક સભ્ય પોતાની સ્થિતિ અને ઉદ્દેશ્ય મુજબ અલગ અલગ આરાધ્યનું પૂજન પંચદેવ ઉપાસના સાથે કરી શકે છે. આ એક સનાતન ધર્માવલંબીની ઉપાસના પદ્ધતિનું સાર્થક સ્વરૂપ છે.

કઈ સ્થિતિમાં કયા ઉદ્દેશ્ય સાથે કોનું પૂજન કરવું એ શરૂઆતમાં આપણે સમજ્યા. પણ એ બધા ઉદ્દેશ્ય સિધ્ધ થાય પાછી સૌથી આગળ એક બ્રહ્મજ્ઞાની મનુષ્યની સ્થિતિ આવે છે. એ બ્રહ્મજ્ઞાન મેળવ્યા પછી કાં તો એ મનુષ્ય સાકાર ઉપાસના છોડી નિરાકાર બ્રહ્મના ધ્યાનમાં લીન રહી શકે છે, કાં તો શિવલિંગને આરાધ્ય તરીકે કેન્દ્રમાં રાખી તેના પર જળ ચડાવવાની ઉપાસના ચાલુ રાખે છે. કારણકે શિવલિંગ પણ ઈશ્વરની નિરાકાર અને અવ્યક્ત સ્વરૂપનું પ્રતીક ગણાય છે. પરંતુ જાે એ બ્રહ્મજ્ઞાની આગળ વિષ્ણુ તરીકે સંસારમાં સક્રિય સંસારી તરીકે પ્રવેશવાનો ર્નિણય કરે છે, તો પ્રથમ તે વિષ્ણુનો ઉપાસક બની પોતાને વિષ્ણુ સ્થિતિમાં લાવે છે. અને વિષ્ણુ સ્થિતિમાં સ્થિર થયા પછી શક્તિનો ઉપાસક બની સંસારમાં પોતાના કાર્ય કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution