સંગત કોની કરવી? શીખવા જેવી વાત

જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે, આપણે કોઈ કામ કરવા જઈએ અથવા તો કોઈને મળવા જઈએ કે પછી કોઈ મહત્ત્વનો ર્નિણય લેવા જઈએ અને તેમાં નિરાશા સાંપડતી હોય છે. સામાન્ય રીતે તો તેમાં આપણા અનુભવ, જ્ઞાન અને મહાવરાનો અભાવ હોઈ શકે પણ બીજી એક બાબત એવી છે જે પણ આ નિરાશા, નિષ્ફળતા કે ઘણી વખત આપણા જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓ માટે પણ કારણભૂત બની જાય છે. આપણે ત્યાં કહેવત છે કે, સંગત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખિજ્યું કરડે પિંડીએ, રિઝ્‌યું ચાટે મુખ. આપણી લાઈફમાં આવા કેટલાક લોકો આવતા હોય છે. તેમની સંગત આપણને ફાયદો કરાવે કે ન કરાવે પણ તેમની હાજરી, તેમનું વલણ, તેમનું વર્તન, તેમની વાણી અને ઘણી વખત તો માત્ર તેમનું નામ પણ આપણને મુશ્કેલીમાં મુકી દેતું હોય છે કે, પછી તેના કારણે આપણા કામ અટવાઈ જતા હોય છે.

આપણી જૂની કથાઓ, લોકકથાઓ કે ઉપદેશ કથાઓમાં આ માટેના ઘણા સારા ઉદાહરણો આપેલા છે. કેવા વ્યક્તિને મિત્ર બનાવવો, કેવા વ્યક્તિની સંગત કરવી અથવા તો કોની સાથે રહેવું, કોની પાસેથી ખસી જવું, વગેરે જેવી તમામ બાબતો વાર્તા અને ઉદાહરણોથી સમજાવવામાં આવી છે. તેવી જ એક સરસ મજાની નાનકડી વાત કરી દઉં.

એક વખત જંગલમાં એક શિકારી શિકાર કરવા માટે નીકળ્યો હતો. બપોર પડી ગઈ પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં. તે થાકીને એક તળાવના કિનારે આવ્યો. તેણે થોડું પાણી પીધું અને આસપાસ વૃક્ષ ઉપરથી તોડીને કેટલાક ફળ ખાધાં. તેને થયું કે થોડો આરામ કરી લઉં પછી ઠંડા પહોરે ફરીથી શિકાર માટે નીકળીશ તો રાત્રે ઘરે પહોંચતા સુધીમાં એકાદો શિકાર તો મળી જ જશે.

શિકારીએ તો ફળો ખાઈને, પાણી પીધા પછી એક ઝાડની નીચે છાંયામાં લંબાવ્યું. સરસ ઠંડો વાયરો વાતો હતો. તકલીફ એક જ હતી કે, જેટલી વખત પવનની શીતળ લહેરખી આવતી તેટલી વખત ઝાડની ડાળીઓ હાલતી અને બીજી તરફથી આવતો તડકો સીધો જ શિકારીના મોઢા ઉપર પડતો. તે થોડો અકળાઈ ગયો પણ છતાં તેને ઠંડા પવનથી થોડું ઘેન ચડ્યું હતું. તેણે આંખો બંધ કરીને ઉંઘવાનો થોડો પ્રયાસ આદર્યો.

થોડીવારમાં એક હંસ ત્યાં ઝાડ ઉપર આવીને બેઠો. તેણે જાેયું કે, જેટલી વખત પવન આવે છે તેટલી વખત ઝાડ હાલે છે અને નીચે આરામ કરતા વ્યક્તિને તડકો આવે છે. તેના કારણે વ્યક્તિના આરામ કરવામાં ખલેલ પડી રહી છે. હંસ ઝાડની ઉપરની ડાળી ઉપરથી નીચેની ડાળીએ આવી ગયો. તેણે પોતાના પાંખો પણ ફેલાવી દીધી. તેના કારણે હવે જ્યારે પણ પવન આવતો ત્યારે ડાળખી ખાસ હાલતી નહીં તથા બીજી તરફથી સૂર્યનો તડકો પણ પેલા માણસ ઉપર પડતો નહીં.

લગભગ આ રીતે એકાદ કલાક પસાર થયો હશે અને અચાનક ત્યાં એક કાગડો આવ્યો. કાગડો પણ હંસ બેઠો હતો તે ડાળી ઉપર જઈને જ ગોઠવાયો. તેણે હંસને ખબર અંતર પૂછ્યાં. હંસે જવાબ આપ્યો. હજી તો થોડીવાર થઈને ત્યાં કાગડો ત્યાં બેઠો બેઠો ચરક્યો અને ઉડી ગયો. કાગડાની આ ચરક નીચે ઉંઘતા શિકારીના મોઢા ઉપર પડી. શિકારી તરત જ બેઠો થઈ ગયો અને ગુસ્સાથી લાલપીળો થવા લાગ્યો. તેણે આસપાસ નજર કરી અને પછી ઉપર જાેયું તો એક હંસ પાંખો ફેલાવીને બેઠો હતો. તેણે તરત જ બાણ હાથમાં લીધું અને એક તીર માર્યું. તીર હંસની પાંખમાં જઈને વાગ્યું અને હંસ નીચે પટકાયો.

હંસે પેલા શિકારીને કહ્યું કે, હું તને છાંયડો આપતો હતો છતાં તે મને તીર માર્યું. તે મારા પ્રાણ લેવાનો પ્રયાસ કર્યો. તે મારા સારા કાર્યોનું આવું વળતર આપ્યું. શિકારીએ કહ્યું કે તે પાંખો ફેલાવી હતી તે મેં જાેયું હતું અને આરામ કરવા દરમિયાન મનોમન મેં તારો આભાર માન્યો હતો. તારે મારી ઉપર ચરક પાડવા જેવી નહોતી. મને તેના કારણે ગુસ્સો આવ્યો અને મેં તને બાણ માર્યું. હંસે કહ્યું કે, તે હું નહોતો. એક કાગડો આવીને બેઠો હતો અને આવું કરીને જતો રહ્યો. ત્યારે શિકારીએ કહ્યું કે, ભુલ કાગડાની તો હતી જ પણ તેના કરતા વધારે તારી હતી. કાગડો આવ્યો ત્યારે જ તારે આ ડાળી છોડી દેવાની હતી. ખોટા માણસોની સંગત આપણને મુશ્કેલીમાં જ મુકે છે. તું ભલાઈ કરતો હતો પણ તારી સંગત સારી નહોતી. કાગડો આવીને બેઠો ત્યારે જ તારે ઉડી જવાનું હતું. ખોટા માણસોની હાજરીને અવગણવાની ભુલ આપણને જ નડતી હોય છે.

આપણી લાઈફમાં પણ આવું જ છે. આપણે જે સારું કામ કરવા નીકળીએ, કોઈને મદદ કરવા નીકળીએ, કંઈક રચનાત્મક કામ કરવું હોય, સમાજ માટે કંઈક કરવું હોય ત્યારે કેટલાક ખોટા લોકો પણ આપણી આસપાસ આવી જ જવાના છે. આ સમયે તેમની અવગણના કરવાના બદલે આપણે લક્ષ્યપૂર્તિનો રસ્તો બદલી કાઢવો જાેઈએ. ખોટી વ્યક્તિની હાજરી આપણને નુકસાન કરાવે જ છે. સમાજમાં એવા ઘણા લોકો છે જે ખોટી સલાહ આપે છે, ખોટા રસ્તા ચિંધે છે, તમે કોઈ કામ કરતા હોવ તો તમારા રસ્તામાં આડકતરી રીતે અડચણો ઊભી કરતા હોય. તમારી પીઠ પાછળ તમારા માટે ખોટું બોલતા હોય અથવા તો ખોટું કરી જતા હોય છે. આ સંજાેગોમાં આપણે સચેત રહેવાની જરૂર છે. ઘણી વખત ખોટી વ્યક્તિની સાથે આપણે ભુલથી બેઠા હોઈએ તો પણ આપણી છાપ ખરાબ થઈ જાય છે. સંગત એવી વ્યક્તિની જ રાખવી જે સત્કર્મ કરે. જેને સમાજના ઉદ્ધારમાં અને લોકોની ભલાઈમાં રસ છે. બીજાને નડતા લોકોની સંગત ક્યારેય રાખવી નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution