વડોદરા, તા.૨૦
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના હરણી લેક ઝોન ખાતે ગુરુવાર તા.૧૮મીએ બનેલી ગોઝારી દુર્ઘટના મામલે દોષિત ઠેરવવા પાલિકામાં દોષારોપણ ચાલુ થયું હોવાનું જાણવા મળે છે. જેમાં હરણી લેક ઝોન કોના હસ્તક? ફયુચરિસ્ટિક સેલ?, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન? કે પછી દબાણ શાખા? આ ચાર વિભાગો પૈકી કયા વિભાગના અધિકારીને બલિનો બકરો બનાવવો તેનું પોસ્ટ મોર્ટમ હવે શરૂ થયું હોવાનું પાલિકાના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના હરણી લેક ઝોન ખાતે બે દિવસ પૂર્વે સર્જાયેલી ગોઝારી હોડી હોનારતમાં શાળાના ૧૨ માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓ મળીને ૧૪નાં મોત નીપજ્યાં હતાં. ત્યારે હવે આ ગોઝારી ઘટના મામલે દોષિત ઠેરવવા માટે પાલિકામાં દોષારોપણ ચાલુ થયું હોવાનું જાણવા મળે છે. લેક ઝોનની ટેન્ડરપ્રક્રિયા જે તે સમયે ફ્યુચરિસ્ટિક સેલે કરી હતી. આ કામગીરી પૂર્ણ થતાં ફ્યુચરિસ્ટિક સેલે તમામને પૂર્વ ઝોનના હસ્તગત કર્યું પરંતુ નવા વોર્ડ વિભાજનમાં આ ઉત્તર ઝોનના હસ્તગત આપવામાં આવ્યું હતું.
જાે કે, મળતી વિગત મુજબ અગાઉ ફ્યુચરિસ્ટિક સેલે પૂર્વ ઝોનને તળાવ આપતાં પૂર્વ ઝોને કહ્યું હતું કે, કમિશનરે મંજૂરી આપી છે તેમાં મેઈન્ટેનન્સ અમારે જાેવાનું પરંતુ કોર્ટમેટર કે કોઈ વિવાદ થાય તો તે જવાબદારી તમારી રહેશે. તેમાં કોન્ટ્રાવર્સી થતાં તત્કાલીન કમિશનર બચ્છાનિધી પાનીએ જવાબદારી વહેંચી હુકમ કર્યો હતો કે ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા જે તળાવોની નવિનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તે તમામ તળાવોની સુરક્ષા અને સુરક્ષાવ્યવસ્થા અને આનુષંગિક વહીવટી કામગીરી ડાયરેકટર દબાણ શાખાને, જ્યારે આ તળાવોમાં બનાવવામાં આવેલ ગાર્ડનની જાળવણી અને નિભાવણીની જવાબદારી પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગની રહેશે. તે સિવાયના શહેરમાં આવેલા અન્ય તમામ તળાવોની જાળવણી, નિભાવણી, સુરક્ષાવ્યવસ્થા અને અન્ય વહીવટી પ્રકારની તમામ કાર્યવાહી સિટી એન્જિનિયરે કરવાની રહેશે. ત્યારે પાલિકામાં વિવિધ વિભાગો વચ્ચે શરૂ થયેલા ‘બાય-બાય ચારણી’માં સાચો જવાબદાર કોણ? તેવી ચર્ચા પાલિકા વર્તુળોમાં થઈ રહી છે.
વિભાગ જવાબદાર
અધિકારી
ફ્યુચરિસ્ટિક સેલ રાજેશ ચૌહાણ
પૂર્વ ઝોન પરેશ પટેલ
ઉત્તર ઝોન ધાર્મિક દવે
દબાણ શાખા મંગેશ જયસ્વાલ