દિલ્હી-
પ્રજાસત્તાકદિને ટ્રેક્ટર રેલી જે રીતે કાબુ બહાર ગઈ અને કેટલાંક તોફાની તત્વોએ લાલ કિલ્લા સુધી ચઢાઈ કરીને દેશની ગરીમા ઝાંખી કરવા પ્રયાસ કર્યો તેની પાછળ મુખ્ય જવાબદાર વ્યક્તિ દીપ સિધ્ધુ ખેડૂતોનું રોષ પ્રદર્શન શરુ થયું ત્યારથી એટલે કે ગયા સપ્ટેમ્બર મહિનાથી અવારનવાર સમાચારોમાં આવતો રહ્યો છે.
પંજાબી ફિલ્મ-કલાકાર અને 2018માં આવેલી પંજાબી ફિલ્મ જોરા દાસ નંબરીયામાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવીને જાણીતો બનેલો આ 36 વર્ષીય કલાકાર દિપ સિધ્ધુ, ખેડૂતોના આંદોલનને શરૂઆતથી ટેકો આપનારા લોકોમાંનો એક છે. પંજાબના મુક્તસરનો આ કલાકાર સિંઘુ બોર્ડર ખાતે ખેડૂતોના આંદોલનમાં જોડાયો એ પહેલાં તેણે પંજાબ અને હરિયાણા વચ્ચેની સરહદે રોષ પ્રદર્શન કર્યું હતું જ્યાં ખાલીસ્તાની તત્વો દ્વારા આંદોલનના નામે વિરોધ પ્રદર્શન કર્યું હોવાના આરોપો મૂકાયા હતા. આ કલાકારે લાલ કિલ્લા પર ચઢીને નિશાન સાહિબનો ધ્વજ ફરકાવવા કાવતરું કર્યું હતું. ક્યારેક તેણે ખાલીસ્તાની આંદોલન દરમિયાન વિવાદમાં રહેલા ભિંદરાનવાલેને ટાંક્યા છે તો તેને ગેંગસ્ટરમાંથી સામાજીક કાર્યકર બનેલા લખા સિધાનાના નામ સાથે જોડવામાં આવી રહ્યો છે. તેણે સની દેઓલ માટે પ્રચાર કર્યો હતો પણ પાછળથી દેઓલે તેનાથી દૂર થતાં કહ્યું હતું કે, મારે કે મારા પરિવારને તેની સાથે કોઈ સંબંધ નથી.