ગાંધીનગર-
નાણામંત્રી નીતિન પટેલ આજે ગુજરાત વિધાનસભામાં 9મી વાર બજેટ રજૂ કરવાના છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે એમ મનાય છે, અને તે માટેની આરોગ્યની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પર ભાર આપવામાં આવશે. નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર પણ બજેટમાં ભાર મૂકવામાં આવશે. કોરોનાકાળમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા એમ બંન્ને કથળી ગયા છે, તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ભાજપ સરકાર પ્રજાને ભેટ આપશે એમ મનાય છે. નીતિન પટેલે રજૂ થનાર બજેટને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરે એવા પ્રકારનું ગણાવ્યું. ગુજરાતના દરેક નાગરિકને બજેટથી સંતોષ થશે, તે પ્રકારનું બજેટ હશે તેવો વિશ્વાસ નાણામંત્રી નીતિન પટેલે વ્યકત કર્યો હતો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશેષ પ્રજાલક્ષી કામો, સુવિધાઓ મળતી રહે તે માટેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવશે.
રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સૌથી વધુવાર કોણે બજેટ રજૂ કર્યું એ જાણવું રસપ્રદ બનતું હોય છે. ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે અને વર્ષ 2021-22નું બજેટ 77મુું બજેટ છે. આટલા 77 બજેટો પૈકી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે જે એમના નામે રેકોર્ડ છે. યાદ રહે કે, વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાત વિધાનસભામાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ માટે જાણીતા હતા અને જ્યારે તેઓ કાઠિયાવાડી શૈલીમાં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા.