આજે દુનિયામાં લગભગ 425 મિલિયન કરતાં પણ વધુ લોકો ડાયાબિટિસથી પીડિત છે. ભારતમાં આ બિમારીથી પીડિત દર્દીઓની સંખ્યા 2025માં 13.5 કરોડ થઈ જશે.ઈન્ડિયન કાઉ્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના નવેમ્બર, 2017ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા 25 વર્ષમાં ભારતમાં ડાયાબિટિસના કેસમાં 64 ટકાનો વધારો થયો છે. વર્ષ 2017માં ભારતમાં વિશ્વના કુલ ડાયાબિટિસના દર્દીઓની સંખ્યાનો 49 ટકા હિસ્સો ભારતમાં હતો અને 2025માં આ આંકડો 13.5 કરોડ સુધી પહોંચી જશે.
ડાયાબિટિસ એક એવી બિમારી છે જેનાથી પીડિત વ્યક્તિએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું પડે છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વધુ ઊંચાઈ ધરાવતા એટલે કે લાંબા પુરુષોમાં 41 ટકા અને મહિલાઓમાં 33 ટકા ડાયાબિટિશ થવાનું જોખમ ઓછું રહે છે. સંશોધન અનુસાર ઠીંગણી વ્યક્તિઓમાં ડાયાબિટિસનું જોખમ વધુ રહે છે. આ સંશોધન અનુસાર ઠીંગણી વ્યક્તિઓમાં લિવર ફેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે, જેના કારણે તેમને ટાઈપ-2 પ્રકારનો ડાયાબિટિસ થવાનું જોખમ વધી જાય છે.
ડાયાબિટિસના લક્ષણ:
-વજન વધુ હોવાના કારણે ડાયાબિટિસ થવાનું જોખમ વધી જાય છે.
-હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોવાના કારણે પણ વ્યક્તિને આ બિમારી થઈ શકે છે.
-શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી પણ ડાયાબિટિસનું જોખમ રહે છે.
-ગર્ભાવસ્થાના સમયમાં ડાયાબિટિસ થાય તો ભવિષ્યમાં બાળકોને પણ ડાયાબિટિસ થવાનું જોખમ હોય છે.
-હૃદયરોગ હોય કે 40 વર્ષથી વધુની ઉંમર હોય અને લાઈફસ્ટાઈલ સારી ન હોય તો પણ ડાયાબિટિસનું જોખમ રહે છે.
ડાયાબિટિસથી બચવાના ઉપાય
-નશો કરવાથી બચવું, સિગારેટ-દારૂની ટેવ કેન્સર, ડાયાબિટિસ અને હૃદય સંબંધિત બિમારીઓને જન્મ આપી શકે છે.
-મેદસ્વીતા પણ ડાયાબિટિસનું જોખમ વધારે છે. તેનાથી બચવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ ખાવી જોઈએ.
-આખો દિવસ આરામ કરવાથી અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાથી પણ ડાયાબિટિસનું જોખમ રહે છે, આથી તેને ટાળવું જોઈએ.
-દરરોજ કસરત કરવાથી પણ ડાયાબિટિસથી બચી શકાય છે.