પશ્ચિમ બંગાળની તારાજી કોણે કોણે કરી?

પશ્ચિમ બંગાળને તારાજ કરવાની શરૂઆત ૧૯૦૫માં વાઇસરૉય કર્ઝન દ્વારા થઈ હતી જે આજ સુધી કોઈને કોઈ બહાને ચાલુ રહી છે એ દેશ માટે બહુ મોટી કમનસીબી છે. બ્રિટિશ શાસન સમયે બંગાળ મોટો પ્રાંત હતો અને તે રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર હતો. આ ઉપરાંત ૧૮૫૭ના વિપ્લવમાં હિંદુ-મુસ્લિમ એકતા જાેવા મળી હતી. ભારતીય રાષ્ટ્રવાદની ભાવનાને ઊગતી ડામવા અને બંગાળીઓની એકતા ખંડિત કરવાના આશયથી અંગ્રેજાેની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની કૂટનીતિ હેઠળ કોમવાદને ઉત્તેજન આપવા માટે ઈ.સ. ૧૯૦૫માં વાઇસરૉય કર્ઝન દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતાનાં બહાને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવી રીતે બે ભાગલા પાડવામાં આવ્યા હતા. જાે કે આ ભાગલા દ્વારા પૂર્વ બંગાળ અને આસામના પ્રાંતોની એવી રીતે રચના કરવામાં આવી કે તેમાં મુસ્લિમોની સંખ્યા હિન્દુઓ કરતાં વધી ગઈ.

વાઇસરૉય કર્ઝનના ભાગલાના ર્નિણયને ભારતીય રાષ્ટ્રવાદીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ તેને ભારતને વિભાજિત કરવા અને તેને નબળું બનાવવાના એક પ્રયાસ તરીકે જાેયું હતું. ભારતીયોએ અંગ્રેજાેની કપટી અને કુટિલ ચાલ સમજી લીધી અને ‘બંગ-ભંગ’ના વિરોધમાં સમગ્ર બંગાળમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયાં. આ દરમિયાન પ્રથમ વખત આંદોલન બંગાળથી શરૂ થઈને સમગ્ર દેશમાં ફેલાઈ ગયું હતું. આ આંદોલનમાં પ્રજાના ગુસ્સાને જાેયા બાદ અંતે ૧૯૧૧માં બંગાળના ભાગલાને રદ્દ કરી દેવાયા. બંગાળના ભાગલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં એક મહત્વપૂર્ણ બાબત હતી. તેણે ભારતીયોમાં સ્વતંત્રતાની લડાઈ માટેની લાગણીને વધારી દીધી હતી.

પશ્ચિમ બંગાળને સતત તારાજી જાેવી પડી રહી છે. વાઈસરૉય કર્ઝન પછી અંતિમ બ્રિટિશ વાઈસરૉય લોર્ડ માઉન્ટબેટન દ્વારા ૧૮૪૭માં ભારતના ભાગલા પડ્યા તે સમયે પૂર્વ પાકિસ્તાનની રચના કરવામાં આવી. આ સમયે પણ બંગાળને ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ધાર્મિક રેખાઓ પર વિભાજીત કરવામાં આવ્યુ હતું, પશ્ચિમ બંગાળ - ભારતનું એક રાજ્ય બન્યું અને પૂર્વ બંગાળ - પૂર્વ પાકિસ્તાન કે જે પછી બાંગ્લાદેશ બન્યું. બંગાળના આ રીતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઇ. વિભાજન દરમિયાન થયેલી હિંસાની હોળીમાં આશરે દોઢ લાખ લોકો માર્યા ગયા અને આશરે ૭૫ લાખ શરણાર્થીઓએ પોતાના ઘર-બાર છોડીને પશ્ચિમ બંગાળમાં શરણ લીધી.

પશ્ચિમ બંગાળની ત્રીજી તારાજી માઓવાદી નક્સલ મુવમેન્ટ દ્વારા કરવામાં આવી. ૧૯૬૭માં જમીન માલિકોની કથિત દમનકારી નીતિ સામેનું ખેડૂત આંદોલન રાજ્ય સામે સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ ગયું. ચારુ મજૂમદાર દ્વારા નક્સલ ચળવળ શરૂ કરવામાં આવી. તેઓએ ચીનના સરમુખત્યાર માઓ-ઝે-ડોંગ અને તેમની સામ્યવાદી વિચારધારામાંથી પ્રેરણા લીધી. આ ચળવળે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર કરી. ઘણા નિર્દોષ નાગરિકો, પોલીસ અને પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યા. ત્યારથી પશ્ચિમ બંગાળમાં તમામ રંગના બળવાખોરો આજની તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જાેવા મળે છે.

પશ્ચિમ બંગાળની ચોથી તારાજી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધે કરી. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરીને પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે અલગ દેશ તો બનાવી દીધો પરંતુ એના કારણે લાખો શરણાર્થીઓએ પશ્ચિમ બંગાળમાં શરણ લીધી. આખા દેશમાં પણ એ સમયે શરણાર્થીઓ ફેલાઈ ગયા હતા. ત્યારથી આજસુધી વૉટબેંકના રાજકારણને લીધે બાંગ્લાદેશીઓના ધાડાંના ધાડાં પશ્ચિમ બંગાળમાં ઉતરી આવે છે અને પશ્ચિમ બંગાળની વસતીનું સમતોલન ખોરવાતું રહે છે અને એના કારણે રાજ્યનું અર્થતંત્ર ક્યારેય ઊંચું આવતું જ નથી.

૧૯૭૭થી ૨૦૧૧ની વચ્ચે વિશ્વની સૌથી લાંબી ચૂંટાયેલી સામ્યવાદી સરકારે પશ્ચિમ બંગાળનું રહ્યુંસહયું જે હતું એનું પણ ધનોતપનોત કાઢી નાખ્યું. સામ્યવાદી સરકારના ટીકાકારો દાવો કરે છે કે સામ્યવાદીઓએ પશ્ચિમ બંગાળને જાહેર ક્ષેત્રમાં ફેરવી દીધું. અંગ્રેજી ભાષાને બદલે બાંગ્લા ભાષાને બદલવામાં આવી. પશ્ચિમ બંગાળનો ભદ્રલોક નિરાશા અને હતાશામાં ડુબવા લાગ્યો. સતત હડતાળ અને સતત આંદોલનના કારણે ખાનગી ઉદ્યોગો નિરાશ થવા લાગ્યા. તેઓએ પશ્ચિમ બંગાળમાંથી ઉચાળા ભરવા લાગ્યા. તેના કારણે બેરોજગારીનું વિષચક્ર શરૂ થયું. ઉદ્યોગો અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થવા લાગ્યા. પશ્ચિમ બંગાળના ટેલન્ટેડ બંગાળીઓએ અન્ય રાજ્યોમાં સામૂહિક સ્થળાંતર શરૂ કર્યું. તેના કારણે ઘણા ઉદ્યોગસાહસિકો અને કંપનીઓએ પશ્ચિમ બંગાળને કાયમ માટે છોડી દીધું.

પશ્ચિમ બંગાળની તારાજી સતત વધતી રહી. ૨૦૧૧માં મમતા સરકારના આવ્યા પછી પશ્ચિમ બંગાળ વધારે ને વધારે તારાજ થતું રહ્યું છે. રાજ્યમાં વારંવાર વિરોધ હિંસક બને છે. મમતા બેનરજી જાતે જ વિરોધ કરવા માટે રોડ પર ઉતરી આવે છે. દરેક રાજકીય અથવા સામાજિક વિરોધ તોડફોડ કરનારાઓ અને તકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી રહ્યો છે. સતત હિંસા એ પશ્ચિમ બંગાળનું એક કલ્ચર બની ગયું છે. રાજ્યના સામાન્ય નાગરિકો અસુરક્ષિત અને અસહાય બની ગયા છે. પશ્ચિમ બંગાળના લોકો ખરાબ નથી. રાજનીતિ ખરાબ છે. પશ્ચિમ બંગાળનું જાહેર દેવું રાજ્યની જીડીપીના ૪૦ %એ પહોંચવા આવ્યું છે જે ગુજરાતમાં માત્ર ૧૫ % છે.

મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના મામલામાં પશ્ચિમ બંગાળમાં ગુનાનો દર ૭૧.૮ છે. આ દર ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની સરખામણીએ ખૂબ જ વધારે છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનો દર ૫૮.૬ છે. બિહારમાં આ દર ૩૩.૫ છે. ગુનાના દરની ગણના દર એક લાખની વસતીએ થતા ગુનાઓના આધારે કરવામાં આવે છે. આ કારણે જ અસુરક્ષિત પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાની આર.જી. કર હૉસ્પિટલના ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યાની ઘટના પછી વિરોધપ્રદર્શનો થયાં હતાં. ડોક્ટર્સ સહિત સેંકડો હજારો લોકો ન્યાયની માંગણી સાથે રસ્તા પર ઉતાર્યા હતા. દેશમાં ઇમર્જન્સી સર્વિસ સિવાયની મેડિકલ સર્વિસ પર પણ તેની અસર જાેવા મળી. પશ્ચિમ બંગાળમાં હજુ પણ આ વિરોધ ચાલી રહ્યો છે.

વિદેશી તાકાતોના હાથની કઠપૂતળી બનીને મમતા સરકાર રાજ્ય કરી રહી છે. બાંગ્લાદેશમાં જયારે સત્તા-પલટો થયો ત્યારે દેશના વડાપ્રધાન આમંત્રણ આપતા હોય એ રીતે મમતા બેનરજીએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાંથી આવનારા સૌનું સ્વાગત છે. ભાજપના નેતાએ પશ્ચિમ બંગાળના ત્રણ ભાગ કરીને વિભાજિત કરવાનું સૂચન કર્યું છે તે આજના સમય-સંજાેગો માટે એકદમ યથાર્થ છે. તેઓએ પશ્ચિમ બંગાળનું આ રીતે વિભાજન કરવા સૂચન કર્યું છેઃ (૧) ઉત્તર બંગાળને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં સામેલ કરવું. (૨) ગ્રેટર કૂચ બિહારને અલગ રાજ્ય બનાવવું અને (૩) બંગાળના માલદા અને મુર્શિદાબાદ જિલ્લાઓને બિહાર અને ઝારખંડના અમુક ભાગ સાથે ભેગા કરીને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો. તેની પાછળ કારણો પણ આપવામાં આવ્યા છે.

ભારતના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર અને ઉત્તર બંગાળના જિલ્લાઓ વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ ઘણીબધી સામાનતાઓ હોવાથી એમનું એકીકરણ કરવું જાેઈએ. પશ્ચિમ બંગાળ સરકાર ઉત્તર બંગાળના વિકાસ પર પૂરતું ધ્યાન ન આપતી હોવાથી ઉત્તર બંગાળનો વિકાસ રુંધાય છે. અલગ રાજ્ય બનાવાય તો એને કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ મળી શકે. બંગાળના ‘માલદા’ અને ‘મુર્શિદાબાદ’ જિલ્લાઓને બિહારના ‘અરરિયા’, ‘કિશનગંજ’ અને ‘કટિહાર’ જિલ્લાઓ તથા ઝારખંડના ‘સંથાલ પરગણા’ પ્રદેશને ભેગા કરીને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાય તો વિકાસના મામલે ખાસ્સો પાછળ પડી ગયેલો એ વિસ્તાર પ્રગતિ કરી શકે. પ્રાસ્તાવિક વિસ્તારને જાે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવે તો એના પર કેન્દ્ર સરકારનો સીધો અંકુશ આવે, જેને લીધે આ વિસ્તારમાં વધી ગયેલી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને કાબૂમાં લઈ શકાય. માલદા અને મુર્શિદાબાદ મુસ્લિમ પ્રભુત્ત્વ ધરાવતા જિલ્લા છે એટલે એને જાે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાય તો એટલા ભાગ પર નિયંત્રણ રાખવું ભાજપ માટે સરળ બની રહે.

પરંતુ ભાજપે આમાં ફૂંકી ફૂંકીને આગળ વધવું પડે. પશ્ચિમ બંગાળના વિભાજનના ખ્યાલ માત્રથી ૧૯૦૫ના ભાગલા અને ૧૯૪૭માં વેઠેલી વિભાજનની વ્યથા યાદ આવી જાય એમ છે. તથા ૧૯૭૧ના યુદ્ધ પછી જે હાલત પશ્ચિમ બંગાળની થઈ હતી તે યાદો પણ તાજી થઈ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution