લેખકઃ હિમાદ્રી આચાર્ય દવે |
પ્રજાસત્તાક ભારતના શરૂઆતના દિવસોથી જ ચૂંટણી પ્રતીકોનું ખૂબ મહત્વ રહ્યું છે. સામાન્ય નાગરિક ચૂંટણી પ્રતીકોની મદદથી રાજકીય પક્ષોને ઓળખે છે અને તેમને મત આપે છે. રાષ્ટ્રીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાનો મુખ્ય ઉદ્દેશ મતદારોને પક્ષ અથવા ઉમેદવારને ઓળખવામાં અને યાદ રાખવામાં મદદ કરવાનો છે. મતદાન કરતી વખતે,માત્ર ઉમેદવાર અને પક્ષનું નામ જ નહીં, પરંતુ પક્ષના ચૂંટણી ચિહ્ન પણ સામે હોય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં જ્યાં વસતીનો એક મોટો હિસ્સો આજે પણ અશિક્ષિત છે ત્યારે મતદાન પ્રક્રિયામાં પ્રતીકો મહત્વની ભૂમિકા ભજવે છે. અશિક્ષિત વ્યક્તિ માટે ચૂંટણી ચિહ્ન એ એકમાત્ર સાધન છે કે જેના દ્વારા જે તે પક્ષને સરળતાથી યાદ રાખી શકે છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષનું ચૂંટણી પ્રતીક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ચૂંટણીપંચ દ્વારા દરેક પક્ષને ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવે છે. ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર,૧૯૬૮ ચૂંટણી પંચને પ્રાદેશિક રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. ચૂંટણી ચિહ્નની ફાળવણીની વાત ઘણી રસપ્રદ છે. ચૂંટણીપંચે ચિહ્નોની યાદી જાળવી રાખી છે જેમાં સમયાંતરે ફેરફાર, સુધારા અને નવી વસ્તુઓ ઉમેરાતી રહે છે. ચૂંટણીપંચ પાસે ૧૦૦ થી ૧૨૫ એવાં ફ્રી સિમ્બોલ છે, જે કોઈપણ પક્ષને ફાળવવામાં આવ્યા ન હોય. આ ચિહ્નોમાંથી, કોઈપણ નવા પક્ષ અથવા અપક્ષ ઉમેદવારને ચૂંટણી પ્રતીક ફાળવવામાં આવે છે. જાે કે, જાે કોઈ પક્ષ પોતે તેનું ચૂંટણી ચિહ્ન કમિશનને સૂચવે છે, અને જાે તે કોઈ અન્ય પક્ષને ચૂંટણી પ્રતીક તરીકે ફાળવવામાં આવ્યું ન હોય, તો તે પક્ષને પણ તે પ્રતીક ફાળવી શકાય છે. અલબત્ત,જ્યારે કોઈ રાજકીય પક્ષ તેના ચૂંટણી ચિહ્નની પસંદગી કરે છે, ત્યારે તેના સંબંધમાં અંતિમ ર્નિણય ચૂંટણી પંચ દ્વારા જ લેવામાં આવે છે.
ચૂંટણી ચિહ્નો એટલા મહત્વના છે કે આજે કેટલાક પક્ષોની ઓળખ તેમના પ્રતીકથી જ થાય છે. આપણે કમળ જાેઈને, તરત જ ભારતીય જનતા પાર્ટી વિશે વિચારીએ. એ રીતે જ પંજાનું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી છે. તેની સ્થાપના ૧૮૮૫માં થઈ હતી. ૧૯૫૧-૧૯૫૨માં જ્યારે દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ બે બળદની જાેડીના ચૂંટણી ચિહ્ન પર મત માંગતી હતી. પરંતુ ૧૯૭૦-૭૧માં કોંગ્રેસમાં ભાગલા પડી ગયાં. તેથી ચૂંટણીપંચ દ્વારા બળદની જાેડીનું પ્રતીક જપ્ત કરવામાં આવ્યું હતું. તે સમયે કામરાજની આગેવાની હેઠળની જૂની કોંગ્રેસને ત્રિરંગામાં ચરખો આપીને અને ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની નવી કોંગ્રેસ પાર્ટીને ગાય અને વાછરડાનું પ્રતીક આપીને વિવાદનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ પછી, ૧૯૭૭માં ઈમરજન્સીના અંત પછી, ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો. આ દરમિયાન ચૂંટણી પંચે ગાય અને વાછરડાનું પ્રતીક પણ જપ્ત કરી લીધું હતું. કહેવાય છે આ મુશ્કેલ તબક્કા દરમ્યાન ઈન્દિરા ગાંધી તત્કાલીન શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સમયે ઈન્દિરા ગાંધીની વાત સાંભળીને શંકરાચાર્ય ચૂપ થઈ ગયા હતા. થોડી વાર પછી જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના વર્તમાન ચૂંટણી ચિહ્નની વાર્તા અહીંથી શરૂ થઈ હતી.
૧૯૭૯માં કોંગ્રેસના બીજા વિભાજન પછી ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ (આઈ)ની સ્થાપના કરી. તેમણે બુટાસિંહને ચૂંટણી ચિહ્નને ફાઈનલ કરવા માટે ચૂંટણી પંચની ઓફિસમાં મોકલ્યાં હતાં. પાર્ટીના નેતા આરકે રાજરત્નમના વિચાર અને શંકરાચાર્યના આશીર્વાદને ધ્યાનમાં રાખીને ઈન્દિરા ગાંધીએ પંજાને ચૂંટણી પ્રતીક તરીકે બનાવવાનો ર્નિણય લીધો હતો. આ નવા ચૂંટણી ચિહ્નથી કોંગ્રેસને ચૂંટણીમાં મોટી જીત મળતી રહી તેથી આ પ્રતીક પાર્ટી માટે શુભ માનવામાં આવતું હતું, તે સમયથી અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો આ પ્રતીક સાથે ચૂંટણી લડે છે.
ભારતીય જનસંઘ, જે હાલમાં ભાજપ છે, તેની સ્થાપના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ ૧૯૫૧માં કરી હતી અને તેનું ચૂંટણી ચિહ્ન દીવો હતો. ૧૯૭૭માં કટોકટી પછી, જનસંઘને જનતા પાર્ટી બનાવવા માટે અન્ય કેટલાક પક્ષો સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું ચૂંટણી પ્રતીક ‘હળધર કિસાન’ બન્યું હતું. ત્યારબાદ, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ થઈ હતી અને પાર્ટીનું પ્રથમ અધિવેશન મુંબઈમાં યોજાયું હતું જેની અધ્યક્ષતા અટલ બિહારી વાજપેયીએ કરી હતી.
આખરે કમળ ભાજપનું ચૂંટણી ચિહ્ન કેવી રીતે બન્યું? તે વિશે કહી શકાય કે ૧૮૫૭માં જ્યારે સિપાહી બળવો થયો ત્યારે માહિતી અને સંદેશા મોકલવા માટે ચપાતી(રોટી) અને કમળના બીજનો ઉપયોગ થતો હતો. પાછળથી, જ્યારે અન્ય સ્થળોએ કેટલાક લોકોએ અંગ્રેજાે સામે બળવો કર્યો, ત્યારે તેઓએ ચૂંટણી પ્રતીક તરીકે કમળના ફૂલનો ખુલ્લેઆમ ઉપયોગ કર્યો.ભાજપે ૧૯૮૦માં તેમના ચૂંટણી પ્રતીક તરીકે કમળને પસંદ કર્યું કારણ કે અગાઉ બ્રિટિશ શાસન સામે તેનો ઉપયોગ થયો હતો,અને ત્યારે આ રાજકીય વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે ઉભરી હતી.
કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી , ઝ્રઁૈં અને ઝ્રઁસ્ જેવા રાષ્ટ્રીય પક્ષોને ચૂંટણી પંચ દ્વારા ફાળવવામાં આવેલા ચૂંટણી પ્રતીકો અનામત શ્રેણીમાં આવે છે. દેશભરમાં તે ચૂંટણી ચિહ્નો પર સંબંધિત પક્ષનો એકાધિકાર છે.એક રાજ્યના પ્રાદેશિક પક્ષનું પ્રતીક બીજા રાજ્યમાં બીજા પક્ષને ફાળવી શકાય છે. જેમ કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાને એક જ ચૂંટણી ચિહ્ન, ધનુષ અને તીર ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા પ્રાદેશિક પક્ષોના ઉમેદવારો તે રાજ્યમાં પક્ષના ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરી શકે છે. જાે તે પ્રાદેશિક પક્ષ અન્ય રાજ્યમાં તેના ઉમેદવારો ઉભા કરે અને તે જ રાજ્યના પક્ષને પહેલેથી જ સમાન ચૂંટણી પ્રતીક ફાળવવામાં આવ્યુ હોય, તો તેના માટે અલગ જાેગવાઈઓ છે. બહારના રાજ્યમાંથી આવેલ પક્ષના ઉમેદવારોને અન્ય ચૂંટણી ચિહ્નની ફાળવણી કરવામાં આવે છે.
બીજું, એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટસનાં વિરોધ બાદ ચૂંટણી પંચે પ્રાણીઓ અને પક્ષીઓના ચૂંટણી ચિહ્ન આપવાનું બંધ કરી દીધું છે. ચૂંટણી પંચ દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે અગાઉ પક્ષો તેમની રેલીઓમાં જે પ્રાણીનું પ્રતીક તેમને ફાળવવામાં આવ્યું હતું તેની પરેડ કરાવતા હતા. એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટોએ મૂંગા પ્રાણીઓની પરેડનો વિરોધ કર્યો હતો અને તેને ક્રૂરતા ગણાવી હતી.
Loading ...