ગાંધીનગર-
રાજ્યમાં યોજાનારી 8 બેઠકોની પેટા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો દ્વારા જે ખર્ચ કરવામાં આવે તેની સંપૂર્ણ વિગતો દર્શાવવા માટે જણાવવામાં આવ્યું છે, તેમ છતાં કેટલાક ઉમેદવારો સમયસર હિસાબ રજૂ કરી શક્યા નથી. ત્યારે ચૂંટણી અધિકારીએ ભાજપના કરજણના ઉમેદવાર અક્ષય પટેલને નોટિસ આપીને બીજા તબક્કાના ચૂંટણી ખર્ચ અંગે તાત્કાલીક લેખિતમાં ખુલાસો આપવા જણાવ્યું હતું. બીજા તબક્કાના ચૂંટણી ખર્ચ હિસાબની ચકાસણી કરવા માટે અક્ષય પટેલ હાજર ન રહેતા ચૂંટણી અધિકારીએ અક્ષય પટેલને આ નોટિસ આપી હતી.
ડાંગમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી ખર્ચની વિગતો અધૂરી ભરી હતી ત્યારે આ બાબતને લઈને ચૂંટણી અધિકારીએ ભાજપ-કોંગ્રેસના નેતાઓને નોટીસ પાઠવી હતી. બીજા તબક્કાના ચૂંટણી ખર્ચના હિસાબોની ચકાસણી માટે અપૂરતી વિગતોને લઈ નોટિસ ફટકારી હતી અને જો નિયત સમય મર્યાદામાં લેખિતમાં ખુલાસો નહીં કરાય તો આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 3 ઉમેદવારોનો નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ભાજપના વિજય પટેલ, કોંગ્રેસના સૂર્યકાન્ત ગાવિત અને બિટીપીની બાપુભાઈ ગામિતને ચૂંટણીપંચ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા કડક પગલાને લીધે ઉમેદવારોને ચૂંટણી પ્રચાર પ્રક્રિયાની સાથે હિસાબો સાચવવાની પણ જહેમત ઉઠાવવી પડી રહી છે.